Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

ધોરણ ૧ થી ૫ માં ૧૩૦૦ વિદ્યાસહાયકોની ભરતી માટે અરજીનો કાલે છેલ્લો દિવસ

ટેટ પાસ ઉમેદવારો કાલે બપોરે ૩ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એકાઉન્ટીંગ ક્ષેત્રે ૬ જગ્યાઓ ઉપર ભરતી

   રાજકોટ, તા. ૧૩ :. છેલ્લા ઘણા સમયથી ટેટ પાસ ઉમેદવારો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધો. ૧ થી ૫ માં વિદ્યાસહાયક તરીકે ભરતી થવા માટેની આવતીકાલે છેલ્લી ઓનલાઈન અરજી તારીખ છે. બપોરે ૩ વાગ્યા સુધી www.vidyasahayakgujarat.org વેબસાઈટ ઉપર અરજી થઈ શકશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ થી ૫ ગુજરાતી માધ્યમમાં કુલ ૧૩૦૦ વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમા ૭૩૩ જગ્યાઓ સામાન્ય વર્ગ માટે, ૧૧૩ જગ્યાઓ અનુ.જાતિ માટે, ૬૦ જગ્યાઓ અનુ.જનજાતિ માટે, ૩૯૪ જગ્યાઓ સા.શૈ. પછાતવર્ગ માટે તથા ૪૩ જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવી છે.

   ઓનલાઈન ભરેલ અરજીપત્રકની પ્રિન્ટ કરેલી કોપી સ્વિકાર કેન્દ્ર ઉપર તા. ૧૪-૯-૧૭ સુધી સવારે ૧૧ કલાકથી સાંજના ૫ વાગ્યા સુધી નિયત ફી ભરી રૂબરૂ જમા કરાવવાનું જાહેરાતમાં કહેવાયુ છે. જમા કરાવ્યા સિવાયનું અરજીપત્રક માન્ય નહી ગણાય તેવું પણ કહેવાયુ છે.

   અરજી કરનાર ઉમેદવારની ઉંમર ૧૪-૯-૧૭ના રોજ ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૩ વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહીં. વિવિધ રીઝર્વ કેટેગરીમાં આવતા ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે.

   પસંદ થયેલ વિદ્યાસહાયકોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂ. ૧૯૯૫૦-ફીકસ પગાર આપવામાં આવશે. ત્યાર બાદ નિયમ મુજબ ફુલ પગારની કાયમી પ્રક્રિયા કરવામાં આવશે. સંપૂર્ણ માહિતી વેબસાઈટ ઉપર પ્રાપ્ય છે. જે સમયાંતરે જોતી રહેવી હિતાવહ છે.

   રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૨૬-૯-૧૭ની છેલ્લી ઓનલાઈન અરજી તારીખ સાથે એકાઉન્ટીંગ ક્ષેત્રે ભરતી ચાલી રહી છે. જેમા ચીફ એકાઉન્ટન્ટ, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ તથા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટનો સમાવેશ થાય છે.

   દરેક પોસ્ટ માટેની લાયકાત, અનુભવ, વયમર્યાદા, રીઝર્વ કેટેગરી માટેના નિયમો વિગેરે બધી જ બાબતો www.rmc.gov.in વેબસાઈટ ઉપરથી જાણી શકાય છે. ઓનલાઈન ફોર્મ પણ ઉપરોકત વેબસાઈટ ઉપર જ ભરવાનુ છે.

   તો મિત્રો, થઈ જાવ તૈયાર, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, ઈશ્વરમાં શ્રધ્ધા અને સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના સાથે જલ્દીથી અરજી કરી દો. નોકરી રૂપી સોનેરી ભવિષ્ય આપની રાહ જોઈ રહ્યુ છે. સાચી નિતીથી મહેનત કરનારને ઈશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ...

 (12:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS