Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

જયાં વૈવિધ્ય અને અનન્યતા છે ત્યાં કૃષ્ણ છે : પૂ. ગીતાદીદી

પુતના ઈર્ષાનો પર્યાય છે, આવી પુતનાઓ આજે પણ સમાજમાં છે : ગોકુળ પ્રેમ અને પરમાનંદનું પ્રાગટ્ય સ્થાન છે : માનવ સમાજના નવનિર્માણ માટે પરંપરામાં પરિવર્તન જરૂરી છે : માં દેહમાંથી દેહ અને જીવમાંથી જીવન આપે છે : આજે સાંજે છઠ્ઠા દિવસે રૂકમણી વિવાહ- દ્વારકાધીશના લગ્નનો માંગલિક પ્રસંગ કથામંડપમાં ઉજવાશેઃ સાંજે ૭ થી ૯ હજારો શ્રોતાઓ અગિયારસનો ફરાળ મહાપ્રસાદ ગ્રહણ કરશે

જયાં વૈવિધ્ય અને અનન્યતા છે ત્યાં કૃષ્ણ છે : પૂ. ગીતાદીદી

   રાજકોટ, તા.૧૪ :'' શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ વાણી છે, શ્રીમદ્દ ભાગવતમાં ગીતાના સિધ્ધાંતો સમાયેલા છે, ભાગવત ગ્રંથ કોઈ સંપ્રદાયનો ગ્રંથ નથી, માનવ માત્રનો ધર્મગ્રંથ છે, સાંપ્રત સમયના માનવ સમાજને સુખી અને સદ્દજીવનની પ્રેરણા આપે છે. ભાગવતની કથા સૌ માટે કલ્યાણકારી છે'' તેથી સમાજના ૧૮ વર્ણોના કલ્યાણ, સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કરવાના શુભ સંકલ્પના પરિપાક રૂપે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા નરેન્દ્રબાપુ ગુરૂ જવરાજબાપુના મનોરથ, પૂ.જીવરાજબાપુ ગુરૂ શામજીબાપુની પ્રેરણા અને સતાધારના લઘુ મહંત વિજયબાપુના સદભાવ સહયોગથી રાજકોટમાં તા.૯ થી ૧૫, નવેમ્બરના સાતદિવસ દરમ્યાન  વકતા વિદુષી બાલયોગીની પૂ.ગીતાદીદીના વ્યાસશને રાજકોટમાં પારડી રોડ,  આનંદનગર કોલોની પાછળના વિશાળ મેદાનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ કોલોની પાછળના વિશાળ મેદનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું છે. દરરોજ બપોરે ૩ થી સાંજના ૬:૩૦ દરમ્યાન ગીતાદીદી સરળ દૃષ્ટાંત સાથે લોકબોલીમાં ગીત-સંગીત સાથે ભાગવત કથાનું હજારો શ્રોતાઓને રસપાન કરાવી રહ્યા છે. સાંજે ૭ થી ૯ સતાધાર- આપા ગીગાના ઓટલાની જીવંત પરંપરા મુજબ સૌ શ્રોતાઓને પ્રસાદ ભોજન પીરસવામાં આવે છે, આજે મંગળવારે અગિયારસ હોય, તમામ હજારો ભાવિક જનોને ફરાળનો ભોજન પ્રસાદ વિવિધ વાનગીઓમાં પીરસાશે, આજે કથા વિરામ પૂર્વે રૂકમણી વિવાહ-દ્વારકાધીશના માંગલિક લગ્નનો પ્રસંગ ધામધૂમથી કથા પરિસરમાં ઉજવવામાં આવશે, આવતીકાલ બુધવારે કથાની પૂર્ણાહૂતિ છે. કથાના અંતિમ ચરણોમાં કાલે એક દિવસ આ દિવ્ય કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લેવા આ કલ્યાણકારી કથાના મનોરથી નરેન્દ્રબાપુની યાદીમાં રાજકોટના નગરજનોને જાહેર આમંત્રણ અપાયું છે.

   આ કથામાં હરિદ્વાર, સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક સંતોની ચરણરજથી રાજકોટની ભૂમિ પાવન થઈ છે, હજારો શ્રોતાઓને સંત દર્શન અને આશીર્વાદનો લાભ મળ્યો, આપણે સૌ ધન્ય બન્યા એવી નરેન્દ્રબાપુએ લાગણી વ્યકત કરી છે.

   ગઈકાલ સોમવારે નરેન્દ્રબાપુના નિમંત્રણને માન આપીને સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી કડિયા સમાજના મહાનુભવોનું કથામંડપમાં આગમન થયું હતું, સર્વે મહેમાનો જુનાગઢના ધીરૂભાઈ ગોહિલ, જે.કે.ચાવડા, કિશોરભાઈ ચોટલીયા, ગોરધનભાઈ ટાંક, વજુભાઈ કાચા, ડી.પી.જાદવ, ભરતભાઈ ભાલિયા, રસિકભાઈ મોરવાડીયા, અમરેલીના ભરતભાઈ ટાંક, હરજીવનભાઈ ટાંક, કૌશિકભાઈ ટાંક, વેરાવળના મિતેષભાઈ પરમાર, મુંબઈથી ખાસ પધારેલાં જયસુખભાઈ સાપરા, પંકજભાઈ રાઠોડ, હર્ષદભાઈ ગોહિલ, ગોવિંદભાઈ ટાંક વગેરે, અમદાવાદથી કમલેશભાઈ ચૌહાણ, નિલેશભાઈ ચૌહાણ, ગોરધનભાઈ ગોહિલ, ગોંડલથી અરવિંદભાઈ ટાંક, અશોકભાઈ ટાંક, શૈલેષભાઈ વગેરે સમાજના આગેવાનો, સુરતથી મગનભાઈ મકવાણા કડિયા સમાજના આ તમામ મહાનુભાવોએ જ્ઞાતિરત્ન નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુનું ફૂલહાર, સાલ, પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કર્યું હતું, બાપુએ પણ સર્વે જ્ઞાતિબંધુઓનું સ્વાગત- સન્માન કર્યું હતુ.

   રાજકોટ શહેરના વિવિધ જ્ઞાતિ સમાજના ગણમાન્ય મહાનુભવોની ગઈ કાલે કથામાં પટેલ સામજના ડો.વલ્લભભાઈ કથિરીયા, બી.એમ.પટેલ, જીજ્ઞેશભાઈ કાલાવડિયા, નરસિંહભાઈ દાવડા, અશોકભાઈ દલસાણીયા, કે.સી.પટેલ, પ્રો.જે.એમ. પન્નારા, મુકેશભાઈ સતાસીયા, શૈલેષભાઈ પરસાણા, માવજીભાઈ પટેલ, રમેશભાઈ ધરસંડિયા, ગીરીશભાઈ પટેલ, દિનેશભાઈ માકડિયા, સહિતનાનું નરેન્દ્રબાપુએ સ્વાગત-સન્માન કર્યું હતું, તમામ પટેલ મહેમાનોએ નરેન્દ્રબાપુનું સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. શહેરના જૈન સમાજના વી. ટી. તુરખીયા, કિશોરભાઈ કોરડીયા, જીતુભાઈ બેનાણી, ચંદ્રકાંતભાઈ શેઠ, દિલીપભાઈ રવાણી, બ્રહ્મસમાજના જનાર્દનભાઈ આચાર્ય, અભયભાઈ ભારદ્વાજ, જે. પી. જોષી, ભાસ્કરભાઈ ત્રિવેદી, કૌશિકભાઈ શાસ્ત્રી, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, સુથાર સમાજના રાજુભાઈ આમરણીયા તથા જગદીશભાઈ મિસ્ત્રી, લુહાર સમાજના મનસુખભાઈ સોલંકી તથા યોગેશભાઈ સોલંકી, પ્રજાપતિ સમાજના રતિભાઈ ગોરવાડીયા, ગિરીશભાઈ દેવળીયા, વિઠ્ઠલભાઈ વાધેર સહિતના આગેવાનોએ કથા મંડપમાં હાજરી આપી હતી.

   રાજકોટના વિવિધ જ્ઞાતિ સમાજના ઉપસ્થિત આગેવાનોનું સંતો, મહંતો દ્વારા સન્માન કરાયુ હતું. ત્યારબાદ વિવિધ જ્ઞાતિ - સમાજના આગેવાનોએ રાજકોટનું ગૌરવ એવા નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુને શાલ ઓઢાડી તથા સ્મૃતિચિન્હ સાથે માલ્યાર્પણ કરીને સન્માન કર્યુ ત્યારે કથામંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. સંતોએ સર્વેને આર્શીવાદ આપ્યા હતા. તથા મહેમાન મહાનુભાવોએ પૂર્ણ સમય કથા શ્રવણ કરીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

   ગઈકાલ કથાયાત્રાના પાંચમાં દિવસે વ્યાસપીઠેથી પૂ. ગીતાદીદીએ કથા ઉપક્રમની ભૂમિકા બાંધતા કહ્યું કે શ્રીમદ્દ ભાગવતમાં ઈશ્વરના ૨૪ અવતારોની કથા છે. મહર્ષિ વેદવ્યાસ રચિત, દેવાધિદેવ શ્રી ગણપતિજી લિખિત ભાગવત ગ્રંથ, જે માત્ર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ વર્ણન કરતો ગ્રંથ નથી પરંતુ યુગે યુગે તત્કાલીન માનવ સમાજને દિવ્ય જીવનનો સંદેશો આપે છે. બીજા અવતારોની વિગતો અને ભગવત તત્વની સમજણ ભાગવતમાં ૧ થી ૯ સ્કંધ સુધીમાં આપવામાં આવી છે, પણ ભાગવતે જેને પૂર્ણાવતાર અથવા સાક્ષાત ઈશ્વર તત્વ છે તે કૃષ્ણાવતારનું વર્ણન ભાગવતના દશમ સ્કંધમાં આપવામાં આવ્યુ છે, કૃષ્ણાવતાર અસાધારણ અવતાર છે. આજે હજારો વર્ષ પછી પણ ભારત સહિત દુનિયાનાં અનેક દેશોના લોકજીવન પર તેની જીવંત અસર છે. આખી ભારતીય સંસ્કૃતિ અને સનાતન આર્યધર્મમાં શ્રી કૃષ્ણનો પ્રભાવ એટલો ઠોસ ભરાયેલો છે કે તેમાંથી માત્ર ''કૃષ્ણ'' કાઢી લેવામાં આવે તો બધુ પ્રાણ વગરના ખોળીયા જેવું થઈ જાય. ભગવાને જે જીવન દર્શન અને ગીતારૂપે તત્વદર્શન ઉદ્દેશ્યુ છે જે આજે પણ જગતનાં વિકસી રહેલા દેશોમાં સર્વમાન્ય છે. શ્રી કૃષ્ણ જગતની શ્રેષ્ઠ વિભૂતિ - કૃષ્ણાવતાર છે શ્રી કૃષ્ણ જેવું દિવ્ય અને સંમોહિત વ્યકિતત્વ વિશ્વમાં કયાંય નથી, જયાં વિવિધતા, વિશેષતા, અનન્યતા છે ત્યાં કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણનું ચરિત્ર ભાગવતનાં દશમા સ્કંધમાં આવે છે, આ સ્કંધ ભાગવતનું હૃદય છે. આ સ્કંધમાં શ્રી કૃષ્ણને આધ્યાત્મિક પૂર્ણપુરૂષ તરીકે નિરૂપ્યા છે, પરબ્રહ્મ - પૂર્ણપુરૂષોતમ તરીકે આલેખ્યા છે. શ્રોતાઓનું મન ભગવાન સાથે જોડાય એ માટેની આ સ્કંધમાં નિરોધ લીલાઓ છે, ભગવાનમાં જોડાવું તેનું નામ જ નિરોધ, આ જોડાણ થાય છે ત્યારે અહંકારનું અસ્તિત્વ રહેતું નથી, ખોવાઈ જવામાં જ નિરોધ છે. ભાગવતના કૃષ્ણ ભકતજનો માટેના કૃષ્ણ છે.

   ગઈકાલે કથાના પાંચમા દિવસે વ્યાસપીઠેથી પૂ. ગીતાદીદીએ શ્રી કૃષ્ણના પ્રાગટ્યથી લઈને બાલકૃષ્ણની અતિપ્રિય સ્થલી ગોકુલમાં કરેલી લીલાઓની પૂર્વભૂમિકા આપીને માતા જશોદાના આનંદ અને વાત્સલ્યની વાત કરી જણાવ્યું કે, માતાનો પ્રેમ શુદ્ધ, નિર્વિકાર અને નિષ્કામ હોય છે, વાત્સલ્યની સરીતા વહ્યા જ કરે છે. નદીને ખબર નથી હોતી કે કયાં પહોંચવું છે? પ્રેમ વહેતી સરીતા છે. દીદીએ કહ્યું કે ગોકુલ કૃષ્ણની બાળલીલાઓનું કેન્દ્ર છે, જયાં વૈવિધ્ય, અધિકતા છે ત્યાં કૃષ્ણ છે. કૃષ્ણના પ્રાગટ્ય સાથે બધા બંધનો તૂટી ગયા, માતા-પિતાની હાથ કડફી, કારાવાસના તાળા તૂટી ગયા, યમુના નદીએ માર્ગ આપ્યો. ભગવાનથી મુકિત અને માયાથી બંધન થાય છે.

   કથાના આગળના ઉપક્રમમાં  ગીતાદીદીએ મથુરાની જેલમાં શ્રી કૃષ્ણનો જન્મ, ગોકુળ જવું, ગોકુલના નંદ મહોત્સવની ઉજવણી, બંને ભાઈઓના ગર્ગઋષિ દ્વારા નામકરણ, પુતનાનું આગમન, બાલકૃષ્ણ ભગવાને આ અવિદ્યાનો વધ કરીને ઉદ્ધાર કર્યો, તૃણાવર્ત દૈત્યનો વધ સહિતની કથાઓ સંક્ષેપમાં કહી. કૃષ્ણની બચપણની ચચંળતા અનોખી હતી, ગોકુળની ગોપીઓને બાળ કનૈયો બહુ ગમે છે, છતાં ગોપીઓ જશોદામાને ફરીયાદ કરે છે કે, તમારો કનૈયો ચોરી કરતા શીખી ગયો છે, અમારા ઘરમાં તેની ભાઈબંધો પાસે અને પોતે માખણ ચોરે છે, ગોરસના મટકા ફોડીને ભાગી જાય છે. જશોદાજી, તમારા કનૈયાને સમજાવી દેજો નહિતર અમે શિક્ષા કરશું - બલરામે જશોદાજીને કહ્યું કે, કનૈયો માટી ખાય છે, જશોદાજીએ કનૈયાને પકડીને ધમકાવ્યો. પછી તો વ્યાસપીઠેથી આ પ્રસંગની ગીત - સંગીતમય રજૂઆત થઈ, કથામંડપ ભાવિવિભોર થઈને નાચી ઉઠ્યો. યશોદાજી પૂછે છે, કેમ લાલા, તે શા માટે માટી ખાધી? કનૈયો : મૈયાજી મેં માટી ખાધી જ નથી. યશોદાજી : બતાવ તારૂ મોઢું - મોં. માતાજીએ કનૈયાનું મોં ખોલીને જોયું, મોં માં તેને ચરાચર વિશ્વના દર્શન થયા, માતાના આશ્ચર્યનો પાર ન રહ્યો. માતા શું બોલે.

   ભાગવતની ભાવ સંવેદનાઓ

      જીવનનું માંગલ્ય સદ્દવિચારોના આચરણથી જ થાય છે.

      જીવનને માણવું હોય તો દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરો.

      કૃષ્ણને આત્મસાત કરવા માટે પાત્ર ખાલી હોવું જોઈએ.

      જયાં કૃષ્ણ નથી ત્યાં ભકિત વૃદ્ધ થઈ જાય છે.

      કૃષ્ણ છે ત્યાં ભાવ છે, કંસ છે ત્યાં ભય છે.

      પ્રેમ માર્ગ સમર્પણનો માર્ગ છે, એમાં 'મમ્'ને સ્થાન નથી.

      જયાં વૈવિધ્ય, વિશેષતા છે ત્યાં કૃષ્ણ છે.

      પરંપરામાં પરિવર્તન થાય તો જ નવાં માનવ સમાજનું નિર્માણ થાય.

      ગોકુળ પ્રેમ અને પરમાનંદનું પ્રાગટ્ય સ્થાન છે.

      એક માત્ર માતાનો પ્રેમ જ શુદ્ધ અને નિષ્કામ હોય છે.

      પ્રેમ નષ્ટ થાય ત્યારે સંબંધો સ્વાર્થના બની જાય છે.

      જે વસ્તુ કે વિચાર ન ગમે તેની સાથે પ્રેમ કરો.

      શ્રદ્ધા અને વિશ્વાસ માનવીનું ઉર્ધ્વીકરણ કરે છે.

      માં દેહમાંથી દેહ આપે છે, જીવમાંથી જીવન આપે છે.

      શ્રી કૃષ્ણ જેવું દિવ્ય અને સંમોહિત વ્યકિતત્વ વિશ્વમાં કયાંય નથી.

      ઈર્ષા અને અહંકાર વિહીન વ્યકિત જ પ્રભુપ્રાપ્તિનો અધિકારી છે.

      પુતના ઈર્ષાનું પ્રતિક છે, આવી પુતનાઓ આજે પણ સમાજમાં છે.

 (03:39 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS