Samachar Saurashtra

News of Thursday, 14th September, 2017

દ્રઢ ઇચ્છાશકિતના કારણે નર્મદાનું કામ ૭૧ વર્ષે પૂર્ણ થયુઃ દિનેશભાઇ ખટારીયા

જુનાગઢના વંથલી તાલુકાના સેંદરડા, કણજડી, મોટા કાજલીયાળામાં નર્મદા રથનું સ્વાગત

દ્રઢ ઇચ્છાશકિતના કારણે નર્મદાનું કામ ૭૧ વર્ષે પૂર્ણ થયુઃ દિનેશભાઇ ખટારીયા

   જૂનાગઢ તા.૧૪ ગુજરાતની જીવાદોરી નર્મદા મૈયાને વધાવવા જૂનાગઢ જિલ્લાના ૩૨૮ ગામોમાં ઉત્સાહ જોવા મળે છે. જૂનાગઢ જિલ્લાના લોકો નર્મદા રથને ઠેર ઠેર આવકારી રહયા છે. લોકો સ્વયંભુ નર્મદા માતાની આરતીમાં જોડાઇ રહયા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત નર્મદા યાત્રાના રથને જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાના સેંદરડા, કણજડી, અને મોટાકાજલીયાળાનાં આગેવાનો અને ગ્રામજનોએ આવકાર્યો હતો.

    સહકારી આગેવાનશ્રી દિનેશભાઇ ખટારીયાએ જણાવ્યુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા ડેમના દરવાજા ચડાવવાની અને બંધ કરવાની મંજુરી આપતા દ્રઢ ઇચ્છા શકિતને લીધે નર્મદાનું કામ ૭૧ વર્ષે પૂર્ણ થયું છે. હવે ગુજરાતને અગાઉ કરતા વધું પાણી મળશે. સૌરાષ્ટ્રને નર્મદાના ડેમથી હરિયાળું કરવા સૌની યોજના પણ સાકાર થઇ રહી છે. સૌરાષ્ટ્રમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિસાવદર તાલુકામાં સૌની યોજનાના કામોનો પ્રારંભ પણ કરાવ્યો છે. આમ અગાઉ પીવાના પાણી તરીકે નર્મદાનું પાણી આવ્યા બાદ હવે સિંચાઇ માટે આયોજન થતા ખેડૂતો બારેમાસ પાણીને લીધે પાક લઇ શકશે. જૂનાગઢ જિલ્લાના નવ જળાશયો સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી છલોછલ થશે.

   લોકસાહીત્યકાર શ્રી દસલુદાન ગડવી અને લક્ષમણભાઇ સાદીયાએ જણાવ્યુ હતુ કે નર્મદા યોજનાનું કામ વર્ષોની મહેનતના અંતે પુર્ણ થતા અને તેમાં રાજય સરકાર અને વડાપ્રધાનશ્રીના ભગીરથ પ્રયાસો સફળ થતા કાર્યની સફળતારૂપે યોજનાની માહિતી ગામે ગામે પહોંચાડવા હાલ ગુજરાતમાં મા નર્મદા મહોત્સવ ચાલી રહયો છે.જૂનાગઢ જિલ્લામાં પણ ચાર રથ ગામે ગામે ફરી રહયો છે.

   વંથલી તાલુકાના સેંદરડા, કણજડી અને મોટાકાજલીયાળામાં ગઇ કાલે નર્મદા રથનું ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. લોકોએ નર્મદા ડેમની તવારીખ અને તેનો ઇતિહાસ અને સરકારે કરેલા પ્રયાસો અને ગુજરાતમાં છેલ્લા ૧૭ વર્ષમાં નર્મદાની પાઇપલાઇન પાથરવા છેક કચ્છ, સૌરાષ્ટ્ર અને ઘેડ અને ઉતર ગુજરાત સુધી પાણી પહોંચાડવા થયેલા સફળ પ્રયાસો રજુ કરતી ડોકયુમેન્ટરી ફિલ્મ લોકોએ નિહાળી હતી.પાણી પુરવઠા બોર્ડના અધિકારીશ્રીઓ યોજનાની માહિતી આપી પાણી બચાવવા અપીલ કરી હતી.

    પ્રસંગે  કણજડીનાં સરપંચશ્રી મુકેશભાઇ છુછરે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઇ પટેલનું  નર્મદા નદી પર ડેમનું સપનુ હતું. તે ચાર દાયકા સુધી અગાઉની સરકારે પુરૂ કર્યું નહી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  વડાપ્રધાન બન્યાના ૧૭માં દિવસે દરવાજાની મંજુરી મળતા યોજનાથી સૈારાષ્ટ્રના ગામોને પાણી મળશે,

   મોટા કાજલીયાળાનાં અગ્રણીશ્રી મનોજભાઇ ડાંગરે જણાવ્યું હતું કે ખેડુતોને પાણી અને વીજળીની રૂ હોય સરકારે અમારી માંગને સમજીને પુરતી વીજળી અને નર્મદાના પાણી સિંચાઇ માટે પણ મળે તે માટે સૌની યોજના સાકાર કરી છે. નર્મદા યોજનાથી વંથલી તાલુકામાં તેનો લાભ થશે. ડેમો અને ચેકડેમમાં નર્મદાનું પાણી આવતા ખેડૂતો વધારે પાક લઇ શકશે.

         પ્રસંગે કરશનભાઇ ભીખાભાઇ છુછર,  રમેશભાઇ ડાભી, નાયબ કાર્યપાલકશ્રી ભટ્ટ, મેરમભાઇ ડાંગર સહિત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

   માળીયા હાટીના ગડુ ગામે નર્મદાના રથનું સ્વાગત કરાયું

   જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે નર્મદા મહોત્સવ રથ યાત્રાનું સ્વાગત કરવામાં  આવ્યું હતું. તાલુકાના આગેવાનો અને ગ્રામજનો સાથે સાંસદ સદસ્ય રાજેશભાઇ ચુડાસમાએ નર્મદા મૈયાની આરતી કરી હતી. મહિલાઓએ પણ રથનું સ્વાગત કર્યું હતું. ગડુ ખાતેના કાર્યક્રમમાં સાંસદ રાજશેભાઇએ જણાવ્યું હતું કે  નર્મદા ડેમનું ખાતમુહૂર્ત તો ૧૯૬૧માં કરવામાં આવ્યું હતું  પણ કોઇનાં કોઇ કારણવશ બંધનું બાંધકામ પુર્ણ સ્તરે પહોંચવામાં નહોંતુ આવ્યુ અને નર્મદા વિરોધીઓ પણ કામ કરવા દેતા  હતા. અંતે ગુજરાતમાં ૨૦૦૦ની સાલ પછી કામમાં ઝડપ આવી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ યોજનાની આખરી કામગીરી પૂર્ણ કરાવી છે. માળીયા હાટીના તાલુકાના ૬૮ ગામોમાંથી ૫૬ ગામોમાં નર્મદા ડેમનું પાણી આવે છે. હવે સૌની યોજનામાં માળીયા હાટીના તાલુકાના ડેમ નર્મદાના પાણીથી ભરાશે ત્યારે ધરતીપુત્રોને કૃષિસિંચાઇમાં વધારો થશે, સરકારની સફળતાને વધાવવા લોકોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. મામલતદાર શ્રી સોલંકી, તાલુકા વિકાસ અધિકારી શ્રી ખુમાણ સહિત અગ્રણીઓ  ઉપસ્થિત રહયા હતા. માળીયા હાટીના અને ગામોમાં રથના આગમન પ્રસંગે ગાયક કલાકાર રમેશભાઇ પરમાર અને ઉષાબેન સોલંકીએ નર્મદા મૈયા અને ગુજરાત આધારીત સુંદર ગીતો રજુ કર્યા હતા.(૨૧.)

 (08:58 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS