NRI Samachar

News of Monday, 13th November, 2017

વર્જીનીયા તથા ન્‍યુજર્સી એમ બન્‍ને રાજયોની થયેલી ગવર્નરોની ચુંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારો મેદાન મારી ગયાઃ રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારોને પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો સબળ ટેકો હોવા છતા થયેલો કારમો પરાજયઃ આ બે રાજયોની ગવર્નરની ચુંટણી બંન્‍ને પક્ષો માટે એક ટેસ્‍ટ સમાજ હતી અને તેમાં પ્રજાના મતોથી ડેમોક્રેટીક પાર્ટી મેદાન મારી ગઇઃ અને રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ ડધાઇ ગયાઃ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની દસ મહીનામાં થયેલ કાર્યવાહીઓને જનતાએ જાકારો આપ્‍યો આવતા વર્ષે થનાર મધ્‍યવર્તી ચુંટણીમાં રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ હાઉસ તથા સેનેટના કબજો ગુમાવે તો નવાઇની વાત નથી

         (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) વર્જીનીયા તથા ન્‍યુજર્સી રાજયમાં યોજવામાં આવેલ ગવર્નરોની ચુંટણીમાં ડેમોક્રેટીક પાર્ટી કે રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારોમાં કોણ મેદાન મારી જશે તે અંગે સમગ્ર અમેરીકનોનુ ધ્‍યાન કેન્‍દ્રિત હતુ અને નવેમ્‍બર માસની ૭મી તારીખને મંગળવારે મતદાન થયા બાદ બહાર પડેલા પરીણામો નિહાળી ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓમાં જાર્ણ નવો પ્રાણ પુરાયો હોય તેવા માહોલનું સર્જન થવા પામ્‍યુ હતું.

         કારણકે આ બંન્‍ને રાજયોમાં ગવર્નરમાં પદે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારો વિજયી બની મેદાન મારી ગયા હતા અને આ પરિણામ પ્રગટ થવા બાદ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી કારણ કે બંન્‍ને રાજયોમાં રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારોને અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને સબળ ટેકો હતો અને આ બંન્‍ને ઉમેદવારો વિજયી બને તે માટે તેમણે અથાગ પ્રયાસો આદર્યા હતા પરંતુ પ્રમુખ ટ્રમ્‍પની નિતિરિતિઓથી આ બંન્‍ને રાજયોની પ્રજા વાજ આવી ગઇ હતી અને તેમાં ઓબામાકેરને રદ કરી તેની અવેજીમાં નવો કાયદો લાવવાના જે પ્રયાસો થયા અને જે પ્રકારની પીછે હટ કરવાનો સમય આવ્‍યો તે પ્રજાની નજર બહાર ન  હતો તેમજ ઇમીગ્રેશન અંગે જે ઝડપી પગલા ભરવા જોઇએ તેના પણ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ આળસ કરી રહ્યા હતા તેના ઘેરા પ્રત્‍યાઘાતો લગભગ સમગ્ર અમેરીકાના તમામ રાજયોમાં પડયા હતા અને તેની અવળી અસરે ન્‍યુજર્સી રાજય અને વર્જીનીયા રાજયોના મતદારો પર પડતાં તેમણે રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારોને સખત પ્રમાણમાં જાકારો આપીને પરાજીત કરી નાખ્‍યા હતા.

         વર્જીનીયા રાજયમાં ડેમોક્રેટીક પાર્ટી તરફેથી લેફટનન્‍ટ ગવર્નર રાલ્‍ફ નોર્ધમ તથા રીપબ્‍લીકન પાર્ટી તરફથી એડ ગેલેસ્‍પીએ ગવર્નરના પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. અને તેની સાથે સાથે ન્‍યુજર્શી રાજયમાં ડેમોક્રેટમાં પાર્ટી તરફથી ફીલ મર્ફીએ તથા રીપબ્‍લીકન પાર્ટી તરફથી કીમ ગુડગ્નોએ ઉમેદવારી નોંધાવી હતી આ બંન્‍ને રાજયોના રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારોને અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો સારો એવો ટેકો હતો અને પોતાની પાર્ટીના ઉમેદવારો વિજયનો ડંકો લહેરાવે એવી તેમની સબળ ભાવના હતી પરંતુ છેલ્લા દસ મહીનાથી સત્તા ભોગવતા આવેલા એવા પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો કાર્યવાહીથી મોટા ભાગની અમેરીકન પ્રજા પારાવાર ત્રાહિમામ પોકારી ઉઠી હતી અને તેનો પડઘો વર્જીનીયા તથા ન્‍યુજર્શી રાજયમાં પડયો હતો અને તેથી આ બંન્‍ને રાજયોમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારોએ ઝળહળતો વિજય મેળવી ડેમોક્રેટીક પાર્ટીમાં નવો પ્રાણ પૂર્યો હતો અને તેથી હવે આગામી વર્ષે ૨૦૧૮ની સાલના અંતમાં મધ્‍યવર્તી ચુંટણી આવી રહી છે તેમાં અનેક પ્રકારના પડઘાઓ પડશે  એવા પ્રકારની ધારણા રાજકીય તજજ્ઞો પ્રગટ કરી રહ્યા છે

         અમેરીકાના પ્રમુખના દસ મહીનાના સમય દરમ્‍યાન ચુંટણી દરમ્‍યાન તેમણે જે પ્રજાને વચનો આપ્‍યા હતા તેમાનું એક પણ વચન તેઓ પાળી શકેલ નથી તેમજ ઓબામાકેર રદ કરવા માટે તેમણે જે નિતિઓ અપનાવેલ અને હવે ટેક્ષ રીફોર્મ દ્વારા તેમાં જે છીંડા પાડીને પ્રજાને મળતોલાભ છીનવી લેવાનો જે હીચકારો પ્રયાસ થઇ રહેલ છે તેનાથી અમેરીકન પ્રજા સાવધ બની ગયેલ છે અને તેનું પરીણામ આ બે રાજયોના ગવર્નરોની ચુંટણીમાં પ્રજાએ બતાવ્‍યુ છે અને કદાચ આવતે વર્ષે જે ચુંટણી યોજાનાર છે તેમાં પણ પ્રજા જો પોતાનું ખમીર બતાવે તો રીપબ્‍લીકન પાર્ટીના નેતાોને હાઉસ તથા સેનેટનો કબ્‍જો ગુમાવવાનો પણ સમય આવે તો નવાઇની વાત નથી.

         હાલમાં ટેક્ષની કાર્યવાહીમાં જરૂરી સુધારાઓની કરવાની હાલચાલ ચાલુ રહેલ છે અને હાઉસ તથા સેનેટમાં અલગ અલગ બીલ રજુ કરવામાં આવેલ છે આ અંગે જરૂરી ચર્ચા બાદ તે અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ દ્વારા આ બે બીલોથી પ્રજાને માહીતગાર કરવાના કાર્યમાં વ્‍યસ્‍ત થયેલા જોવા મળે છે અને બે રાજુયોમાં આવેલા પરીણામોથી હવે રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ સાવદ થઇ ગયેલા જોવા મળે છે અને આ અંગે તેઓ કેવા પગલા ભરે છે તે તરફ પ્રજાનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલુ જોવા મળે છે.

         રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓને ઓબામાકેર રદ કરવા માટે સેનેટમાં ભારે પ્રમાણમાં પછાડાટ ખાવી પડેલ છે અને હવે આ સમગ્ર પ્રશ્નને ટેક્ષના બીલ સાથે જોડીને તે સમગ્ર કાયદામાં નાના નાના છીદ્રો પાડીને તેને નેસ્‍તનાબુદ કરવાની એક યોજના ઘડવામાં આવેલ છે પરંતુ તેમાં તેઓ કેટલી સફળતા મેળવશે તે તો આવનારો સમયજ કહેશે.

         ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ પણ હવે લગભગ તમામ રાજયોમાં સાવધ બની આગામી વર્ષે થનાર મધ્‍યવર્તી ચુંટણી અંગે જરૂરી તૈયારીનો આરંભ શરૂ કરેલ છે અને આવતા જાન્‍યુઆરી માસથી તેને વેગવાન બનાવવામાં આવશે અને રાષ્‍ટ્રિય કક્ષાના નેતાઓ તેમાં હવે અગત્‍યનો ભાગ ભજવશે એવું હાલના વાતાવરણ પરથી માલમ પડી રહ્યું છે.

          

 (11:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS