Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

અમદાવાદના કેટલાક ઘરો ઉપર x ના નિશાનથી હલચલ

પાલડી વિસ્તારમાં ૧૦ મુસ્લિમ સોસાયટી અને હિંદુ કોલોનીમાં લાલ રંગના ક્રોસની નિશાનીઃ ચૂંટણી વખતે જ આવા નિશાન લાગતા લોકોમાં ગભરાટ

અમદાવાદના કેટલાક ઘરો ઉપર x ના નિશાનથી હલચલ

   અમદાવાદ તા. ૧૪ : શહેરના પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ૧૦ જેટલી મુસ્લિમ સોસાયટી અને કેટલીક હિંદુ સોસાયટીઓના ગેટ કે દિવાલ ઉપર રાતોરાત લાલ રંગની 'ચોકડી'લગાવી દેવાતા વિસ્તારમાં ભયનું વાતવારણ પેદા થયું હતું. તેમાં પણ સોમવારે શહેરમાં આ વિસ્તારમાં એવા પોસ્ટર લાગ્ય હતા કે આ વિસ્તાર 'સંપૂર્ણ મુસ્લીમ કોલોની'બની જશે. જેના કારણે લાલ સોસાયટી અને ઘરો પર લાલ ચોકડી લગાવવાના પ્રકરણથી રહેવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.

   રાજયમાં ચૂંટણી માથે હોય કોઈ બદઈરાદાપૂર્વક તો આ નથી કરી રહ્યુંને તેવી આશંકા સાથે વિસ્તારના જાગૃત નાગરીકોએ આ ઘટનાની જાણ તાત્કાલિક ચૂંટણી કમિશ્નર અને પોલીસ કમિ'રને કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે શા માટે મુસ્લીમ રહેઠાણો પર આ પ્રકારની ચોકડી કરવામાં આવી છે તેની પોલીસ સ્પષ્ટતા કરે.

   પાલડીના જે વિસ્તારોમાં આ પ્રકારે ચોકડી જોવા મળી હતી તેમાં અમન કોલોની, નાશેમન એપાર્ટમેન્ટ, ટાગોર ફલેટ્સ અને આશિયાન એપાર્ટમેન્ટ્સ, તક્ષશિલા કોલોની સહિતાની રહેણાંક સોસાયટી છે. લોકોમાં વ્યાપેલા ડર પાછળ મુખ્યરુપે સોમવારે વિસ્તારમાં લાગેલા કેટલાક પોસ્ટર છે. જેમાં લખવામાં આવ્યું હતું કે પાલડીને બીજુ જુહાપુરા બનતા બચાવો.

   આ અંગે તાત્કાલિક સક્રિય બનેલી પોલીસની તપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચી હતી. જેમાં બહાર આવ્યું કે આ રેડ ચોકડીઓ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતાં મ્યુનિ.ના વાહનો ઉપર સર્વેલન્સ રાખવા માટે લગાવવામાં આવનાર GPS સિસ્ટમ માટે માર્ક કરવામાં આવી છે. વાહન રૂટમાં બરાબર જાય છે કે કેમ? તેનું સર્વલન્સ કરવા GPSની ચિપ લગાવવા માટે ચોકડીઓ લગાવવામાં આવી હતી. જોકે સ્થાનિક રહેવાસીઓની દલીલ છે કે તો તેમને આ માટે પહેલા જાણ કરવી જોઈતી હતી. અમને હજુ સુધી કોર્પોરેશન દ્વારા સત્ત્।ાવારરીતે જાણ કરવામાં આવી નથી.

   જોકે આ મુદ્દે અમદાવાદ કોર્પોરેશનના બે વિરોધાભાસી વિધાન બાદ મામલો વધુ ગુંચવાયો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે આરોગ્ય અધિકારી નીતિન પ્રજાપતીએ કહ્યું હતું કે માર્ક સેનિટેશન અધિકારીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. જયારે મ્યુનિ. કમિશ્નર મુકેશ કુમારે કહ્યું કે જે માર્ક વિસ્તારમાં જોવા મળ્યા છે તે કોર્પોરેશનના કર્મચારીઓએ લગાવેલા માર્ક કરતા જૂદા છે. જયારે પોલીસ કમિશ્નર એ.કે. સિંહે કહ્યું હતું કે લાલ ચોકડી સેનિટેશન વિભાગ દ્વારા જ લગાવવામાં આવી છે. તેમ છતા આ મામલે ખાસ પોલીસ કમિશ્નર કે.એલ.એન. રાવની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે.

   વિસ્તારમાં રહેતા હિંદુ પરિવારોએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે અહીં બંને કોમના લોકો વર્ષોથી શાંતિ અને ભાઈચારા સાથે રહે છે. અમને કયારેય મોડી રાતે પણ ઘરના બહાર નીકળવામાં ડર લાગતો નથી. તો વિસ્તારમાં રહેતા અન્ય એક રહેવાસી ઝફર સુરેશવાલાએ કહ્યું કે 'મોદી સાહેબ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે પરંતુ ૨૦૦૨ બાદની કોઈપણ ચૂંટણીમાં આટલું નફરતનું કેમ્પેઇન કરવામાં આવ્યું નથી. તો શું એવું માનીએ કે આ ભાજપ મોદી સાહેબની સાથે નથી?'

 (09:56 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS