Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સામે ચોતરફથી ઉઠતો વિરોધ શૈલેષ પરમાર, હિંમતસિંહ, પ્રદિપ દવેનો બળાપો !

આગ હે લગી હુઇ, હર તરફ યહા-વહા, જલ રહી હે યે જમી, જલ રહા હે આસમાન !! : અમદાવાદ શહેરમાં વોર્ડ પ્રમુખની વરણી અટકાવાઇઃ ચેતન રાવલ ઉપર રાજકુમારને ગોઠવતા શહેર પ્રમુખ પણ નારાજ ! : સોચી સમજી સાજીસ ?

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સામે ચોતરફથી ઉઠતો વિરોધ શૈલેષ પરમાર, હિંમતસિંહ, પ્રદિપ દવેનો બળાપો !

   રાજકોટ, તા. ૧૩ :. નોટબંધી, જીએસટી, પાટીદાર આંદોલન સહિતની બાબતોએ કોંગ્રેસ માટે બાવીસ વર્ષે પુત્ર જન્મ થાય તેવો અવસર છે પરંતુ જાણે કે સત્તા આવી જ ગઈ હોય તેમ વિજય પહેલા જ જીતનો પ્યાલો વધુ એક વખત ઢોળી નાખવા કોંગ્રેસીઓ અધીરા થયા હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે. સાગર રાયકાએ દિલ્હી હાઈકમાન્ડને રાજીનામા પત્ર મોકલી દઈને પ્રદેશ પ્રમુખ સામે સ્ફોટક મોરચો માંડયો છે ત્યારે ગઈકાલે અમદાવાદમાં સંગઠનની વરણી બાબતે હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમારે પણ અવગણના અને જોહુકમીના મુદ્દે પ્રમુખ તથા પ્રભારી સમક્ષ બળાપો ઠાલવ્યાના વાવડ મળે છે.

   આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ, વઢવાણ તથા લખતર તાલુકાના સંગઠન મુદ્દે પણ જો યોગ્ય નિર્ણય નહી લેવાય તો જોયા જેવી થશે તેવો બળાપો પણ પ્રદેશ કારોબારી સભ્ય પ્રદીપ દવે (બકાલાલ)એ પ્રભારી અશોક ગેહલોત સમક્ષ ઠાલવ્યાના વાવડ પણ મળી રહ્યા છે.

   અમદાવાદ શહેરમાં સંગઠન અને વોર્ડ પ્રમુખોની વરણીમાં શહેર પ્રમુખ તથા પ્રદેશ પ્રમુખે જાણી જોઈને અહેમદભાઈ પટેલના જુથના મનાતા સીનીયર કોંગ્રેસી હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમારની અવગણના કરી રહ્યાનો બળાપો પ્રદેશ પ્રમુખ તથા પ્રભારી અશોક ગેહલોત સમક્ષ ઠાલવ્યાનું કોંગી વર્તુળોમાં ચર્ચાય છે.

   દરમ્યાન એમ પણ જાણવા મળે છે કે, અમદાવાદ શહેરના સીનીયર અગ્રણી હિંમતસિંહ પટેલ, શૈલેષભાઈ પરમાર સહિતના લોકોના વિરોધના પગલે હાલતૂર્ત અમદાવાદ શહેરના વોર્ડ પ્રમુખોની વરણીને અટકાવી દેવાઈ છે.

   આશ્ચર્યની વાત તો એ છે કે શહેર પ્રમુખ ચેતન રાવલની ઉપર કો-ઓર્ડીનેશનમાં રાજકુમાર ગુપ્તાને ગોઠવી દેવાતા ચેતનભાઈ પણ થોડા નારાજ ચાલી રહ્યાનું ચર્ચાય છે.

   જીતેન્દ્રની જાણીતી ફિલ્મનું એક ગીત છે 'આગ હે લગી હુઇ, હર તરફ યહા વહા, જલ રહી હે યે જમી, જલ રહા હે આસમાન' મુજબ હાલ તો વાઘેલા જુથના જવા છતાં ફરી કોંગ્રેસમાં જુથબંધીનો ભોરીંગ માથુ ઉંચકી રહ્યાનું મનાય છે.

   પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિરૂધ્ધ ધીમે-ધીમે ચોતરફથી વિરોધ વંટોળ ઉઠી રહ્યા છે. ધીમે-ધીમે શરૂ થયેલો આ વિરોધ વંટોળ રોદ્ર સ્વરૂપ પકડે તો નવાઇ નહી તેમ જાણકારો ચર્ચી રહ્યા છે.

   પ્રદેશ પ્રમુખ સામે રાહુલ ગાંધીની અમદાવાદ યાત્રા અગાઉ જ ચણભણાટ શરૂ થઇ ગયો હતો ત્યારે જાણકારો આ વિરોધને 'સોચી સમજી સાજીસ' હોવા અંગે પણ શંકાની નજરે જોઇ રહ્યા છે.

 (04:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS