Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

બીપીએલ કાર્ડ પર લોનના નામે લાખ્ખોની છેતરપીંડીઃ ઠગ ત્રિપૂટી ઝડપાઇઃ જબરૂ કૌભાંડ ખુલવાની વકી

બાલાજી હોલ પાસે આવાસ કવાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક સલિમભાઇ ફકીર અને ખોખડદળના દિનેશભાઇ કોળીની ફરિયાદ સામે આવીઃ ઓમ ફાયનાન્સવાળા બહુનામધારી ભાવીન વિરાણી, હિરેન રાણપરીયા અને ધવલ પટોડીયાની એ-ડિવીઝન પોલીસે કરી ધરપકડ : કોળી યુવાનના બે પડોશીને બેંક ટ્રાન્જેકશનની જાણ થતાં જ સ્ટોપ પેમેન્ટ કરાવી લેતાં છેતરાતા બચ્યા : લોન લેવા ઇચ્છુકો પાસેથી સહી કરેલા કોરા ચેક અને પાસબૂકની છેલ્લી એન્ટ્રી મેળવતાં: બાદમાં જેના ખાતામાં વધુ પૈસા હોય તેનો ચેક વટાવી લેતાં!

બીપીએલ કાર્ડ પર લોનના નામે  લાખ્ખોની છેતરપીંડીઃ ઠગ ત્રિપૂટી ઝડપાઇઃ જબરૂ કૌભાંડ ખુલવાની વકી

      આ ત્રિપૂટીની છેતરપીંડીનો કોઇ ભોગ બન્યા હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

      રાજકોટ તા. ૧૩: ગઠીયાઓ નિતનવા નુસ્ખા અજમાવી જરૂરીયાતમંદો સાથે ઠગાઇ કરતાં હોય છે.  રજપૂતપરામાં ફાયનાન્સ ઓફિસ ખોલી ત્રણ પટેલ શખ્સોએ બીપીએલ કાર્ડને આધારે લોન અપાવી દેવાની લાલચ આપી જે તે અરજદાર પાસેથી કોરા ચેક મેળવી બાદમાં તેમાં રકમો ભરી આ ચેક બારોબાર વટાવી લઇ લાખોની ઠગાઇ કર્યાનું કૌભાંડ સામે આવ્યું છે. હાલ એ-ડિવીઝન પોલીસે મવડી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં ગરીબ મુસ્લિમ દંપતિ સાથે ૯૦ હજારની ઠગાઇ અને ખોખડદળના કોળી યુવાન સાથે ૮૮ હજારની ઠગાઇ મામલે ગુનો નોંધી  ઠગ ત્રિપુટીને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

      બનાવ અંગે પોલીસે આવાસ કવાર્ટર નં. ૧૩૪૭માં રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં સલિમભાઇ મહમદભાઇ શેખ (ઉ.૪૭)ની ફરિયાદ પરથી ભાવીન ઉર્ફ રાજ ઉર્ફ અશ્વિન ઉર્ફ રણજત શૈલેષભાઇ વિરાણી(પટેલ) (ઉ.૨૭-રહે. કુવાડવા રોડ મારૂતિનગર-૩ પટેલનગર), હિરેન કેશુભાઇ રાણપરીયા (પટેલ) (ઉ.૨૭-રહે.મોરબી રોડ, ભગવતી હોલ પાસે એવન્યુ-૧) તથા ધવલ કિશોરભાઇ પટોડીયા (ઉ.૨૧-રહે.મોરબી રોડ તિરૂપતી સોસાયટી) સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી ત્રણેયને સકંજામાં લીધા છે.

      સલિમભાઇએ જણાવ્યું હતું કે મારે બીજુ મકાન લેવા માટે પૈસાની જરૂરિયાત હોઇ જેથી ઓમ ફાયનાન્સની જાહેરાત અખબારમાં વાંચી હતી. જેમાં બીપીએલ કાર્ડ પર સુચિત મકાન માટે સબસીડીવાળી લોન કરી આપશું તેવું લખ્યું હતુ. આથી મેં ફોન નંબર પર સંપર્કક રતાં રજપૂતપરા મેઇન રોડ, સંજય કોમ્પલેક્ષ ત્રીજો માળ ઓફિસ નં. ૩૨૨ ઓમ ફાયનાન્સ નામની ઓફિસે રૂબરૂ આવવા કહેવાયું હતું. જેથી હું ૮/૮ના રોજ મારા પત્નિ બિલકીસ રૂબરૂ ઓફિસે પહોંચ્યા હતાં. જ્યાં બેઠેલા એક ભાઇએ પોતે હિરેન રાણપરીયા હોવાનું કહી બહુમાળી ભવનમાંથી રોજગાર માટેની ૩ લાખની લોન અપાવી દઇશું તેવી ખાત્રી આપતાં મેં મારી અને મારા પત્નિની લોન માટેની વિધી કરાવી જરૂરી ડોકયુમેન્ટ આપ્યા હતાં અને અમારા બંનેના બબ્બે કોરા ચેક સહી કરેલા પણ તેના કહેવા મુજબ આપ્યા હતાં.

      ત્યારબાદ લોનની ફી પેટેના ૨ હજાર પણ અમારી પાસેથી વસુલ્યા હતાં. અમને થોડા દિવસમાં લોન થઇ જશે તેમ કહેવાયું હતું. પણ બાદમાં મારા પત્નિના સદર બજારની એસબીઆઇ બેંકના ખાતામાંથી રૂ. ૯૦ હજાર ઉપડી ગયાની ખબર પડી હતી. અમે તપાસ કરતાં અમે લોન માટે જે ચેક આપ્યો હતો તે ચેકમાં ૯૦ હજાર રકમ ભરી વટાવી લેવામાં આવ્યાની ખબર પડી હતી. અમે રજપૂતપરાની ઓફિસે રૂબરૂ જતાં ત્યાં હિરેન સાથે અન્ય બે શખ્સો ધવલ પટોડીયા અને ભાવિન ઉર્ફ રાજ પણ હતાં. આ ત્રણેયને પૈસા શા માટે ઉપાડી લીધા? તે અંગે પુછતાં ગોળ-ગોળ વાતો કરતાં છેતરપીંડી થયાની ખબર પડતાં અમે પોલીસને જાણ કરી હતી.

      આ ઉપરાંત કોઠારીયા ખોખડદળ નદી કાંઠે રહેતાં દિનેશભાઇ કાળાભાઇ કીડીયા (કોળી) (ઉ.૪૦) નામના યુવાન સિતારામ ફાયનાન્સ નામે લોન માટેની જાહેરાત વાંચી હતી. તેના આધારે લોન માટે અરજી કરી હતી અને ૨૫/૪ના રોજ કોરા બે ચેક આપ્યા હતાં. તેમાંથી એકમાં ૮૮ હજારની રકમ ભરી ઉપાડી લીધા હતાં.

      દિનેશભાઇ સાથે તેના પડોશી જીતુભાઇ મકવાણા અને રાજુભાઇ બારૈયાએ પણ લોન માટે ચેક આપ્યા હતાં. પરંતુ તેને ટ્રાન્જેકશનની ખબર પડતાં જ બેંકે તાકીદે પહોંચી સ્ટોપ પેમેન્ટ કરાવી આવ્યા હતાં.  જેથી છેતરાતા બચી ગયા હતાં. આ ત્રણેય ધૂતારા લોન માટે અરજી કરનારા પાસેથી સહી કરેલા કોરા ચેક લેતાં અને પાસબૂકની છેલ્લી એન્ટ્રીની કોપી પણ મેળવતાં હતાં. બાદમાં જેના ખાતામાં વધુ નાણા હોય તેના ચેકમાં રકમ ભરી બેંકમાં નાંખી વટાવી લેતાં હતાં.

      એ-ડિવીઝનના ઇન્ચાર્જ પી.આઇ. કે. એમ. રાવલ, પી.એસ.આઇ. એલ. એલ. ચાવડા, પી.એસ.આઇ. એ. જી. અંબાસણા, રાઇટર ભાવેશભાઇ, વિજયસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા સહિતે તાકીદે કાર્યવાહી કરી ત્રણેય પટેલ શખ્સને દબોચી લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે. આ ત્રણેયએ આ રીતે અન્ય બે-ત્રણ જરૂરિયાતમંદોને પણ છેતર્યાની શંકાએ પોલીસે તપાસ આદરી છે. આ ત્રણેયનો ભોગ બનનારે એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

      સમયાંતરે ઓફિસના નામના બોર્ડ પણ બદલી નાંખતા

      . પકડાયેલા ત્રણેય શખ્સો ભાવિન ઉર્ફ રાજ પટેલ, હિરેન પટેલ અને ધવલ પટેલે રજપૂતપરામાં જે ઓફિસ ભાડે રાખી છે તેના મોર્ડ સમયાંતરે બદલી નાંખતા હતાં. કયારેક ઓમ ફાયનાન્સ તો કયારેક સિતારામ ફાયનાન્સ નામ રાખી લેતા હતાં. આથી દર વખતે નવા-નવા મુરગા શોધવામાં સરળતા રહે.

      ચોપડામાં ૧૬૦ લોકોનું લિસ્ટઃ આ બધાને છેતર્યા કે કેમ? તેની તપાસ

      . પોલીસે ઠગ ત્રિપુટીને રિમાન્ડ પર મેળવવા તજવીજ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ  આ ત્રણેયની ઓફિસમાંથી એક રજીસ્ટર-ચોપડો મળ્યો છે. જેમાં ૧૬૦ જેટલા લોકોએ લોન માટે અરજી કર્યાની નોંધ છે. આ તમામને આ ત્રિપુટીએ આ રીતે છેતરી છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે. ઠગાઇનો આંકડો વધવાની શકયતા છે.

 (01:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS