Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

સિંહાના જેટલી-મોદી ઉપર પ્રહાર

   નાણાંમંત્રી અરૂણ જેટલી ગુજરાત પર બોજારૂપ છે : સિંહા

           વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે, હાલના નાણાંમંત્રી અરૂણ જેટલી ગુજરાતમાંથી ચૂંટાયા છે અને આરબીઆઇના ગવર્નર પણ ગુજરાતના છે તો ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ કેમ એ મતલબના પ્રશ્નના પ્રત્યુત્તર દરમ્યાન પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી યશવંતસિંહાએ ફરી એકવાર જાહેરમાં વર્તમાન કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમની પર માર્મિક કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, જેટલી ગુજરાતમાંથી ચૂંટાયા છે પરંતુ ગુજરાતી નથી. તેઓ ગુજરાતમાંથી ચૂંટાયા પરંતુ તમારી પર(ગુજરાત ઉપર) બોજ છે, જો એ ના ચૂંટાયા હોત તો કોઇ ગુજરાતીને નાણાંમંત્રી તરીકે મોકો મળી શકયો હોત. આ એ કક્ષાના નાણાંમંત્રી છે કે, જે ચિત ભી મેરી, પટ ભી મેરી ની નીતિમાં માને છે. જીએસટીને લઇ ખોટી ક્રેડિટ લઇ રહ્યા છે.

   એક સમયે મોદી અને સૌરભ પટેલે જ જીએસટીનો વિરોધ કર્યો હતો

           પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી યશવંતસિંહાએ એ પણ જાહેર કર્યું હતું કે, એક સમયે અગાઉ ખુદ નરેન્દ્ર મોદી અને ગુજરાતના તત્કાલીન નાણાંપ્રધાન સૌરભ પટેલે જ જીએસટીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સૌરભ પટેલે તો એટલે સુધી કહ્યું હતું કે, જો જીએસટી લાગુ કરાશે તો, ગુજરાતને રૂ.૯૦૦૦ કરોડનું મોટુ નુકસાન થશે. હવે આ જ લોકો જીએસટીની હિમાયત કરી વાહવાહ કરી રહ્યા છે...જોવા જેવી વાત છે.

   લોકશાહી બચાવવા જનતાને જાગૃત કરવી અમારી નૈતિક ફરજ છે

   પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, જે પ્રકારે નોટબંધી અને જીએસટી સહિતના વિવાદીત નિર્ણયો બાદ ગુજરાત સહિત દેશભરમાં જે પ્રકારે અરાજકતા અને આર્થિક ડામાડોળની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે લોકશાહીને બચાવવા અને જનતાને જાગૃત કરવા માટે અમારી નૈતિક ફરજ છે અને તેથી શું તમે આ જાણો છો? અને હવે ચૂપ રહેવાય તેમ નથી એમ બે સૂત્રો હેઠળ લોકશાહી બચાવો અભિયાનની શરૂઆત કરાઇ છે, જેમાં પ્રો. હેમંત શાહ, ગૌતમ ઠાકર અને મહેશ પંડયા સહિતના આગેવાનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હવે જનતાએ ચૂંટણી આવી ગઇ છે, ત્યારે સાચી પરિસ્થિતિથી વાકેફ થઇ જાગૃત થવાની જરૂર છે.

 (07:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS