Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

‘વિકાસ' મુદ્દો ચૂથાઈ ગયોઃ હવે મોદી જ ભાજપના તારણહાર

શાસકો જે મુદ્દે ચૂંટણી લડવા માંગે છે તે મુદ્દે ખોંખારાના બદલે ખૂલાસાની સ્‍થિતિ સર્જાઈ ગઈ

‘વિકાસ' મુદ્દો ચૂથાઈ ગયોઃ હવે મોદી જ ભાજપના તારણહાર

   રાજકોટ, તા. ૧૩ :. સમગ્ર દેશનું ધ્‍યાન ખેંચનારી  બની રહેનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિકાસના મુદ્દે અત્‍યારે ભાજપની સ્‍થિતિ ડામાડોળ થઈ ગઈ છે. ભૂતકાળમાં વિકાસના નામ પર અનેક ચૂંટણીઓ જીતનાર ભાજપ આ વખતની ગુજરાતની ચૂંટણી પણ વિકાસના નામ પર લડવા અને જીતવા માગે છે પરંતુ કેટલાક છેલ્લા દિવસોથી વિકાસ ગાંડો થયો છે' તે મતલબનો નકારાત્‍મક પ્રચાર શરૂ થતા ભાજપ માટે કપરી પરિસ્‍થિતિ થઈ ગઈ છે. શાસકો જે મુદ્દે ખોંખારીને ચૂંટણી લડવા માગે છે તે જ મુદ્દો રાજકીય રીતે ચૂથાઈ જતા ભાજપ માટે ખોંખારાના બદલે ખુલાસાની સ્‍થિતિ આવી ગઈ છે.

   રાજ્‍ય અને કેન્‍દ્રની ભાજપની સરકારે ખૂબ વિકાસ કર્યો છે તેથી વિકાસના નામે ભાજપને મબલખ મત મળવાપાત્ર છે તેવી દલીલ અત્‍યાર સુધી અસરકારક રહેલ પરંતુ વિકાસની આગળ ગાંડો શબ્‍દ જોડાઈ જતા સ્‍થિતિમાં ઘણો ફેરફાર થઈ ગયેલ છે. સોશ્‍યલ મીડીયામાં વિકાસ ગાંડો થયાના કટાક્ષયુકત લખાણ અને તસ્‍વીરો મોટા પ્રમાણમાં ફરી રહી છે જે મોટા ભાગે ભાજપ વિરૂદ્ધ છે. વિકાસના નામે પ્રચારના અતિરેકનો આકરો પ્રત્‍યાઘાત ભાજપ સામે આવી રહ્યો છે. સોશ્‍યલ મીડીયાના પ્રચારને      ભાજપે અપપ્રચાર ગણાવ્‍યો છે. વોટસએપ મેસેજ પર ભરોસો ન કરવા ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ખુદ અમિત શાહે અપીલ કરવી પડી તેટલી હદે પરિસ્‍થિતિ પહોંચી ગઈ છે.

   વિકાસની રાજનીતિ ભૂતકાળની જેમ આ વખતે પણ ભાજપને ફળશે તેવી આશા હતી પરંતુ સોશ્‍યલ મીડીયા અને ત્‍યાર બાદ પ્રિન્‍ટ મીડીયા તથા ઈલેક્‍ટ્રોનીક મિડીયામાં ગાંડા વિકાસવાળી વાત ઝડપથી વહેતી થતા ભાજપ માટે બચાવની સ્‍થિતિ આવી છે. કોંગ્રેસ સહિતના રાજકીય વિરોધીઓની જાળમાં ભાજપ પહેલી વખત ફસાયો હોય તેવુ સમીક્ષકોનું તારણ છે. પોતાની સરકારના વિકાસ કામો વર્ણવવાના બદલે વિકાસ ગાંડો થયાનો જે પ્રચાર ચાલી રહ્યો છે તે વાસ્‍તવિક નથી તેવો ભાજપના નેતાઓએ બચાવ કરવો પડે છે. ગાંડા વિકાસ બાબતે ખુદ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વગેરે રાજકીય વિરોધીઓ પર જવાબી હુમલા કરી રહ્યા છે. સામાન્‍ય રીતે કોંગ્રેસ સહિતના રાજકીય વિરોધીઓ પર આક્રમણ કરતા રહેતા ભાજપના નેતાઓએ ગાંડા વિકાસની બાબતમાં ખુલાસા કરતા થઈ જવુ પડયુ છે. એક તરફ સરકાર વિકાસના દાવા કરે છે, બીજી તરફ બિસ્‍માર રસ્‍તા, મોંઘવારી, ગેરવહીવટ, ભાજપના વચનો વગેરે બાબતે ગાંડો વિકાસ શબ્‍દને જોડી સરકાર વિરોધી જોરશોર પ્રચાર ચાલી રહ્યો છે. વિકાસ ગાંડો થયાનું વિધાન લોકમુખે થઈ ગયુ છે.

   મતદાનને હજુ બે મહિનાથી વધુ સમયની વાર છે. રાજકીય વહેણ અને વાતાવરણ ગમે ત્‍યારે બદલી શકે છે. આ જ વાતાવરણ યથાવત રહે તો ભાજપ માટે વિકાસ શબ્‍દ બોલવાનું અઘરૂ થઈ જશે. અત્‍યારના સંજોગોમાં ગુજરાતમાં જીતવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી પરનો ભાજપનો મદાર વધી જશે. ચૂંટણી પહેલા તેમણે વારંવાર ગુજરાત આવી જાહેર કાર્યક્રમો કરવા પડશે. ભાજપ માટેની પડકાર રૂપ પરિસ્‍થિતિમાં મોદીનો જાદુ મોટો ફાયદો કરાવી શકે તેવી ભાજપના કાર્યકરોને આશા છે. ચૂંટણી જીતવા માટે ગુજરાત ભાજપના નેતાઓની મર્યાદાને કાર્યકરો અને પ્રજા જાણે છે. વિકાસનો મુદ્દો ચૂથાઈ ગયો હોવા છતા મોદી ભાજપના તારણહાર બની શકે તેવી ભાજપના શુભેચ્‍છકોની આશા અમર છે.

   એક નઝર ઈધર ભી

   સરકારી કાર્યક્રમોમાં અમર્યાદિત પ્રમાણમાં રોકી લેવાતી એસ.ટી. બસ સંદર્ભે વોટસએપમાં ફરતો કટાક્ષ.

   જાહેરખબર

   જે લોકોએ એસ.ટી. બસમાં બહારગામ જવુ હોય તેમણે બસ ડેપોમાં ફોન કરીને પૂછવું આજે બસ આવવાની છે કે વિકાસની જાનમાં ગઈ છે?'

 (01:01 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS