Samachar Saurashtra

News of Thursday, 14th September, 2017

હાર્દિક પટેલની સોમનાથ સંકલ્પ યાત્રાનો પ્રારંભઃ ઠેર-ઠેર જાહેરસભા-રોડ શો

વિરમગામ, માલવણ, ધ્રાંગધ્રા, ટંકારા, મોરબી, નેકનામ સહિતના વિસ્તારોમાં રોડ-શો અને રેલીઃ કાલે ખોડલધામ માતાજીના દર્શન કરશેઃ શનિવારે શ્રી સોમનાથ મહાદેવને ચાંદીનું છત્તર અર્પણ કરશે

હાર્દિક પટેલની સોમનાથ સંકલ્પ યાત્રાનો પ્રારંભઃ ઠેર-ઠેર જાહેરસભા-રોડ શો

       

      

      હાર્દિક પટેલની સોમનાથ સંકલ્પ યાત્રાનો પ્રારંભ :  પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની સોમનાથ સંકલ્પ યાત્રાનો આજે અમદાવાદથી પ્રારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં પાસના કન્વીનરો અને પાટીદાર સમાજના આગેવાનો, કાર્યકરો તથા નગરજનો ઉમટી પડયા હતા. અમદાવાદ ખાતેથી હાર્દિક પટેલની સોમનાથ સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો તે તસ્વીરમાં નજરે પડે છે.

      

       

      રાજકોટ, તા. ૧૪ :. પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માંગણી સાથે આજે અમદાવાદથી પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અધ્યક્ષતામાં સોમનાથ સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. અમદાવાદથી રૂ થયેલ યાત્રા શનિવારે શ્રી સોમનાથ મહાદેવ મંદિરે પહોંચશે. દિવસની યાત્રા દરમિયાન હાર્દિક પટેલનો રોડ-શો અને જાહેરસભા અનેક જગ્યાએ યોજાશે.

      શ્રી સોમનાથ સંકલ્પ યાત્રા અંગે હાર્દિક પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આજે અમદાવાદથી યાત્રાનું પ્રસ્થાન થયા બાદ યાત્રા બપોરે અમદાવાદ જિલ્લાના વિરમગામ પહોંચશે. જ્યાં શાળાના બાળકો દ્વારા હાર્દિક પટેલનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ ધ્રાંગધ્રાના માલવણ ગામે પહોંચશે. ત્યાર બાદ ધ્રાંગધ્રામાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યુ છે.

      મોરબીના પ્રતિનિધિ પ્રવિણ વ્યાસ અને ટંકારાના પ્રતિનિધિ હર્ષદરાય કંસારાના અહેવાલ મુજબ મોરબી જિલ્લાના હળવદથી મોરબી, માળીયા હાઈવે ઉપર સાંજે સોમનાથ સંકલ્પ યાત્રા પહોંચશે. જ્યાંથી માળીયા હાઈવેથી સર્કિટ હાઉસ, ગેંડા સર્કલ, પાડા પૂલ, નહેરૂ ચોક, શનાળા રોડ થઈને રવાપર રોડ, રવાપર કેનાલ ચોકડી, ઉમીયા સર્કલ બાદ મોરબીથી યાત્રા પ્રસ્થાન કરીને ટંકારા તાલુકાના વિરપર, લજાઈ સહિતના વિસ્તારોમાં રોડ-શો યોજાશે. તેમજ ટંકારાના નેકનામ ગામમાં રાત્રી રોકાણ કરશે. મોરબી જિલ્લામાં સોમનાથ સંકલ્પ યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાશે.

      પાસના કન્વીનર હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે, નેકનામથી કાલે શુક્રવારે સવારે યાત્રાનું પ્રસ્થાન થશે અને લોધીકા થઈને ખોડલધામ ખોડીયાર માતાજીના દર્શન કરીને જેતલસર, ચોકી, જૂનાગઢ, કેશોદ સહિતના વિસ્તારોમાં પરિભ્રમણ કરીને યાત્રા શનિવારે શ્રી સોમનાથ મહાદેવના મંદિરે પહોંચશે. જ્યાં ચાંદીના છત્તરના દાતા દ્વારા શ્રી સોમનાથ મહાદેવને અર્પણ કરવામા આવનાર છત્તર શ્રી સોમનાથ મહાદેવને હાર્દિક પટેલના હસ્તે અર્પણ કરવામાં આવશે.

      શ્રી સોમનાથ સંકલ્પ યાત્રા પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલ જૂનાગઢ જશે, જ્યાં હરીભાઈ ગોધાણીના પરિવારને સાંત્વના પાઠવશે.

      હાર્દિક પટેલની સોમનાથ સંકલ્પ યાત્રાને લઈને પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ છે અને ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવા લોકો તડામાર તૈયારી કરી રહ્યા છે.

      ટૂંક સમયમાં રાજકોટમાં હાર્દિકનો રોડ-શો

      રાજકોટ, તા. ૧૪ :. આજથી હાર્દિક પટેલની સોમનાથ સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે ત્યારે હાર્દિક પટેલની સૌરાષ્ટ્રમા દિવસ દરમિયાન અનેક જગ્યાએ જાહેરસભા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.

      હાર્દિક પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ટૂંક સમયમાં રાજકોટમાં રોડ-શો યોજીને પાટીદાર અનામત આંદોલનને વધુ વેગવંતુ કરાશે. જો કે રોડ-શોની તારીખ હજુ નક્કી થઈ નથી પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

      હે સોમનાથદાદા...તમારી પાસે આવતા સરકારી પ્રતિનિધિ પાસે તમે જવાબ માંગજો, અમારૂ કોઈ સાંભળતુ નથી

      રાજકોટ :. હાર્દિક પટેલે અકિલાને જણાવ્યુ હતુ કે, શ્રી સોમનાથ મહાદેવ સમક્ષ અમે લોકો વતી પ્રાર્થના કરીશું કે, હે સોમનાથદાદા લોકશાહીના સમયમાં અમારી વાત કોઈ સાંભળતુ નથી ત્યારે તમારા દર્શને આવતા સરકારી પ્રતિનિધિઓ પાસે તમે જવાબ માગજો અને લોકોને ન્યાય અપાવજો.

      હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોને અન્યાય કરી રહી છે. અનેક પ્રશ્નો અણઉકેલ છે. સરકારમાં રજુઆત કરવા છતા ન્યાય મળતો નથી. જેથી ન્યાય મેળવવા   માટે અમે  શ્રી સોમનાથ મહાદેવના   શરણે   જઈને  પ્રાર્થના કરીશું.

 (09:50 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS