Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

મગફળીનો વિક્રમી પાક છતાં સિંગતેલમાં મિલરોની કાર્ટેલથી ભાવ ઊંચા

ગુજરાતમાં મગફળીનું ઉત્‍પાદન ૨૭ થી ૩૦ લાખ ટન વચ્‍ચે થાય તેવો વેપારી અંદાજ

   અમદાવાદ તા.૧૩: ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનાં પાકનાં ઊજળા ચીત્રને પગલે સિંગતેલ ખાનારાઓ આનંદમાં આવી ગયાં છે કે ચાલુ વર્ષે સિંગતેલ સસ્‍તુ મળશે, પરંતુ આ આશા ઠગારી નીકળે તેવી સંભાવનાં છે. સૌરાષ્‍ટ્રમાં મગફળીનાં ભાવ હાલ વિક્રમી તળિયે પહોંચ્‍યાં હોવા છતા પણ તેલનાં ભાવ પ્રમાણમાં ઓછા ઘટયાં છે. બજાર સૂત્રો કહે છે કે ઓઇલ મિલરો-તેલીયાં રાજાઓની કાર્ટેલને પગલે ગ્રાહકોને સિંગતેલ સસ્‍તુ મળવું મુશ્‍કેલ લાગી રહ્યું છે.સૌરાષ્‍ટ્રનાં માર્કેટિંગ યાર્ડોમાં જૂની મગફળીનાં ભાવ ૨૦ કિલોનાં હાલ રૂ.૫૫૦ થી ૬૫૦ની વચ્‍ચે ચાલી રહ્યાં છે. નવી મગફળીની આવકો પણ હવે ધીમી ગતિએ અમુક સેન્‍ટરોમાં શરૂ થઇ ગઇ છે. સમયસર સારા વરસાદને પગલે મગફળીનું વિક્રમી ઉત્‍પાદન થવાનાં અંદાજો મૂકાય રહ્યાં છે, જેને પગલે સિંગતેલ પણ સસ્‍તુ થવાની આશા ગ્રાહકો રાખી રહ્યાં છે.

   ગુજરાત સરકારનાં અંદાજ પ્રમાણે રાજ્‍યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્‍પાદન ૩૨.૬૫ લાખ ટન થાય તેવી ધારણાં છે, જે ગત વર્ષ ૨૭.૩૯ લાખ ટન થયું હતું. જ્‍યારે વેપારીઓનાં અંદાજ પ્રમાણે ચાલુ વર્ષે મગફળીનો પાક ૨૭ થી ૩૦ લાખ ટનની વચ્‍ચે આવે તેવી ધારણાં છે.

   મગફળીનાં વિક્રમી ઉત્‍પાદનને કારણે સિંગતેલનાં ભાવ પણ આગામી દિવસોમાં ઘટે તેવી ધારણાં છે. સિંગતેલ ડબ્‍બાનો ભાવ હાલમાં અમદાવાદ શહેરમાં ૧૫ કિલોનાં રૂ.૧૪૪૦ થી ૧૪૬૦ છે.જેમાં છેલ્લા એક મહિનામાં આશરે રૂ.૧૦૦નો ઘટાડો થયો છે.

   સિંગતેલમાં લૂઝ - રિટેલ ભાવમાં જમીન - આસમાનનો ફરક

   સિંગતેલનાં મુખ્‍ય બ્રાન્‍ડવાળાએ આજે સૌરાષ્‍ટ્રમાં ૧૫ કિલોનાં રૂ.૧૧૫૫નાં ભાવથી લૂઝ તેલની ખરીદી કરી હતી, જેનાં ઉપર પાંચ ટકા જીએસટી ગણવામાં આવે તો આ તેલની પડતર રૂ.૧૨૧૨  થાય છે, જેમાં ભાડું કે નફો ગણીએ તો પણ ગ્રાહકોને ડબ્‍બો રૂ.૧૩૦૦માં પડવો જોઇએ, જેની તુલનાએ અમદાવાદમાં રૂ.૧૪૫૦ જેવા ભાવ લેવાય રહ્યાં છે. ગુજરાતમાં ગણ્‍યાંગાઠયા જ ઓઇલ મિલરો હોવાથી મનફાવે તેવા ભાવ ગ્રાહકો પાસેથી વસૂલે છે તેમ સૂત્રોએ જણાવ્‍યું હતું.

    

 (10:49 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS