Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

ભેજાબાજ મહિલાએ મુખ્યમંત્રી સાથે સીધો કોન્ટેકટ છે...કહી ૧૦૦ જેટલી ગરીબ મહિલાઓને છેતરી!

અગાઉ સોની બજારમાં રહેતી મહિલા હાલમાં મુંબઇ જતી રહીઃ ડીસીપી સમક્ષ મામલો પહોંચ્યો : મહિલાઓને પહેલા રૂની વાટ બનાવવાનું, અબીલ-ગુલાલ પેકીંગનું કામ આપી બાદમાં ૪ લાખની લોન અપાવી દેવાનું કહી ફી પેટે ૧૦ થી ૨૦ હજારના ઉઘરાણા કરી લીધા!: ગુંદાવાડી, મોરબી રોડ, બેડીનાકા, ભગવતીપરાની મહિલાઓ સાથે ઠગાઇથી દેકારો

ભેજાબાજ મહિલાએ મુખ્યમંત્રી સાથે સીધો કોન્ટેકટ છે...કહી ૧૦૦ જેટલી ગરીબ મહિલાઓને છેતરી!

      જેણે ઠગાઇ કર્યાનો આક્ષેપ થયો છે તે મહિલાની તસ્વીર પોલીસ સમક્ષ રજૂ કરાઇ છે :  છેતરાયેલી મહિલાઓ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી ત્યારે સાથે રણજીત મુંધવા  પણ જોડાયા હતાં (ફોટોઃ અશોક બગથરીયા)

      રાજકોટ તા.૧૩: ગરીબો સાથે છેતરપીંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અગાઉ સોની બજારમાં રહેતી અને હાલ મુંબઇ જતી રહેલી એક મહિલાએ ગરીબ-જરૂરીયાતમંદ મહિલાઓને ભોળવી પોતે મુખ્યમંત્રી સાથે સંપર્ક ધરાવતી હોવાની  અને ચાર-ચાર લાખની લોન અપાવી દેશે તેવી વાતો કરી ફી પેટે ૧૦ થી ૨૦ હજારના ઉઘરાણા કરી લઇ ચકરડું ફેરવી લીધાની ફરિયાદ સાથે ભોગ બનેલી મહિલાઓ ડીસીપી સુબોધ ઓડેદરા સમક્ષ પહોંચતા એ-ડિવીઝન પોલીસને તપાસ કરવા જણાવાયું છે.

      કોંગ્રેસના જાગૃત કાર્યકર રણજીત મુંધવા અને માલધારી સમાજના રાજુભાઇ જુંજા સાથે છેતરાયેલી દસ-બાર મહિલાઓ ડીસીપી શ્રી ઓડેદરા સમક્ષ રજૂઆત માટે પહોંચી હતી. આ તમામને એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા મોકલાયા હતાં. ફરિયાદમાં જણાવાયુ છે કે અગાઉ સોની બજારમાં રહેતી અને હાલ નવી મુંબઇ સેકટર-૧૧માં રહેતી પ્રિતીબેન પ્રકાશભાઇ તુરખીયા રાજકોટની ગુંદાવાડી, બેડીનાકા, ભગવતીપરા, મોરબી રોડ સહિતના વિસ્તારોની ગરીબ મહિલાઓને છેતરીને મુંબઇ જતી રહી છે.

      આ મહિલાએ પહેલા તો ગરીબ-જરૂરરિયાતમંદ મહિલાઓને રૂની વાટો બનાવવાનું તેમજ અબીલ-ગુલાલ પેકીંગ કરવાનું નાનુ-નાનુ કામ આપી ઓળખાણ કેળવી હતી અને બાદમાં પોતે મુખ્યમંત્રી સાથે ડાયરેકટ ઓળખાણ ધરાવે છે, પોલીસ ખાતામાં પણ પહોંચ છે તેવી વાતો કરી પોતે રાજ્ય સરકાર તરફથી ચાર-ચાર લાખની લોન કરાવી આપશે તેવી વાતો કરી હતી. બાદમાં જરૂરિયાત મંદ બહેનોએ લોન માટેની વાત કરતાં આ મહિલાએ લોનની પ્રોસીઝર માટે દસ-દસ હજાર ફી ભરવી પડશે તેવી વાતો કરી સોગંદનામા કરાવી રકમો ઉઘરાવી લીધી હતી અને લોન ન મળે તો પૈસા પાછા આપી દેશે તેવી ખાત્રી આપી હતી. પરંતુ સમય મર્યાદા વિતી ગયા છતાં કોઇને લોન ન મળતાં પૈસા પાછા માંગતાં આ મહિલાએ હાથ ઉંચા કરી દીધા હતાં.

      માંડ-માંડ પૈસા ભેગા કરનાર ૧૦૦ જેટલી ગરીબ મહિલાઓએ ૧૦ થી ૪૦ હજારની રકમો ગુમાવતાં દેકારો મચી ગયો છે. આ મામલે એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ શરૂ થઇ છે.

 (04:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS