Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

હું એકલો ફરનારો લોક પ્રતિનિધિ છું, ગંદા રાજકારણનો માણસ નથીઃ ભાગવુ મારે નહીં કોંગ્રેસને ભારે થઈ પડશેઃ ગોવિંદભાઈનો સણસણતો જવાબ

સત્તા વિહોણા કોંગી મિત્રો બેબાકળા બન્યા છેઃ હતાશ કોંગીજનો 'માં નર્મદા'નો વિરોધ કરે છેઃ ધારાસભ્યનું તડને ફડ

હું એકલો ફરનારો લોક પ્રતિનિધિ છું, ગંદા રાજકારણનો માણસ નથીઃ ભાગવુ મારે નહીં કોંગ્રેસને ભારે થઈ પડશેઃ ગોવિંદભાઈનો સણસણતો જવાબ

   રાજકોટ, તા. ૧૩ :. નર્મદા રથયાત્રાનો વિરોધ કરી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ઉપર ગઈકાલે કોંગી કોર્પોરેટરોએ ગંદા પાણીનો છંટકાવ કર્યાની ઘટનાના પ્રત્યાઘાતો આપતા ધારાસભ્ય અને પૂર્વ ઉર્જામંત્રી ગોવિંદભાઈ પટેલે એક નિવેદનમાં જણાવ્યુ છે કે, 'સત્તા વિહોણા બનેલા કોંગી મિત્રો હતાશામાં આવા ખોટા વિરોધ કરી અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયત્નો કરી રહ્યા છે.

   શ્રી પટેલ વધુમાં જણાવે છે કે જેનો કોંગ્રેસના મિત્રોએ સ્વપ્નમાં પણ વિચાર શુદ્ધા કરેલ ન હોય તે મા નર્મદામૈયાના પાણી આજીડેમ સુધી આવ્યા છે અને સૌરાષ્ટ્રના ખેતરોમાં પણ જવાના છે, હતાશા અને નિરાશ થયેલ કોંગ્રેસના મિત્રો ગણ્યાગાંઠયા સંખ્યામાં ગંદા ગટરના પાણીની બોટલ સાથેના દેખાવ કરવા ઉભા રહે અને ખોટો પ્રચાર કરે કે 'ધારાસભ્ય ઉપર ગંદુ પાણી ફેંકાયુ અને ધારાસભ્યને ભાગવું ભારે પડયુ પરંતુ મારી ઉપર કોઈએ ગંદુ પાણી ફેંકયુ નથી, માત્ર ડહોળા પાણીની ફરીયાદ કરેલ જેને સાંભળીને હું આગળ ચાલતો થયેલ. એમ પણ કહેવાયુ છે કે ધારાસભ્યને ભાગવું ભારે પડયું તો મારે એટલું જ કહેવું છે કે 'હું એકલો ફરનારો માણસ છું, હું ગંદા રાજકારણવાળો માણસ નથી કે મેં કોઈ એવું ખરાબ કૃત્ય કરેલ નથી કે મારે ભાગવુ ભારે પડે લોકોનો પ્રતિનિધિ છું અને પ્રશ્નો સાંભળવાની અને પ્રશ્નને હલ કરવાની મારી ફરજ છે જે હું બજાવી રહ્યો છું.'

   શ્રી પટેલે અંતમાં જણાવ્યુ છે કે રાજકોટને પીવાના પાણીની લાઈન ઢાંકીથી રતનપર પાંચસો પચાસ કરોડના ખર્ચે નાખીને રાજકોટની સમસ્યા હલ કરવાનું કામ આ ભાજપની સરકારે કર્યુ છે તેમ જે મચ્છુ ડેમથી આજીડેમ સુધીની ચારસો નેવું કરોડના ખર્ચે પાણીની પાઈપ લાઈન નાખીને આજી ડેમ ભરેલ રહે તે આયોજન સુદ્ધા આ સરકારે કર્યુ છે તે ભુલવુ ન જોઈએ. જ્યારે કોંગ્રેસની સરકાર વખતે ભાદરથી રાજકોટ સુધીની પાણીની લાઈન નાખેલ તેના ખર્ચનું બીલ રાજકોટ મ્યુ. કોર્પો.ને કોંગ્રેસની સરકારે મોકલેલ હતુ જે ભાજપની કેશુભાઈ પટેલની સરકારે ૧૯૯૫માં માફ કરેલ. આમ સામાન્ય રકમ પણ રાજકોટ માટે નહિ ખર્ચી શકનાર કોંગ્રેસના મિત્રો પાસે કોઈ મુદ્દાઓ નથી તેથી આવા હંગામા કરી ખોટી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે.

 (03:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS