Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

ઠરાવનો અમલ કરો

મ્યુ. કોર્પોરેશનના નિવૃત કર્મચારીઓને તબીબી સહાય આપોઃ પછાત વર્ગ મંડળની રજુઆત

   રાજકોટ તા.૧૪ : મ્યુ.કોર્પોરેશનમાં નિવૃત થયેલ અધિકારીઓ અને પેન્શનર કર્મચારીઓને તબીબી સારવાર માટે સહાય આપવા પછાતવર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર પાઠવી વિસ્તૃત રજુઆત કરવામાં આવી છે.

   આ આવેદનમાં જણાવાયુ છે કે, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૮ માર્ચ ર૦૧૭ના ઠરાવ ક્રમાંક એમ.એ.જી./૧૦ર૦૧પ/૬૦૧ખ-૧ મુજબ મહાનગરપાલિકામાં પોતાની ફરજ બજાવી અને નિવૃત થયેલ પેન્શનર અધિકારીઓ અને કર્મચારીઓને ગુજરાત રાજય સેવા તબીબી સારવારના નિયમો ર૦૧પ મુજબ તબીબી સારવાર માટે સહાય ચુકવવા સ્ટેન્ડીંગ કમીટી અને જનરલ બોર્ડમાં ઠરાવ મંજુર કરવા માંગણી છે.

   આ આવેદનના અંતે જણાવાયુ છે કે હાલમાં તબીબી સારવાર અત્યંત મોંઘી બની છે ત્યારે રાજકોટના વિકાસમાં પોતાની ફરજ દરમિયાન નિષ્ઠાપુર્વક કામ કરી અને સહયોગી થયેલા નિવૃત કર્મચારીઓને વૃધ્ધાવસ્થામાં પેન્શનની ટુંકી આવકમાંથી મોંઘી તબીબી સારવાર લેવી પરવડે તેમ નથી તેથી નૈતિક સહાનુભુતી દાખવી કોર્પોરેશનના સેવા નિવૃત કર્મચારીઓને તબીબી સહાય મળવાપાત્ર હોય તે ચુકવવા યોગ્ય કાર્યવાહી અમલમાં લેવા અનુરોધ છે. આ રજુઆતમાં મંડળના પ્રમુખ પી.કે.રાખૈયા, અશોક રાઠોડ, એ.આર.બેડવા અને અશોક સોલંકી સહિતના જોડાયા હતા.

 (03:37 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS