Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

સોમ અને શુક્રવારે હાઈકોર્ટમાં નવો વળાંક આવ્યા બાદ હવે કાલે ગુજરાતના રેગ્યુલર ડીજીપી આડેનું સસ્પેન્શ દૂર થશે કે કેમ ?

ચૂંટણી પંચને સત્તા હોવાની વાત કબુલ, પણ સરકારની ફરજ પુરી થતી નથીઃ રાહુલ શર્માના એડવોકેટ દ્વારા દલીલ : ચૂંટણી પંચને પક્ષકાર બનાવાયાઃ સમગ્ર આઈપીએસ સહિત પોલીસ તંત્રમાં ભારે આતુરતાભરી મીટ

   રાજકોટ, તા. ૧૪ :. ગુજરાતને રેગ્યુલર ડીજીપી સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન્સ, બોમ્બે પ્રોવિઝનલ એકટ અને ચૂંટણી સમયે ફુલ ટાઈમ રેગ્યુલર ડીજીપી રાખવાની પરંપરા ધ્યાને લઈ ગુજરાતમાં હાલમાં લાંબા સમયથી ઉકત નિયમોનો ભંગ કરી ઈન્ચાર્જ ડીજીપીની પ્રથા સામે પૂર્વ આઈપીએસ રાહુલ શર્માએ હાઈકોર્ટમાં કરેલી રીટ-પીટીશનમાં ગત સોમવાર અને શુક્રવારના હીયરીંગ દરમિયાન હાઈકોર્ટના ધ્યાને કેટલીક બાબતો ધ્યાને આવતા હવે કાલે આ મામલે નિર્ણય થાય તેવી સંભાવના કાનૂનવિદ્દો, આઈપીએસ વર્તુળો અને સમગ્ર પોલીસ તંત્રના મોટા ભાગના અધિકારીઓ અને જાણકારો નિહાળી રહ્યા છે.

   રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં એફીડેવીટ દ્વારા એવુ જણાવેલ કે, ચૂંટણી જાહેર થયા બાદ સમગ્ર તંત્ર ચૂંટણી પંચની અન્ડરમાં આવી જતુ હોય છે. આવા સંજોગોમાં રેગ્યુલર નિમણૂકો કે બદલીઓ રાજ્ય સરકાર કરી શકતી નથી. આવી સત્તાઓ ફકત ચૂંટણી પંચ પાસે જ હોય છે. ઉકત દલીલ સામે રાહુલ શર્માના એડવોકેટે એવુ જણાવેલ કે, ચૂંટણી પંચની મંજુરી ચૂંટણી જાહેર થયા બાદ જરૂરી હોય છે એ વાત સાચી છે. તેઓએ આગળ દલીલ કરતા જણાવેલ કે, ચૂંટણી પંચને પક્ષકાર બનાવી કાયમી ડીજીપીની નિમણૂક મામલે તેઓને જ કહેવુ જોઈએ.

   રાહુલ શર્માના એડવોકેટે હાઈકોર્ટમાં વિશેષમાં દલીલ કરતા એવુ પણ જણાવેલ કે, ચૂંટણી પંચને સત્તા હોવાની વાત જણાવી સરકાર સમાજ પ્રત્યે કે તંત્ર તરફની પોતાની જવાબદારીમાથી છટકી શકે નહિ. પૂર્વ આઈપીએસ રાહુલ શર્માએ પોલીસ તંત્રના પોતાના બહોળા અનુભવ આધારે જણાવેલ કે, રેગ્યુલર ડીજીપી ન નિમવાથી પોલીસ તંત્ર પર તેની વિપરીત અસર થાય છે. રેગ્યુલર ડીજીપી હોય તો નિર્ણયોમાં પણ બહુ મોટો ફેર પડે છે અને પોલીસનું મનોબળ પણ ઉંચુ રહે છે. તેઓએ રાજ્ય સરકાર પર શંકાની સોય ચિંધતા વિશેષમાં જણાવેલ કે, રેગ્યુલર ડીજીપીની નિમણૂક કરવાને બદલે ઈન્ચાર્જ પ્રથા યથાવત રાખવી તેનો સીધો અર્થ એવો નિકળે કે, સરકાર પોલીસ તંત્રને પોતાના હાથ નીચે રાખવા માગે છે.

   અત્રે એ યાદ રહે કે, ૨૦૧૬માં તત્કાલીન રેગ્યુલર ડીજીપી પી.સી. ઠાકુર કે જેઓના પત્નિ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવા છતાં તેઓને આશ્ચર્યજનક રીતે તેઓની સહમતી વગર ચોક્કસ કારણોસર દિલ્હી બદલી નખાયા હતા. તેમના સ્થાને તત્કાલીન એસીબી વડા અને હાલ નિવૃત એવા પી.પી. પાન્ડેને ડીજીપીનો ચાર્જ અપાયો હતો. તેમની સામે પણ મહારાષ્ટ્રના એક સમયના ડીજીપી અને સુપરકોપ તરીકે દેશના પોલીસ તંત્રમાં જાણીતા જુલીયો રીબોરેએ પ્રથમ હાઈકોર્ટ અને ત્યાર બાદ સુપ્રિમ કોર્ટમાં રીટ કરેલી. સુપ્રિમ કોર્ટનું વલણ જોઈ ગુજરાત સરકારને ક્ષોભજનક સ્થિતિમાં ન મુકાવુ પડે તે માટે પૃથ્વીપાલ પાન્ડેએ રાજીનામુ આપી દીધેલ. તેઓના રાજીનામા બાદ તેમના સ્થાને ૧૯૮૨ બેચના સિનીયર મોસ્ટ આઈપીએસ ગીથા જોહરીને ઈન્ચાર્જ ડીજીપીનો ચાર્જ અપાયેલો. જે પ્રથા આજે પણ યથાવત છે. અત્રે યાદ રહે કે ગીથા જોહરી ચાલુ માસના અંતે નિવૃત થાય છે.

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS