Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

ભરતસિંહ સોલંકી સામે સાગર રાયકાનો ‘સ્‍ફોટક' મોરચો !!

કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયતોમાં બેફામ ભ્રષ્‍ટાચાર અને માનીતા અને ગેરલાયકોને હોદાની લ્‍હાણીના ગંભીર આક્ષેપો : રાહુલ ગાંધી સમક્ષ ‘આકરી' લેખીત રાવ, સોલંકી સાથે બેસાડી દેવાની વાત પણ ફગાવી : ૨૨મીએ રાહુલજીને ચોંકાવનારી વિગતો વર્ણવી જવાબ માંગશે, નહીં તો આમરણાંત ઉપવાસ : મારે કોઈ ટીકીટ નથી જોઈતી, માત્ર કોંગ્રેસની આબરૂ બચાવવાની લડતઃ ભારે ખળભળાટ

ભરતસિંહ સોલંકી સામે સાગર રાયકાનો ‘સ્‍ફોટક' મોરચો !!

   રાજકોટ, તા. ૧૩ : કોંગ્રેસમાં એક સાંધે ત્‍યાં તેર તૂટે તેવી પરંપરા સદાય ચાલતી આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બદલાવવાની રાજહઠ લીધા બાદ અંતે શંકરસિંહજી વાઘેલા કોંગ્રેસ મુકત થયાના આફટર શોક હજુ ચાલી રહ્યા હતા ત્‍યાં જ પ્રદેશ ઈલેકશન કમિટીના સભ્‍ય અને કોંગ્રેસના સિનીયર પ્રદેશ આગેવાન સાગર રાયકાએ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે જબરદસ્‍ત આક્ષેપો કરીને આકરો મોરચો માંડતા ભારે ચકચાર જાગી છે.

   સૌથી ચોંકાવનારી વાત તો એવી જાણવા મળે છે કે, પૂર્વ સાંસદ અને કોંગ્રેસની સરકારમાં જીઆઈડીસીના ચેરમેન રહી ચુકેલા ૬૪ વર્ષીય સિનીયર કોંગ્રેસી આગેવાન સાગર રાયકાએ કોંગી ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધીને ગંભીર આક્ષેપોવાળા પત્રો લખ્‍યા છે અને ૨૨મીએ રાહુલજી ગુજરાત આવી રહ્યા છે ત્‍યારે રૂબરૂ મળીને રજુઆત કરશે અને જો યોગ્‍ય પ્રત્‍યુત્તર નહી મળે તો પ્રદેશ સમિતિ કાર્યાલય ખાતકે આમરણાંત ઉપવાસ પણ કરશે.

   સાગર રાયકાએ એવા ચોંકાવનારા આક્ષેપો કર્યા છે કે, તાજેતરમાં જે ૭૦ લોકોને હોદાઓની લ્‍હાણીઓ કરાઈ છે તેમાથી અમુક તો નિમણૂક સાવ અર્થહિન અને અંગત માનીતાઓની છે. જે કોંગ્રેસ માટે ભારે નુકશાનકર્તા સાબિત થશે.

   આ ઉપરાંત તેમનુ માનવુ છે કે, ગત જીલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં જ્‍યાં જ્‍યાં કોંગ્રેસનું શાસન આવ્‍યુ છે ત્‍યાં બેફામ ભ્રષ્‍ટાચાર આદરાયો છે અને આ રકમ અંગત મોજશોખમાં પણ વાપરવામાં આવી છે.

   સાગર રાયકા એવુ પણ અંગત સમર્થકોમાં ચર્ચી રહ્યા હોવાનું કહેવાય છે કે જીલ્લા પંચાયતોનું શાસન પાટીદારોના પ્રેમ અને તેમની ભાજપ પ્રત્‍યેની સુગના કારણે આવી છે. શાસનમાં ભ્રષ્‍ટાચાર કરવાના પીળા પરવાના માટે નથી આવી?

   કોંગી વર્તુળોમાં એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે સાગર રાયકા દ્વારા રાહુલ ગાંધીને લખાયેલા પત્રમાં ભ્રષ્‍ટાચાર અને ગેરલાયક લોકોને હોદાની લ્‍હાણી ઉપરાંત હાલમાં જે ચોંકાવનારા આક્ષેપો થયા હતા તેવા પ્રકરણોનો ઉલ્લેખ કરાયો છે. જો કે આ વાતને સત્તાવાર સમર્થન મળતુ નથી.

   સાગર રાયકા અને તેમના નજીકના વર્તુળો એવુ પણ ચર્ચી રહ્યા છે કે સાગર રાયકાને કોઈ ટીકીટ જોઈતી નથી પરંતુ કોંગ્રેસની આબરૂનું જાહેર લીલામ થઈ રહ્યુ છે તે અટકાવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે.

   કોંગી વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો ૨૨મીએ ગુજરાત આવતા રાહુલજીને સાગર રાયકા મળી શકે છે અને જો યોગ્‍ય ઉત્તર ન મળે તો તૂર્ત જ કોંગ્રેસ સમિતિના કાર્યાલય રાજીવ ભવન' ખાતે તેઓ આમરણાંત ઉપવાસના મંડાણ કરશે.

   જીલ્લા પંચાયતોના ભ્રષ્‍ટાચારનો જવાબ આપો, ચારિત્ર્યવાન કોંગ્રેસનું નિર્માણ કરો, જોહુકમી બંધ કરો, કોંગ્રેસની આબરૂનું ધોવાણ બંધ કરો વિગેરે સુત્રોચ્‍ચારોવાળા બેનરો પણ તૈયાર હોવાનું ખાનગીમાં જાણવા મળી રહ્યુ છે. એક જુથ એવુ પણ ચર્ચી રહ્યુ છે કે ભ્રષ્‍ટાચાર અને આડેધડ હોદાની લ્‍હાણી ઉપરાંત છાના આક્ષેપો કોંગ્રેસમાં ધરતીકંપ સર્જી શકે છે.

   કોંગ્રેસનો ગુજરાતનો હવાલો સંભાવનાી અમુક આગેવાનો એ સાગર રાયકા જુથને પ્રમુખ જુથ સાથે બેસાડી દેવાની ઓફર કરી હોવાનું પરંતુ અમુક ચોક્કસ લોકો પોતાની સાથે બેસવાની લાયકાત ધરાવતા ન હોવાની ચોંકવનારી વાત કરીને આ ઓફર ફગાવી દેવાયાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. આગામી દિવસોમાં કોંગ્રેસમાં સાગર રાયકાની બગાવતની લડાઈ સ્‍ફોટક સ્‍થિતિ સર્જે તો નવાઈ નહી તેમ રાજકીય નિરિક્ષકો માની રહ્યા છે.

 (12:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS