Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

નરેન્દ્રભાઇ અને અમિતભાઇ માટે સોશ્યલ મીડીયા હવે માથાનો દુઃખાવો શા માટે?

લોકો હવે સમજતા થયા છે કે 'બોલવું અને કરવું' એ બે જુદી વાતો છેઃ વિવેકાનંદના ભારતમાં અને મોદીના ભારતમાં ફરક છે : પત્રકાર ગૌરી લંકેશની હત્યા થતા મીડીયા પણ નારાજ થયું છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાના કાર્યકરોને સોશ્યલ મીડીયાથી સંભાળતા રહેવાની સુફીયાણી સલાહ આપી છ : હવે ભાજપના ચુંટણીલક્ષી વાયદાઓ અને તેની જમીની વાસ્તવિકતા વચ્ચે અંતર વધતુ જતુ હોવાથી સત્તાધારી પાર્ટી સોશ્યલ મીડીયા ઉપર હાંસીપાત્ર થઇ રહી છે

નરેન્દ્રભાઇ અને અમિતભાઇ માટે સોશ્યલ મીડીયા હવે માથાનો દુઃખાવો શા માટે?

   નવી દિલ્હી, તા.,૧૩: એક સમય હતો જયારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોશ્યલ મીડીયાનો ઉપયોગ જનમત ઉભો કરવા અને વિરોધીઓ ઉપર હલ્લા બોલ કરવા માટે કરતા હતા. ર૦૧ર માં ગુજરાત વિધાનસભા અને ર૦૧૪ માં લોકસભાની ચુંટણીઓમાં તેમણે સોશ્યલ મીડીયાનો ઉત્તમ ઉપયોગ કરી બંન્ને ચુંટણીઓ જીતી લીધી. પ વર્ષ પછી ગુજરાતમાં ફરીથી ચુંટણીઓ આવી રહી છે. હવે પ્રધાનમંત્રી બની ચુકેલા નરેન્દ્ર મોદીના ખાસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે અમદાવાદમાં યુવાનોને સંબોધીત કર્યા અને તેમને સોશ્યલ મીડીયા ઉપર ભાજપ વિરોધી અભિયાનથી બચવાની સલાહ આપી.

   તેમણે કહયું કે, ભાજપ વિરોધી પ્રોપેગેંડા કોંગ્રેસ ચલાવી રહી છે. તેમણે યુવાનોને તથ્ય જોઇ તપાસી મત આપવાની સલાહ આપી હતી. આ બધુ આશ્ચર્યજનક લાગી રહયું છે. આખરે ગુજરાતમાં પ વર્ષમાં એવો શું બદલાવ આવ્યો કે આજ સુધી ભાજપ માટે હથિયાર બનતું આવેલું સોશ્યલ મીડીયા ભાજપ માટે જ અડખામણું બની ગયું?!

   સોશ્યલ મીડીયા ઉપર દુનિયાભરના ગુજરાતી 'વિકાસ'નો મજાક બનાવી રહયા છે. ર૦૧રની વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસએ 'દિશા બદલોે , દશા બદલો' નો નારો લગાવ્યો હતો. જવાબમાં ભાજપે 'સબ કા સાથ, સબકા વિકાસ' નો ઉપયોગ કર્યો હતો.

   ભાજપે એ સમયે તત્કાલીન કેન્દ્ર સરકાર વિરૂધ્ધ 'ગુજરાત સાથે અન્યાય' અભિયાનની શરૂઆત કરી ટીવી-રેડીયો અને સોશ્યલ મીડીયા ઉપર જાહેરાતોનો મારો ચલાવ્યો હતો. જે પાર્ટી માટે ફાયદારૂપ નિવડયો હતો. મલ્ટીમીડીયા ટેકનીકના માધ્યમથી નરેન્દ્ર મોદીએ એક સ્થળેથી અનેક સભાઓ સંબોધી હતી. ર૦૦૭ની વિધાનસભાની ચુંટણીઓ દરમિયાન મોદીનું મ્હોરૃં ખુબ ચાલ્યું હતું.

   હવે ભાજપના ચુંટણીલક્ષી વાયદાઓ અને તેની જમીની વાસ્તવિકતા વચ્ચે અંતર વધતુ જતુ હોવાથી સત્તાધારી પાર્ટી સોશ્યલ મીડીયા ઉપર હાંસીપાત્ર થઇ રહી છે. હમણા 'વિકાસ ગાંડો થયો છે' ખુબ વાયરલ બન્યું છે. મુશળધાર વરસાદ પછી અમદાવાદની સડકો ઉપર પડેલા મસમોટા ખાડાઓની તસ્વીર સ્થાનીક મીડીયાઓએ ખુબ પ્રસારીત કરી બિસ્માર રસ્તાઓના કારણે રાહદારીઓને દુર્ઘટનાગ્રસ્ત બની સારવાર માટે હોસ્પીટલ પહોંચવાના સમાચારો પણ ખુબ છપાયા. ત્યાર બાદ ઠેકેદારો અને સરકારો વચ્ચેની મીલીભગત અને ભ્રષ્ટાચારના મુદ્દાથી હવા મળી.

   લોકો હવે સમજતા થયા છે કે 'બોલવું અને કરવું' એ બે જુદી વાતો છે. વિવેકાનંદના ભારતમાં અને મોદીના ભારતમાં ફરક છે. સરકારનો તેમના કાર્યકરો ઉપર જ અંકુશ રહયો નથી. આ વચ્ચે પત્રકાર ગૌરી લંકેશની હત્યા થતા મીડીયા પણ નારાજ થયું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાના કાર્યકરોને સોશ્યલ મીડીયાથી સંભાળતા રહેવાની સુફીયાણી સલાહ આપી છે.

 (03:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો