Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

સુરેશ મહેતા ઇર્ષાથી પીડાઇ છે એટલે નર્મદાના નામે પાણીમાંથી ‘પોરા' કાઢે છે

પૂર્વ મુખ્‍યમંત્રીને ભાજપના પ્રવકતા ભરત પંડયાનો આકરો જવાબ

સુરેશ મહેતા ઇર્ષાથી પીડાઇ છે એટલે નર્મદાના નામે પાણીમાંથી ‘પોરા' કાઢે છે

   અમદાવાદ તા. ૧૩ : નર્મદા યોજના સામેના નિવેદનની પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડયાએ જણાવ્‍યું હતું કે, સુરેશ મહેતા પાણી માંથી પોરા કાઢવાનું કામ કરી રહ્યાં છે. ચુંટણી આવે ત્‍યારે નિવેદન કરવા આવી જાય છે. નર્મદા યોજનાનું પવિત્ર કામ છે. આ પવિત્ર કામમાં શંકા, કુશંકા કરીને હવનમાં હાડકા ન નાંખવા જોઈએ. કોંગ્રેસે જે તે સમયે મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, મહારાષ્ટ્રની સરકારોએ અડચણો ઊભી કરી હતી. કોંગ્રેસની યુ.પી.એ. સરકારે ૧૦ વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજાની મંજૂરી ન આપી તે વખતે શ્રી મહેતા ક્‍યાં હતાં. કોંગ્રેસની સામે પ્રશ્નો કે નિવેદનો પૂછવાને બદલે ભાજપ સામે પૂછી રહ્યાં છે તે નિંદનીય છે.

   શ્રી પંડયાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતની જનતા જાણે છે કે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી બન્‍યાં તેના ૧૭ દિવસે નર્મદા ડેમની દરવાજાની મંજૂરી આપી હતી. જે કોંગ્રેસના ૧૦ વર્ષના શાસનકાળમાં મળી ન હતી. તત્‍કાલિન મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નર્મદા અને ગુજરાત માટે અડીખમ નેતૃત્‍વ પૂરૂં પાડીને સંદ્યર્ષ કર્યો છે.નર્મદા માટે મુખ્‍યમંત્રી તરીકે ઉપવાસ પર પણ બેઠાં હતાં. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આ નર્મદા યોજનાને વિરોધના વમળો માંથી બહાર કાઢીને વિકાસના વહેણ સુધી વહેતી કરી છે. કેવડીયા થી કચ્‍છ સુધી નર્મદાના નીર આ ગુજરાતના વીરે પહોંચાડ્‍યા છે. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કર્તૃત્‍વ-નેતૃત્‍વ અને વ્‍યક્‍તિત્‍વની ઈર્ષ્‍યામાં શ્રી મહેતા પીડાઈ રહ્યાં છે.

   નર્મદા ડેમનું કામ ભાજપે જ પૂર્ણ કર્યું છે અને નહેરોનું કામ પણ ભાજપ જ પૂર્ણ કરી શકશે. જેણે નર્મદાને સતત રોકવાનું પાપ કર્યું છે. તે કોંગ્રેસ સ્‍વપ્‍નમાં પણ કયારેય ગુજરાત હિત, વિકાસ, ગૌરવ માટે વિચારી શકતી નથી. જે તે સમયની કોંગ્રેસની રાજય સરકારો તેમજ તે સમયની કોંગ્રેસની કેન્‍દ્ર સરકારના મંત્રી સૈફુદીન ખોજથી લઈને હમણાં રાજય સભામાં દિગ્‍વીજયસિંહ અને લોકસભામાં જયોતિરાદિત્‍ય સિંધિયાએ નર્મદા ડેમના દરવાજા બંધ થયા પછી પણ સતત નર્મદા યોજનાને અટકાવવાના કામ કરી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ગુજરાત વિરોધી અને નર્મદા વિરોધી તત્‍વો સાથે મળીને ગુજરાતનું અહિત થાય તે માટે ઉશ્‍કેરી રહ્યાં છે.

 (01:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS