Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

શિંજોનું અમદાવાદમાં રેડ કાર્પેટ સ્‍વાગતઃ જાજરમાન રોડ શો

જાજરમાન રોડ શોઃ કાલે બુલેટ ટ્રેન પ્રોજેકટનું ભુમિપુજન : ભારત-જાપાન સહકારના નવા સંબંધોનો પ્રારંભઃ જાપાનના વડાપ્રધાનનું પીએમ મોદી દ્વારા ભવ્‍ય સ્‍વાગતઃ ૮ કિ.મી.નો રોડ-શોઃ ઠેર-ઠેર સાંસ્‍કૃતિક કાર્યક્રમો : સાંજે સીદી સૈયદ મસ્‍જીદની મુલાકાતઃ મોદી બનશે ગાઇડઃ કાલે બુલેટ ટ્રેન પ્રોજેકટનું ભુમિપુજનઃ શિખર મંત્રણાઃ કરોડોના કરારો થશે

શિંજોનું અમદાવાદમાં રેડ કાર્પેટ સ્‍વાગતઃ જાજરમાન રોડ શો

      અમદાવાદ તા.૧૩ : જાપાનના વડાપ્રધાન શિંજો આબે આજથી બે દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે અમદાવાદ પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી તેમને આવકારવા એરપોર્ટ ઉપર જશે. બંને વડાપ્રધાન એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીમાં ૮ કિ.મી.નો રોડ શો પણ આજે કરશે. આ રૂટ પર ભારતીય સંસ્‍કૃતિની ઝલક આપતા કાર્યક્રમો પણ યોજાશે. આવતીકાલે બુલેટ ટ્રેન યોજનાનું ભુમિપુજન કરવામાં આવશે. આ દરમિયાન ૧ર ઇન્‍ડો-જાપાન સમીટ અને બીઝનેસ સમીટ પણ યોજાવાની છે. આ સમીટમાં અનેક મોટી જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં મોટાપાયે રોકાણ કરે તેવી શકયતા છે. આજે સાંજે જ બંને વડાપ્રધાન અમદાવાદની હેરીટેઝ સાઇટ સીદી સૈયદ મસ્‍જીદની મુલાકાત લેશે અને ત્‍યારબાદ એક રેસ્‍ટોરન્‍ટમાં ડિલર પણ લેશે. જાપાનના વડાપ્રધાનને આવકાર માટે અમદાવાદ થનગની રહ્યુ છે.

      આજે બપોરે ૩.૩૦ કલાકે જાપાનના વડાપ્રધાનનું અમદાવાદમાં આગમન થશે. તેઓને આવકારવા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ખુદ એરપોર્ટ ઉપર જશે. ત્‍યારબાદ બંને મહાનુભાવોના રોડ શો શરૂ થશે. ગાંધી આશ્રમ સુધીના આ રોડ શોમાં ભારતના તમામ રાજયોની સંસ્‍કૃતિની ઝલક કરાવતા નૃત્‍યો અને કલાનું પ્રદર્શન કરવામાં આવશે. આ રોડ શોના રસ્‍તા પર ર૮ નાના-મોટા સ્‍ટેજ બનાવવામાં આવ્‍યા છે. રોડ-શો સાબરમતી રીવર ફ્રન્‍ટ ઉપરથી પણ પસાર થશે.

      સાબરમતી આશ્રમની મુલાકાત બાદ નેતાઓ સાંજ સુધી આરામ કરશે. તે પછી બંને વડાપ્રધાન અમદાવાદની મશહુર સીદી સૈયદ મસ્‍જીદને પણ જોવા જશે. વડાપ્રધાન ખુદ શિંજોને સીદી સૈયદની મસ્‍જીદની મહત્‍વત્તા અને ઇતિહાસ જણાવશે.

      આવતીકાલે બંને વડાપ્રધાનો ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટનું સાબરમતી ખાતે ખાતમુહુર્ત કરશે તે પછી બંને નેતાઓ ગાંધીનગર ખાતે મહાત્‍મા મંદિરની મુલાકાત લેશે. તે પછી ઇન્‍ડો-જાપાન વાર્ષિક સમીટમાં બંને દેશ એકબીજા સાથે દ્વિપક્ષી એગ્રીમેન્‍ટ કરશે જેમાં જાપાનની ૧પ કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટેના કરારો કરશે. બુલેટ ટ્રેન પ્રોજેકટ મુખ્‍ય છે જે ર૦રર સુધીમાં પુરો થશે. બે કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચી શકાશે. જાપાનના વડાપ્રધાન મોદી સાથે ગાંધીનગરમાં ગાંધી કુટિર પણ જશે. ત્‍યારબાદ બંને દેશો વચ્‍ચે પ્રતિનિધિ સ્‍તરની મંત્રણાઓ પણ થશે. બંને નેતાઓ સંયુકત પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે. તે પછી રાત્રે ૧૦ વાગ્‍યે જાપાનના વડાપ્રધાન ટોકિયો માટે રવાના થશે.

      વડાપ્રધાન મોદીએ આજે ટવીટ કરીને કહ્યુ છે કે અમદાવાદ અને ભારત જાપાનના વડાપ્રધાનને આવકારવા તૈયાર છે. બંને દેશો ગાઢ સંબંધો બાંધવા તૈયાર છે. તેમની સાથે સાબરમતી આશ્રમ અને સીદી સૈયદની ઝાળીની મુલાકાત લેવા હું તત્‍પર છું. ચોથી વાર્ષિક પરિષદમાં ગુજરાતમાં તેમના યજમાન બનવાને હું મારૂ શૌભાગ્‍ય ગણુ છું.

       

 (10:02 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો