Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

ગાંધીનગરમાં વિશ્વનું સૌથી વિરાટ સિરામિક પ્રદર્શન

મોરબી સિરામિક એસો. દ્વારા તા. ૧૬થી ૧૯ દરમિયાન આયોજનઃ પ્રદર્શનનો ખર્ચ રૂ. ૨૫૦ કરોડ : દેશની ૯૦ ટકા ટાઇલ્સ મોરબીમાં ઉત્પાદન થાય છે, સિરામિક ઉદ્યોગનું ટર્ન ઓવર રૂ. ૫૦,૦૦૦ કરોડે પહોચશેઃ કે.જી. કુંડારિયા * ૨૫૦૦ વિદેશી ખરીદદારો આવશે * રૂ. ૩૦૦૦ કરોડના વેચાણની ધારણા, રૂ. ૭૦૦૦ કરોડની ઇન્કવાયરી થશે * પ્રદર્શન માટે ૬૫ દેશોમાં રોડ-શો કર્યા : સિરામિકની દુનિયામાં મોરબીનું અજોડ સ્થાન :પ્રદર્શનમાં ટાઇલ્સની ૩૦,૦૦૦ ડિઝાઇન જોવા મળશે : સ્પેન, ઇટાલી, તુર્કી, બ્રાઝીલ વગેરે દેશો સિરામિક ક્ષેત્રે ભારતથી ખૂબ પાછળ : સિરામિક ઉદ્યોગમાં ૯૦ ટકા કડવા પાટીદાર ઉદ્યોગકારો :૨૦૧૬માં ૮૦ નવી ફેકટરીઓ ૫૦૦૦ કરોડના ખર્ચે સ્થપાઇ હતી : સિરામિક એસો. દ્વારા આ ઉદ્યોગ વિસ્તારમાં હોસ્પિટલ માટે માંગણી :૧૦૦ વર્ષ પૂર્વે પરશુરામ પોટરીથી શરૂ થયેલો ઉદ્યોગ ખૂબ વિકસ્યો

ગાંધીનગરમાં વિશ્વનું સૌથી વિરાટ સિરામિક પ્રદર્શન

   અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ કે.જી. કુંડારિયા સાથે જયભાઇ ઉદાણી, દિલીપ બાલાસરા, જયમીન ઠાકર નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

   (પ્રવિણ વ્યાસ દ્વારા) રાજકોટ તા. ૧૪ : મોરબી સિરામિક એસો. દ્વારા ગાંધીનગર ખાતે વિશ્વનું સૌથી વિરાટ સિરામિક પ્રદર્શન આયોજીત થયું છે. એસો.ના પ્રમુખ કે.જી.કુંડારિયા આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, રૂ. ૨૫૦ કરોડના ખર્ચે પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.

   મોરબી સીરામીક એસો. અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા આગામી ૧૬થી ૧૯ નવેમ્બર સુધી ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ ૨૦૧૭નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબી સીરામીક એસો.ના પ્રમુખ કે.જી.કુંડારીયા અને નિલેશ જેતપરીયા સહિતની ટિમ દ્વારા મોરબીના સિરામિક ઉધોગને વધુ વિકાસની ઉંચાઈએ લઇ જવા માટે અને આ માટે ભારત સહિતના દુનિયા ભરના સીરામીક પ્રોડકટના બાયરોને એક છત નીચે લાવી વેચાણ અને એકસપોર્ટ વધારવા માટે આ વર્ષે ફરીથી વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે ૬૫થી વધુ દેશોમાંથી ૨૫૦૦થી વધુ દરિયાપારના ખરીદદારો ઊમટી પડવાની અપેક્ષા છે. તેમજ આ ઈવેન્ટમાં ચાર દિવસમાં એક લાખથી વધુ લોકો આવવાની ધારણા છે. વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ ૨૦૧૭ની માહિતી આપતા મોરબી સીરામીક એસો.ના પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ (વીસીઈએસ) ૨૦૧૭ ગુજરાતના ગાંધીનગરમાં ટાઉનહોલ નજીક પ્રદર્શન કેન્દ્રમાં ૧૬-૧૯ નવેમ્બર, ૨૦૧૭ના યોજાશે. આ પ્રદર્શન ૫૦,૦૦૦ ચોરસમીટર વિસ્તારમાં યોજાશે, જેમાં ૨૫૦થી વધુ પ્રદર્શનકારીઓ, ૪૦૦થી વધુ બ્રાન્ડ્સ અને આકાર તથા ડિઝાઈનમાં સેંકડોમાં સીરામીક એક છત હેઠળ આવશે. ભારત દુનિયામાં દ્વિતીય સૌથી વિશાળ ટાઈલ્સ બજાર છે. વૈશ્વિક ટાઈલ્સ નિર્મિતી ૨૦૦૬ - ૨૦૧૩ના સમયગાળામાં ૬.૩ ટકાના વાર્ષિક દરે વૃદ્ઘિ પામી છે ત્યારે ભારતમાં ટાઈલ્સનું ઉત્પાદન આ જ સમયગાળામા ૨૦% ટકા સાથે લગભગ ત્રણગણું વધ્યેં છે. સીરામીક ટાઈલ્સ ભારતમાં કુલ ટાઈલ્સની માગણીના ૮૦ ટકા આસપાસ છે અને ૨૦૧૪-૨૦૧૯ના સમયગાળામાં તે ૨૦% ટકા સીએજીઆરે વૃદ્ઘિ પામવાની ધારણા છે.

   તેમણે ઉમેર્યું હતું કે મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનના ભારત સરકારના મુખ્ય એજન્ડાની રેખામાં અમે દેશની આર્થિક વૃદ્ઘિમાં યોગદાન આપવાની નાવીન્યતા લાવવા સતત પ્રયત્નશીલ છીએ અને રાજયોમાં વધુ રોજગારી નિર્માણ કરવા માગીએ છીએ. હાલમાં અમે મહેસૂલમાં લગભગ ૪ અબજ ડોલરનું યોગદાન આપી રહ્યા છીએ અને કુશળ તથા અકુશળ ૧૦ લાખથી વધુ લોકોને રોજગારી આપી છે.

   વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ ૨૦૧૭ના સીઈઓ શ્રી સંદીપ પટેલે જણાવ્યા મુજબ આ એકસપોમાં ટેકનોલોજી ટ્રાન્સફર, રોકાણ, સંયુકત સાહસો, બીટુબી તેમ જ બીટુજી નેટવર્કિંગ તકો મુખ્ય રૂપરેખા રહેશે, જયારે પ્રદર્શનમાં આધુનિક ટેકનોલોજી, સીરામીક ટાઈલ્સ, સેનિટરી વેર અને બાથ ફિટિંગ્સ પ્રદર્શિત કરાશે. વાઈબ્રન્ટ સેરામિકસ એ આ ઉદ્યોગમાં મુખ્ય ખેલાડીઓને એકત્ર કરવાના અને તેમની અંદર નવો જોશ ભરવાના લક્ષ્ય સાથેની પહેલ છે. અમે તેજસ્વી આંતરક્રિયા, ચેનલિંગ અને નેટવર્કિંગ માટે બધા પ્રકારના વેપાર સંસાધનોને એક મંચ પર લાવવા ઉત્સુક છીએ.

   વાઈબ્રન્ટ સીરામિકસની પ્રથમ આવૃત્તિ ગયા વર્ષે યોજાઈ તેમાં ૨૨ દેશમાંથી ૬૧૦થી વધુ વિદેશી મોવડીએ ભાગ લીધો હતો, જયારે આ વર્ષે ૬૫થી વધુ દેશોમાંથી ૨૫૦૦થી વધુ દરિયાપારના ખરીદદારો ઊમટી પડવાની અપેક્ષા છે. આ ઈવેન્ટમાં ચાર દિવસમાં એક લાખથી વધુ લોકો આવવાની ધારણા છે. ઈવેન્ટના અંત સુધી ક્ષેત્રમાં ર૦૦૦ કરોડ મૂલ્યનો વેપાર ઊપજશે અને લગભગ રૂ. ૩૦૦૦ કરોડના ઓર્ડરની પૂછપરછ મળવાની ધારણા છે.

   વાઈબ્રન્ટ સીરામિકસ ૨૦૧૭ માટે વૈશ્વિક સ્તરે લગભગ ૬૫ દેશોમાં અને ભારતનાં ૧૦૦ સ્માર્ટ શહેરોમાં પ્રમોશન કરવામાં આવ્યું છે. આ એકસપોમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કમ્બોડિયા, ચીન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટાલી, જોર્ડન, કેન્ય, લાટવિયા, મડાગાસ્કર, મોરિશિયસ, મેયોટ, મેકિસકો, નેપાળ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, કતાર, રશિયા, સાઉદી અરેબિયા, સેનેગલ, સાઉથ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, તાન્ઝાનિયા, યુગાંડા, યુનાઈટેડ આરબ અમીરાત, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, સર્બિયા વગેરે ખાતેથી સીરામીક ઉદ્યોગના મોવડીઓ આવશે.

   સમિટમાં એવોર્ડ સમારોહ યોજાશે

   મોરબી સિરામિક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સિરામિક એકસ્પો અંતર્ગત સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે સોનેરી અવસર રૂપે એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદી-જુદી ૧૧ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

   આગામી તા.૧૬ નવેમ્બરથી ગાંધીનગર ખાતે યોજનાર વાઈબ્રન્ટ સિરામિક સમિટ ૨૦૧૭માં આયોજકો દ્વારા નાના-મોટા તમામ સિરામિક ઉદ્યોગ ગૃહો અને નવી તથા જૂની સીરામીક કંપનીઓ માટે એવોર્ડ સેરેમનીનું આયોજન કર્યું છે જે વાઈબ્રન્ટ સિરામિક સમિટ દરમિયાન યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ વાઈબ્રન્ટ સીરામીક સમિટ દરમિયાન અલગ-અલગ ૧૧ કેટેગરીમાં ત્રણ-ત્રણ એવોર્ડ આપવામાં આવશે,આ એવોર્ડ સેરેમનીમાં ૮ કેટેગરી ગ્રુપ એવોર્ડ માટેની છે અને ત્રણ કેટેગરી ઓપન એવોર્ડ માટેની છે. એવોર્ડ કેટેગરી વિસ્તારથી જોઈએ તો ગ્રુપ કેટેગરીમાં ઓવર ઓલ બેસ્ટ પર્ફોમન્સ, બેસ્ટ ઇનોવેશન, હાઈએસ્ટ પ્રોડકિટવિટી, બેસ્ટ માર્કેટ પેનેટ્રેશન, બેસ્ટ સેફટી ઇમ્પ્લીમેન્ટેશન ઇન મેન્યુફેકચર પ્લાન્ટ, બેસ્ટ એકસપોર્ટર, બેસ્ટ સીએસઆર એકિટવિટી અને મેકસીમમ વેરાયટી ઇન પ્રોડકટ કેટેગરીમાં લાર્જ, મીડીયમ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એમ ત્રણ અલગ-અલગ એવોર્ડ આઓવામાં આવશે. આ ઉપરાંત ઓપન કેટેગરીમાં બેસ્ટ ગ્રીન કંપની ફોર એનવાયરમેન્ટ કોન્સિયસ ઇન સીરામીક ઇન્ડસ્ટ્રીઝ,મોસ્ટ પ્રોમીસિંગ બ્રાન્ડ ઇન સીરામીક ઇન્ડસ્ટ્રીઝ અને ઇમારજિંગ કંપની ઇન સીરામીક ઇન્ડસ્ટ્રીઝ કેટેગરીમાં વિનર્સ અને રનર્સઅપ તરીકેના એવોર્ડ આપવામાં આવશે.

   મોરબી ઉભું કરાયું

   વાઈબ્રન્ટ સીરામીક એકસ્પો-૨૦૧૭ દરમિયાન ગાંધીનગરમાં મોરબીની બજારો અને પ્રાચીન ઇમારતોનો ઙ્ગહૂબહૂ માહોલ ઉભો કરી નહેરુગેટ અને ગ્રીનચોક, સોની બજાર, ઝુલતોપુલ, મચ્છુ ડેમ સહિતના સ્થળોની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.

   મોરબી સીરામીક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સીરામીક એકસ્પો સમિટ આગામી ૧૬ નવેમ્બરથી ગાંધીનગર ખાતે શરૂ થનાર છે જેમાં દેશવિદેશના અસંખ્ય લોકો આવનાર છે ત્યારે મોરબી શહેરની આગવી ઓળખ પ્રદર્શિત કરવા ગાંધીનગરમાં સમિટ સ્થળે મોરબીનો આબેહૂબ સેટ ઉભો કરવામાં આવી રહ્યો છે. મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા અને કે.જી.કુંડરિયાના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ સ્થળે મોરબી શહેરની આગવી ઓળખ પ્રદર્શિત કરવા માટે નહેરુગેટથી લઇ ગ્રીનચોક સુધીની બજારનો માહોલ ઉભો કરાયો છે અને આ સ્થળેથી પસાર થતા કોઈ પણ વ્યકિત જાણે મોરબીમાં જ હોય તેવી પ્રતીતિ થશે. આમ વાઈબ્રન્ટ સીરામીક એકસ્પો થકી મોરબીની આગવી ઓળખ દેશ-વિદેશમાં ઉભી કરનાર મોરબી સીરામીક એસોસિએશન દ્વારા એકસપોમાં મોરબીની ઝાંખી ઉભી કરી મોરબીનું ગૌરવ વધારવા પ્રયત્નો કર્યા છે.

   અમેરિકાની સંસ્થા ટેકનિકલ નોલેજ આપશે

   રાજકોટ : વાઈબ્રન્ટ સિરામિક એકઝીબિશનમાં યુએસએની પ્રખ્યાત સીટીઇએફ સંસ્થા ટેકિનકલ સેશનમાં ટાઇલ્સને લગાવવાની આધુનિક પદ્ઘતિ સહિતની બાબતો વિશે જાણકારી આપશે.

   વાઈબ્રન્ટ સીરામીક એકસપોના પ્રમોશન માટે અમેરિકાની મુલાકાતે ગયેલા સીરામીક એસોસિએશનના પ્રમુખ કે. જી. કુંડારીયાએ યુએસએમા એન્ડરસન ખાતે સીટીઇએફ એટલે કે સિરામિક ટાઇલ્સ એજયુકેશન ફાઉન્ડેશનના ડાયરેકર શ્રી સ્કોટ કેરોથરસને મળ્યા હતા.

   અમેરિકાની આ સંસ્થા ટાઈલ્સ લગાડનાર કારીગરોને ટ્રેનીગ આપે છે. યુએસએમા ટાઈલ્સની કેવી ગુણવતા હોવી જોઈએ તેના પર અમેરિકાની આ સંસ્થા કામ કરે છે ત્યારેવાઈબ્રન્ટ સિરામિક એકસપોમાં નોલેજ સેશનમાં આ સંસ્થાના મિ. સ્કોટ પોતાનું લેકચર આપવા માટે પણ આવશે. આવી અનેક સિરામિક સાથે જોડેયેલી વિશ્વની તજજ્ઞ સંસ્થાઓના અધિકારીઓ ગાંધીનગર ખાતે એકસપોમાં આવીને માહિતીનું આદાન પ્રદાન કરવાના છે.

   મોરબીથી ગાંધીનગર હેલિકોપ્ટર સર્વિસ

   રાજકોટ : આગામી તારીખ ૧૬થી ગાંધીનગર ખાતે શરૂ થઈ રહેલા વાઈબ્રન્ટ સીરામીક સમિટ માટે મોરબી ટુ ગાંધીનગર ખાસ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. વાયબ્રન્ટ સીરામીક એકસ્પો-૨૦૧૭ માટે મોરબીથી ગાંધીનગર આવા જવા માટે ઉદ્યોગકારો અને વિદેશી આયતકારોને ફેકટરી વિઝીટની સુવિધા માટે મોરબી સરકીટ હાઉસથી સીધા ગાંધીનગર એકસ્પો સ્થળે આવા જવા માટે રાજકોટની ખાનગી કંપનીની હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોરબીથી ગાંધીનગર જવા માટે ૧૫૦૦૦ રૂપિયા ભાડું એક તરફનું રખાયું છે અને રિટર્ન ભાડું ૩૦૦૦૦ રૂપિયા નક્કી કરાયું છે.

   વધુમાં વાઈબ્રન્ટ સીરામીક એકસ્પો દરમિયાન દરરોજ બે વખત હેલિકોપ્ટર સવારથી સાંજ સુધીમાં આવન જાવન કરશે અને પ્રત્યેક ઉડાનમાં ૬ પેસેન્જરોને લઈ જશે કુલ મળી ૯૬ સીટ્સ અવેલેબલ છે. જેથી હેલિકોપ્ટર સેવાનો લાભ લેવા ઇચ્છતા ઉધોગકારો માટે અગાઉથી બુકીંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

   ૫.૨૫ * ૧૦.૩૦ ફૂટની ટાઇલ્સ!

   થીન - સ્લેબ ટાઇલ્સ આકર્ષણ જમાવશે * મોરબી પંથકમાં ૪૦ કિ.મી. લાંબા, ૨૦ કિ.મી. પહોળા વિસ્તારમાં ૭૧૦ ફેકટરીઓ * ૨૦૧૭માં ૧૦૦ ફેકટરી નવી આવી, ૭૦૦૦ કરોડનું રોકાણ

   રાજકોટ : મોરબી સિરામિક એસો.ના પ્રમુખ શ્રી કે.જી. કુંડારિયાએ જણાવ્યું હતું કે, આ વખતના પ્રદર્શનમાં સવા પાંચ બાય સાડા દશ ફૂટની મહાકાય ટાઇલ્સ પ્રદર્શિત થશે. આવી ટાઇલ્સ બનાવવા રૂ. ૨૦૦ કરોડના ખર્ચે ફેકટરી સ્થાપવી પડે. આવી ૧૫ ફેકટરીઓ મોરબીમાં આવે છે. ઇટાલીમાં ૭ વર્ષમાં માત્ર ૧૧ કંપની જ આવી છે.

   મહાકાય ટાઇલ્સને થીન - સ્લેબ ટાઇલ્સ કહેવાય છે. મોરબીમાં ભારતની કુલ ૯૦ ટકા ટાઇલ્સ ઉત્પાદિત થાય છે, જે વિશ્વમાં બીજા ક્રમે છે.

   મોરબી પંથકમાં ૪૦ કિમી લાંબા અને ૨૦ કિમી પહોળા વિસ્તારમાં ટાઇલ્સની ૭૧૦ ફેકટરીઓ ધમધમે છે. ૧૦૦ વર્ષ પૂર્વે થાનગઢમાં પરશુરામ પોટરીથી શરૂ થયેલો. આ ઉદ્યોગ ખૂબ વિસ્તર્યો છે. સિરામિક ઉદ્યોગે સ્થાનિક લોકોને તો રોજગારી આપી જ છે, બહારના ૪ લાખ લોકોને પણ રોજગારી આપે છે.

   શ્રી કુંડારિયાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી મોરબીના સિરામિક ઉદ્યોગથી પ્રભાવિત છે. તેઓ વિવિધ ડેલીગેટ્સને ઉદ્યોગ જોવા - જાણવા મોકલે છે.

 (03:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS