Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

આ કારણે લગ્ન પછી નવાસવા કપલ્‍સમાં ઝડપથી પડી રહી છે દરાર

<br /> આ કારણે લગ્ન પછી નવાસવા કપલ્‍સમાં ઝડપથી પડી રહી છે દરાર

      મુંબઇ તા. ૧૩ : લગ્ન પછી જો મને સૌથી પહેલા કોઈ ચીજનો અહેસાસ થયો હોય તો એ એ છે કે આ દુનિયામાં હેપ્‍પીલી એવર આફટર નામની કોઈ વસ્‍તુ જ નથી,' ૩૬ વર્ષની રચના છેડા પોતાનો અનુભવ વર્ણવતા જણાવે છે. શેફ રચના પોતના પતિને લગ્નના એક જ મહિના પહેલા મળી હતી. રચના કહે છે, ‘મને ખબર હતી કે મારે મારા નવા ફેમિલી સાથે એડજસ્‍ટમેન્‍ટ કરવા પડશે પરંતુ આટલા બધા એડજસ્‍ટમેન્‍ટ કરવા પડશે એ ખબર નહતી. મને એવું લાગ્‍યું જાણે હું મારી ઓળખ ગુમાવી રહી છું. શેફ તરીકે મારી કારકિર્દી જ મારી પેશન છે. તે ફક્‍ત એક રૂટિન જોબ નથી. જો કે મારા રૂઢિચુસ્‍ત ગુજરાતી પરિવારમાં હું નોન-વેજ ફૂડ અને આલ્‍કોહોલ સર્વ કરતી હોટેલમાં કામ કરુ તે તેમને મંજૂર નહતુ.'

      પતિની અપેક્ષાઓને પૂરી કરા છેડાએ પોતાની સફળ કારકિર્દી છોડી દીધી. તે જણાવે છે, ‘મારે ઘરે સમયસર આવી જવુ પડતુ કારણ કે મોટા ભાગની મોટી રેસ્‍ટોરાંમાં મોડે સુધી રસોડુ ચાલતું હોય છે.' બે વર્ષ અને સેલેરીમાં ધરમ ઘટાડા પછી પણ રચનાને પરિવારની અપેક્ષા પૂરી કરવામાં મુશ્‍કેલી પડતી હતી. છેડા કહે છે કે, ‘મારા માટે સૌથી મોટી ચેલેન્‍જ મારી સ્‍વતંત્રતા ગુમાવવાની હતી. હું હવે પહેલા જેટલા રૂપિયા નહોતી ખર્ચી શકતી. મારો પરિવાર એ ચીજ નહતો સમજી શકતો કે હું શા માટે એવી ચીજો પર ખર્ચ કરું છું જેની તેમને મન કોઈ કિંમત જ નથી. જેમ કે, અવનવી વાનગીઓ ખરીદવા માટે હું થોડી મોંઘી ચીજો બજારમાંથી ખરીદી લાવતી. મારે હંમેશા મેં આવું શા માટે કર્યું તે સમજાવવું પડતું અને તેને કારણે હું ઘણી ફ્રસ્‍ટ્રેટ થઈ જતી હતી.'

      રચના એકલી નથી. આજકાલના અનેક યુવાન કપલ્‍સ આ સમસ્‍યાઓનો સામનો કરી રહ્યા છે. ક્‍લિનિકલ સાઈકોલોજિસ્‍ટ શ્રદ્ધા વોરા જણાવે છે, ‘લગ્ન પછી તમારે જે નવો રોલ નિભાવવાનો હોય છે તેમાં જવાબદારી અને અપેક્ષાઓ બંને વધી જાય છે. કપલ એકબીજાની જરૂરિયાત પૂરી કરવા સંઘર્ષ કરે છે. ખાસ કરીને જે બાબતે બંને વચ્‍ચે સહમતિ ન સધાતી હોય ત્‍યારે સંઘર્ષ વધી જાય છે. આ સંજોગોમાં જો તેઓ વચલો રસ્‍તો કાઢવાની કોશિશ ન કરે તો મુશ્‍કેલી ઊભી થઈ શકે છે.' તેમાંય લગ્ન જે પરિવારમાં થયા હોય તેનું વાતાવરણ માતા-પિતાના ઘર કરતા સાવ જુદુ હોય ત્‍યારે વધારે તકલીફ પડે છે. જેમ કે રચના છેડા એક એવા સંયુક્‍ત પરિવારમાં ઉછરી છ જયાં બધા જ તહેવારો ખૂબ જ ઉત્‍સાહથી ઉજવવામાં આવે છે. આથી દરેક તહેવારે તે પોતાના ફેમિલીને મિસ કરે છે અને એકલતા અનુભવે છે.ચિંતાજનક વાત એ છે કે નાની નાની વાતો મોટું સ્‍વરૂપ ધારણ કરી લે છે. યુનિવર્સિટી ઓફ ટેક્‍સાસે હાથ ધરેલા એક અભ્‍યાસમાં પ્રકાશમાં આવ્‍યું છે કે જે કપલ્‍સને લગ્નના પહેલા બે વર્ષમાં માઠા અનુભવ થાય તે ડિવોર્સ માટે વધારે અરજી કરે છે. આથી જ આ મતભેદોને વહેલી તકે સૂલઝાવી દેવા જરૂરી છે. અમે નિષ્‍ણાંતો સાથે વાત કરીને કપલ્‍સ માટે કઈ વોર્નિંગ સાઈન્‍સ હોય છે તે શોધી કાઢી. જો કપલ્‍સ આટલું સમજી લે તો તેમની રિલેશનશીપમાં જલ્‍દી દરાર નથી પડતી.

       લગ્ન પછી કપલ્‍સની લાઈફમાં જે ફેરફાર આવે છે તે પરાણે કરવાની ભાવનામાંથી ન આવવા જોઈએ. કપલે આ નિર્ણય સમજી વિચારીને લેવા જોઈએ. વોરા સમજાવે છે, ‘એડજસ્‍ટમેન્‍ટ એવા પણ ન હોવા જોઈએ કે કોઈની ઓળખ જ ભૂલાઈ જાય. વ્‍યક્‍તિએ સમજવું જોઈએ કે કોઈની અપેક્ષાનો આધાર શું છે અને વ્‍યક્‍તિએ અપેક્ષાઓમાં ફલેક્‍સિબલ રહેવું જોઈએ.' છેડા જણાવે છે, ‘લગ્નના થોડા સમય પછી મને મારે શું કરવું જોઈએ તે સમજાઈ ગયું. દાખલા તરીકે, મારે હંમેશાથી ગિટાર વગાડતા શીખવું હતું. હવે મારે ગિટાર શીખવા માટે ઓફિસેથી ક્‍યારેક વહેલા નીકળી જવું પડે છે. હું ટેનિસ રમતા પણ શીખી રહી છું.'

      કેટલાંક કપલ્‍સ એવી વાતોની ચર્ચા કરતા ખર્ચાય છે જે તે સમસ્‍યાઓ તેમને સાથે રહેતી વખતે નડવાની જ છે. જેમ કે, ઘર ખર્ચ કે ઘરની જવાબદારીઓ સરખે હિસ્‍સે વહેંચી દેવી. આ કારણે ઘણીવાર મોટા આઘાત પણ લાગે છે. ક્‍લિનિકલ સાઈકોલોજિસ્‍ટ સાજિદા મસ્‍કતી જણાવે છે, ‘ખાસ કરીને છોકરીઓ પોતાના પાર્ટનરને ખુશ કરવા નમતુ જોખવાની કોશિશ કરે છે પરંતુ આ જ પરિસ્‍થિતિમાંથી ફ્રસ્‍ટ્રેશન ઊભું થાય છે. આવા સમયે જો કોઈ પરિસ્‍થિતિ પસંદ ન હોય તો તેની પાર્ટનર સાથે સીધેસીધી વાત કરી લેવી જોઈએ. આવા સમયે છોકરીઓએ ફાયનાન્‍સથી માંડીને પર્સનલ સ્‍પેસ સુધી દરેક ચીજમાં પોતાની મર્યાદા પહેલેથી જ નક્કી કરી લેવી જોઈએ.'

      ઘણા કપલ્‍સ એકસાથે સારો સમય વીતાવી નથી શકતા. સાથે સારો સમય વીતાવવાથી તે એકબીજાને વધુ સારી રીતે સમજી શકે છે અને પાર્ટનરની વર્તણૂંક સમજવામાં મુશ્‍કેલી પડતી નથી. તે એકબીજાને સપોર્ટ કરવાના એવા રસ્‍તા શોધી કાઢે છે જેને કારણે ખાસ મુશ્‍કેલી પડતી નથી. વોરા જણાવે છે, ‘એરેન્‍જ મેરેજમાં મને અને મારા પતિને એકબીજા સાથે ખાસ સમય પસાર કરવા નથી મળતો. મારે વીકેન્‍ડ્‍સમાં પણ કામ કરવું પડે છે. આમ છતાંય હું ક્‍યારેક બ્રેકફાસ્‍ટ કે મૂવી માટે સમય કાઢી લઉં છું. મારા પતિ મને રસોઈમાં પણ સાથ આપે છે. આ ક્ષણો મને તેમને સમજવામાં મદદ કરે છે કે કારણ કે અમારો ઉછેર ઘણા અલગ વાતાવરણમાં થયો છે.'

      તમારી રિલેશનશીપને ખુશીના માધ્‍યમ કરતા એક જવાબદારી તરીકે જોવાનું શરૂ કરશો તો તમને ઓછી હતાશા થશે. વોરા જણાવે છે, ‘પાર્ટનરને દોષ દેવા કરતા તમારી જાતને પૂછો કે તમે અમુક સંજોગોમાં શું કરી શકો તેમ છો. તમારી સમસ્‍યાના સમાધાન માટે નવા નવા રસ્‍તાઓ શોધો. જો તમારી રિલેશનશીપને કારણે તમારી કારકિર્દી પર અસર પડતી હોય તો એવો કોઈ વિકલ્‍પ વિચારો જેને કારણે તમને સંતોષ મળે. જીવનના અન્‍ય કોઈપણ પાસાની જેમ આમાં પણ ધીરજ સિવાય બીજો કોઈ વિકલ્‍પ નથી.'

 (04:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો