NRI Samachar

News of Monday, 13th November, 2017

શિકાગોમાં મહાવીર સીનીયર સેન્‍ટરના પદાધીકારીઓની થયેલી રસાકસી ભરી ચુંટણીઃ કુલ્લે ૬૩૫ સભ્‍યોમાંથી ૩૦૧ જેટલા સભ્‍યોએ કરેલુ મતદાન ટ્રેઝરર તરીકે દિપક આર.શાહ તેમજ જોઇન્‍ટ ટ્રેઝરર તરીકે અરવિંદ એ મ.શાહ અને રીલીજીયસ સેક્રેટરી તરીકે ભદ્રેશઝવેરી તેમજ ફુડ સેક્રેટરી તરીકે ગીરીશ બી શાહ ચુંટાયાઃ આવતા વર્ષથી નવા વરાયેલા હોદ્દેદારો પોતાનો હોદ્દો ગ્રહણ કરશેઃ આ અગાઉ પાંચ હોદ્દેદારો બીન હરીફ ચુંટાયા હતાઃ

         (કપિલા શાહ દ્વારા) શિકાગોઃ સખત પ્રમાણમાં શિકાગોમાં વરસાદ વરસતો હોવા છતાં જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં મહાવીર સીનીયર સેન્‍ટરના ચાર પદાધીકારીઓની ચુંટણી નવેમ્‍બર માસની ૧૨મી તારીખને રવીવારે યોજવામાં આવી હતી તેમાં ૬૩૫ સભ્‍યોમાંથી ૩૦૧ જેટલા સભ્‍યો મતદાન કરવા માટે આવ્‍યા હતા અને તેથી ઉમેદવારોમાં અનેરો આનંદ જોવા મળતો હતો. પુષ્‍કળ પ્રમાણમાં વરસાદ વરસતો હોવા છતા પચાસ જેટલા સભ્‍યો મતદાન કરવા આવતા સર્વત્ર જગ્‍યાએ રાહતની લાગણીઓ અનુભવાઇ રહી હતી.

         મહાવીર સીનીયર સેન્‍ટરની વ્‍યવસ્‍થાપક સમિતિના નવ સભ્‍યોની મુદત ચાલુ વર્ષના અંતમાં પૂર્ણ થતી હોવાથી તે જગ્‍યાઓ માટે ઉમેદવારી પત્રકો ચુંટણી સંચાલન સમિતિના સભ્‍યોએ મંગાવતા કુલ્લે ચાર હોદ્દાઓ માટે બબ્‍બે ઉમેદવારી પત્રકો મળતા તેની ચુંટણી કરવામાં આવી હતી જયારે બાકીની પાંચ જગ્‍યાઓ માટે ફકત એક એક ઉમેદવારી પત્રકો મળતા તે બીન હરીફ જાહેર થઇ હતી તેમાં (૧)ભુપેનશાહ પ્રમુખ (૨)સુંદરભાઇ શાહ ઉપપ્રમુખ (૩)જગદીશ દોશી સેક્રેટરી (૪) મનુભાઇ શાહ જોઇન્‍ટ સેક્રેટરી અને હર્ષદભાઇ શાહ સ્‍કોકીવાળા મેમ્‍બરશીપ સેક્રેટરીનો સમાવેશ થાય છે.

         જે ચાર હોદ્દાઓ માટે ચુંટણી યોજવામાં આવી હતી તેમાં ભારે રસાકસી થવા પામી હતી અને જાહેર થયેલા પરીણામ મુજબ દિપકભાઇ આર શાહને ૧૯૭ મત અને નરેન્‍દ્ર  શાહને ૯૭ મત મળતા ટ્રેઝરર તરીકે દિપકભાઇ વિજેતા જાહેર થયા હતા જયારે જોઇન્‍ટ ટ્રેઝરર તરીકે રશ્‍મીભાઇ સી.શાહને ૧૪૨ મત અને અરવિંદ એમ.શાહને ૧૪૫ મત મળતા અરવિંદભાઇનો ફકત ૩ મતના નજીવા તફાવતથી વિજય થયો હતો રીલીજીયસ સેક્રેટરીની જગ્‍યા માટે ભદ્રેશ ઝવેરીને ૧૬૭ મત અને તેમના હરીફ ગીરીશ એમ.શાહને ૧૩૧ મત મળતા ભદ્રેશ ઝવેરી વિજેતા જાહેર થયા હતા જયારે ફુડ સેક્રેટરીની જગ્‍યા માટે ગીરીશભાઇ બી શાહને ૧૫૦ મત તથા વસુબેન શાહને ૧૩૫ મતો મળતા ગીરીશભાઇ શાહ વિજેતા જાહેર થયા હતા.

         મહાવીર સીનીયર સેન્‍ટરના હોદ્દેદારોની ચુંટણી વ્‍યવસ્‍થીત રીતે થઇ શકે તેમાં ત્રણ સભ્‍યોની એક ચુંટણી સંચાલન સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં (૧)ભાનુભાઇ શાહ (૨)રમેશભાઇ શાહ તથા (૩)પ્રકાશભાઇ શાહનો સમાવેશ થાય છે આ ચુંટણીમાં સૌથી વધુ ૧૯૭ જેટલોમતો દિપકભાઇ આર.શાહને મળતા તમામ હાજર રહેલા શુભેચ્‍છકોએ તેમને અભિનંદન આપ્‍યા હતા. અને બીજા ત્રણ વિજેતા સભ્‍યોમાં (૧)અરવિંદ શાહ (૨)ભદ્રેશભાઇ ઝવેરી તથા (૩)ગીરીશભાઇ બી.શાહનો સમાવેશ થાય છે તેઓ પણ સર્વે હાજર રહેલાઓએ અભિનંદન આપ્‍યા હતા.

         હવે આગામી વર્ષથી બીન હરીફ તેમજ ચુંટણીમાં  વિજેતા થયેલા હોદ્દેદારો મહાવીર સીનીયર સેન્‍ટરનું સુકાન સંભાળશે અને તેમની મુદત બે વર્ષની રહેશે એવું વધારામાં જાણવા મળેલ છે.

          

 (11:59 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS