Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

બસ પરના દબાણ દુર કરવા માટે હવે ઝુંબેશ હાથ ધરાઈ

એએમટીએસ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશઃ મ્યુનિસિપલ બસ સ્ટોપની આગળના દબાણ દુર કરીને દંડ વસુલવા માટે ઝૂંબેશ મોટા ઉપાડે શરૂ કરવામાં આવી હતી

   અમદાવાદ, તા.૧૩, એક સમયે જંગી નફો કમાવી આપનારી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ આજે રૂપિયા ૨૭૦૦ કરોડના જંગી દેવાના બોજ હેઠળ દબાયેલી છે.આ સેવાને ફરીથી પાટા ઉપર લાવવા માટે થોડા સમય અગાઉ એએમટીએસ દ્વારા બસસ્ટોપની આસપાસના વાહનો સહીતના અન્ય દબાણો દુર કરવા પુરજોશમાં શરૂ કરવામાં આવેલી ઝૂંબેશ ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે.આ સાથે જ મુસાફરોને બસ પણ મળતી નથી.કેમકે ડ્રાઈવરો બસ સ્ટેન્ડ ઉપર ઉભી રાખવાના બદલે રોડ ઉપર ઉભી રાખી તરત જ બસ દોડાવી મુકે છે.આ ઉપરાંત મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી મહિલાઓ માટેની બસ પણ ખોટ ખાઈ રહી છે.આ અંગેની વિગત એવી છે કે,એએમટીએસના વર્તમાન ચેરમેન ચંદ્રપ્રકાશ દવેએ ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો તે સમયે અનેક જાહેરાતો કરી હતી.આ જાહેરાતોમાં એક જાહેરાત એ પણ હતી કે,બસસ્ટોપ આસપાસના દબાણો દુર કરવામાં આવશે.આ માટે વાહનચાલકો કે અન્ય પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવશે.ચેરમેને કરેલી આ જાહેરાત બાદ એએમટીએસની ૭ જેટલી ટીમો બનાવવવામાં આવી હતી.આ ટીમ દ્વારા માત્ર શહેરના પશ્ચિમઝોનમાં ગુજરાત યુનિવર્સિટીથી લઈને વિજય ક્રોસ રોડ સુધીમાં આવેલા બસસ્ટેન્ડની આસપાસ થોડા સમય સુધી દબાણો અને વાહનો હટાવવાનું નાટક પણ કર્યુ હતું.આ સાથે જ જે તે બસસ્ટેન્ડની અંદરના ભાગમાં બસસ્ટેન્ડ આગળ કોઈપણ પ્રકારના વાહનો પાર્ક કરવા ગેરકાનૂની હોવાના બોર્ડ મારી સારી કામગીરી કરી હોવાનો સંતોષ પણ માણ્યો હતો.પરંતુ આ પછી ચેરમેન ઉપર દબાણ આવતા આ કામગીરી ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે.આજે પેસેન્જરો માટે પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની ગઈ છે કે,તેમને બસસ્ટેન્ડ ઉપર લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ બસ મળતી નથી.કેમકે જ્યાં એક તરફ બસસ્ટેન્ડની આગળ વાહનો અને અન્ય દબાણોના ખડકલા હોવાના કારણે મુસાફરોને રોડ ઉપર ઉભા રહેવું પડે છે.જ્યાં પીક અવર્સમાં ખુબટ્રાફિક રહેતો હોય છે.બીજી તરફ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી એએમટીએસના ડ્રાઈવરો બસ ખાલી હોવાછતાં પણ બસ ઉભી રાખવાના બદલે ગણતરીની સેકંડોમાં બસ ચાલુ કરી દઈ રવાના થઈ જાય છે.ચેરમેન  દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી શહેરની વર્કીંગ વુમન માટે મોટા ઉપાડે બસ સર્વિસ શરૂ કરી હતી.જે પણ ખોટ ખાઈ રહી છે.આ અંગે ચેરમેન ચંદ્રપ્રકાશ દવેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા સંપર્ક સાધી શકાયો ન હતો.

 (11:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS