Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

ભાજપ લોકલાગણી 'વાળવા' શું કરશે ? ઉત્કંઠાનો 'વિકાસ'

ગાંડો વિકાસ, મોંઘવારી, નોટબંધી, જી.એસ.ટી., કાળુ નાણુ, ભ્રષ્ટાચાર, અનામત આંદોલન વગેરેની અસર ધોઈ શકે તેવા કોઈ 'મોજા'ની ધારણા

ભાજપ લોકલાગણી 'વાળવા' શું કરશે ? ઉત્કંઠાનો 'વિકાસ'

   રાજકોટ, તા. ૧૩ :. દેશની રાજનીતિને નવો રાહ ચિંધનાર ગુજરાતમાં આવતા ૩ મહિનામાં ધારાસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણી આવી રહી છે. દરેક ચૂંટણીમાં કોઈને કોઈ મુદ્દો નિર્ણાયક હોય છે. આ વખતે પણ ભાજપ વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવા આગળ વધી રહ્યો હતો તે જ વખતે અચાનક વિકાસ ગાંડો થયાની વાત સોશ્યલ મીડીયામાં પકડાઈ જતા ભાજપે વિકાસના દાવાની બદલે ગાંડા વિકાસના પ્રચારના જવાબ આપવા પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. ચૂંટણીમાં વિકાસનો મુદ્દો ચાલવા સામે પ્રશ્નાર્થ લાગી ગયો છે. જો વિકાસનો મુદ્દો ન ચાલે તો ભાજપ ૧૫૦ બેઠકોનો લક્ષ્યાંક પુરો કરાવી શકે તે રીતે લોકલાગણી પોતાના તરફ વાળવા શું કરશે ? તે સવાલ લોકોમાં ભારે ઉત્કંઠા સાથે વિકાસ પામી રહ્યો છે. અત્યારે ગમે તે વાતાવરણ હોય પરંતુ ચૂંટણી પૂર્વેના છેલ્લા દિવસોનું વાતાવરણ લોકમત ઘડતરમાં મહત્વનો ભાગ ભજવતુ હોય છે.

   ભાજપ માટે ગુજરાત સૌથી અગત્યનું રાજ્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિત શાહ ગુજરાતના છે. ગુજરાતના પરિણામના પડઘા દેશ-વિદેશમાં પડવાના છે. ૨૦૧૯ની સંસદની ચૂંટણી પૂર્વે ગુજરાત વિધાનસભાનું પરિણામ ખૂબ મહત્વનુ બનશે. ગુજરાતમાં ૧૯૯૫ પછીના એક વર્ષને બાદ કરતા સતત ભાજપનંુ શાસન રહ્યુ છે. ગુજરાત ગુમાવવુ ભાજપને કોઈ કાળે પોસાય તેમ નથી તેથી ગુજરાતમાં જીતવા માટે પાર્ટી અને સરકાર તમામ તાકાત કામે લગાડે તે સ્વભાવિક છે. અત્યારે ભાજપ માટે સંઘર્ષમય જણાતા વાતાવરણમાં પલ્ટો લાવવાની તરકીબો વિચારાઈ રહી છે. ભૂતકાળમાં ભાજપને જીતાડવા માટે જે સોશ્યલ મીડીયાએ અગત્યની ભૂમિકા ભજવી હતી તે જ સોશ્યલ મીડીયામાં અત્યારે ભાજપ વિરૂદ્ધ પ્રચારનો મારો ચાલી રહ્યો છે. ગાંડા વિકાસનો જવાબ આપવાથી નકારાત્મક પ્રચારનું મહત્વ વધી જાય તે જાણતા હોવા છતા ભાજપના જવાબદાર ટોચના નેતાઓ જવાબી હુમલા કરી રહ્યા છે તે સૂચક છે. અત્યારના પ્રચારમાંથી ભાજપને નજીકના ભવિષ્યમાં ફાયદો લેવાનુ ગણિત હોય તે અશકય નથી.

   ભાજપને અનેક પડકારજનક ચૂંટણીઓ જીતવાનો અનુભવ અને આવડત છે. ગુજરાતમાં હજુ મતદાન આડે બે થી ત્રણ મહિનાનો સમય છે. રાજકીય સમીકરણ બદલવા માટે આટલો સમય ઓછો ન ગણાય. ચૂંટણી પૂર્વે લોકલાગણી એક તરફી થઈ જાય તેવી ઘટના, યોજના, પ્રચાર  કે પાસાની સંભાવના રાજકીય સમીક્ષકો નકારતા નથી. ભૂતકાળમાં ગોધરાકાંડ પછી ભાજપને ભરપૂર રાજકીય ફાયદો મળ્યો હતો. ભાજપના નેતાઓ કોઈપણ મુદ્દાને પકડીને ચગાવવા માટે સક્ષમ છે. સોનિયા ગાંધીએ ગુજરાતના પ્રચાર વખતે ઉચ્ચારેલ મોત કા સૌદાગર શબ્દને પકડીને ભાજપે વાતાવરણ પોતાના તરફી બનાવવાની અસરકારક કામગીરી કરી હતી. રામ મંદિર નિર્માણના અભિયાન વખતે પણ ભાજપને જોરદાર ફાયદો થયો હતો. પાકિસ્તાન સામેના ઢીલા વલણ વખતે કેન્દ્ર સરકારની જોરદાર ટીકા થવા લાગેલ પરંતુ થોડા સમય પછી સર્જીકલ સ્ટ્રાઈક કરી સરકારે લોક માનસમાં જબરો બદલાવ લાવી દીધો હતો.

   ધારાસભાની ચૂંટણી વખતે ગાંડો વિકાસ, મોંઘવારી, નોટબંધી તેમજ જીએસટીની વિપરીત અસર, કાળાનાણાનો મુદ્દો, ભ્રષ્ટાચાર, પાટીદાર અનામત આંદોલન, કાયદો વ્યવસ્થાની સ્થિતિ, બેરોજગારી, મોંઘવારી વગેરે મુદ્દા એક બાજુ રહી જાય અને નવો ઉદભવનાર સંભવિત કોઈ મુદ્દો પકડાઈ જાય તેવી ધારણા રાજકીય રસિકો રાખી રહ્યા છે. ભાજપ માટે અઘરા ગણાતા મુદ્દાઓને ધોઈ શકે તેવા કોઈ મોજાની કલ્પના થઈ રહી છે. રાજકારણમાં ગમે ત્યારે સમીકરણો બદલાતા હોય છે. ગુજરાતમાં અત્યારે છે તેવુ જ વાતાવરણ રહેશે કે પરિવર્તન આવશે ? તે બાબત અત્યારે કલ્પનાનો વિષય છે.

   એક નઝર ઈધર ભી

   એક તબેલામાં ગધેડા ભરેલા હતા. જેમાં માત્ર એક ઘોડો હતો. ચાર-પાંચ દેશના પ્રતિનિધિઓ વચ્ચે ઘોડો શોધવાની સ્પર્ધા હતી. અન્ય દેશના પ્રતિનિધિઓએ અંદર જઈને પ્રયાસ કર્યો પણ ગધેડાઓના સમુહ વચ્ચેથી ઘોડો શોધી ન શકયા. આખરે એક લોકશાહી દેશના પ્રતિનિધિ અંદર ગયા અને તુરત ઘોડો શોધીને બહાર આવ્યા.

   અન્ય દેશવાળાઓએ ઘોડો કેવી રીતે શોધ્યો ? તે પૂછયુ ત્યારે ઘોડો શોધનાર પ્રતિનિધિએ કહ્યું 'મેં અંદર જઈને કહ્યુ 'અચ્છે દિન' આને વાલે હૈ, આ સાંભળીને બધા ગધેડા નાચવા લાગ્યા એટલે હું ઘોડો લઈને બહાર આવી ગયો !  

 (04:48 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS