Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

સીદી સૈય્યદ જાળી કોતરણી ઇતિહાસ જોઇને શિન્ઝો ફિદા

શિન્ઝોના પત્ની અકી આબે પણ પ્રભાવિત થયા : ઇતિહાસ સમજાવવા મોદી ખુદ જાણે ગાઇડ બન્યા : શિન્ઝો અને તેમના પત્નીની ઝલક મેળવવા નાગરિક ઉમટી પડ્યા

   અમદાવાદ,તા. ૧૩ :      શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક અને ૪૪૪ વર્ષ પ્રાચીન એવી સીદી સૈય્યદની જાળીની કોતરણી અને તેનો ઇતિહાસ જોઇ આજે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે જાણે ફિદા થયા હતા. સીદી સૈય્યદની જાળીની રચના અને તેનો ગૌરવવંતો ઇતિહાસ જાણી શિન્ઝો અને તેમના પત્ની અકી આબે પ્રભાવિત થયા હતા. મોદીએ તેમને ઇતિહાસની ગૌરવગાથા કહી સંભળાવી હતી. સીદી સૈય્યદની જાળીની અંદરના હિસ્સા સુધી શિન્ઝો અને તેમના પત્ની સાથે માત્ર વડાપ્રધાન મોદી સાથે રહ્યા હતા અને તેઓ જાતે સીદી સૈય્યદ જાળીનો ઇતિહાસ સમજાવવા જાણે ગાઇડ બન્યા હતા.             આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશી મિત્ર મહેમાન એવા શિન્ઝો આબે અને તેમના પત્નીને વસ્ત્રાપુરની હોટલ હયાતથી લઇ લાલદરવાજા વિસ્તારમાં આવેલી સીદી સૈય્યદની જાળી ખાતે પહોંચ્યા હતા અને ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હતી. શિન્ઝો અને તેમના પત્ની અકી આબે મોગલકાળની કલાત્મક એવી સીદી સૈય્યદની જાળી તેની કોતરણી, બારીકાઇ અને રચનાને નિહાળી દંગ રહી ગયા હતા. મોદીએ તેમને સતત સીદી સૈય્યદની જાળીના ઇતિહાસ અને સંસ્મરણો વિશે જાણકારી આપતાં નજરે પડતા હતા. વિશ્વભરમાં સીદી સૈય્ય્દની જાળીની કલાત્મક નકશીકામ અને કોતરણી સુપ્રસિધ્ધ છે. દરમ્યાન જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્નીની એક ઝલક નિહાળવા કોટ વિસ્તારના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો ખૂબ મોટી સંખ્યામાં વિદેશી મહાનુભાવોને મોદી સાથે જોવા ઉમટી પડયા હતા. જો કે, સીદી સૈય્યદની જાળી ફરતેનો રોડ કોર્ડન કરી રખાયો હોવાથી લોકોને દૂરથી તેઓને જોઇ સંતોષ માનવો પડયો હતો. જેને લઇ લોકોમાં સહેજ નિરાશાની લાગણી પણ જોવા મળી હતી. જો કે, તેમછતાં દૂરથી પણ લોકોએ ભારે ઉત્સાહ સાથે વિદેશી મહાનુભાવો અને વડાપ્રધાન મોદીનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. ત્રણેય મહાનુભાવોએ પણ લોકોનું દૂરથી હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલી તેમને સત્કાર પ્રતિભાવ આપ્યો હતો. સીદી સૈય્યદની જાળીની મુલાકાત બાદ ત્રણેય મહાનુભાવો સામે આવેલી હોટલ અગાશી ખાતે ડિનર માટે પહોંચ્યા

   એક પથ્થરમાંથી બનેલી છે સીદી સૈય્ય્દની જાળી

                               અમદાવાદ.તા. ૧૩ : સીદી સૈય્ય્દની જાળીનો ઇતિહાસ એટલો ગૌરવવંતો છે કે, તેની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તેની ઐતિહાસિકતા અને ખાસ વિશેષતા છે કે, જાળી ૪૪૪ વર્ષ જૂની તો છે પરંતુ મોગલકાળમાં માત્ર એક પથ્થરમાંથી સીદી સૈય્યદની જાળી કંડારવામાં આવી છે. તેનું નકશીકામ અને કલાત્મકતા એટલી અદ્ભુત અને બારીક છે, તે વિશ્વમાં બેજોડ મનાય છે. અમદાવાદની એક આગવી ઓળખ પણ સીદી સૈય્યદની જાળી ગણાય છે.

 (07:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો