Mukhy Samachar

News of Sunday, 13th August, 2017

શહેર પોલીસને મોટી સફળતા મળીઃ હેડ પોસ્‍ટ ઓફિસમાં હત્‍યા અને લૂંટના પ્રયાસના ૪ આરોપીને દબોચ્‍યાઃ ચહેરા નહોતા દેખાતા, હાલવા-ચાલવાની રીત અને પગના ચપ્‍પલ સીસીટીવી ફૂટેજમાં દેખાતાં તેના આધારે ગુનેગારોને શોધી કાઢયા

છ મહિનાથી પ્‍લાન ઘડતા હતાં: પોસ્‍ટ ઓફિસની બાજુમાં જ ચાના થડે કામ કરી ચુકેલો દિપ ખીરાણી સુત્રધારઃ તેણે મિત્રો મુંબઇના રફીક, સદામ અને મહમદ ઉર્ફ જોન સાથે મળી અંજામ આપ્‍યો'તો : ગેસ ખુટી ન ગયો હોત તો કરોડો રૂપિયા ઉસેડીને અજમેર ભાગી જવાના હતાં : પોલીસ કમિશ્નર શ્રી ગેહલોત, જોઇન્‍ટ પોલીસ કમિશ્નર શ્રી ભટ્ટ અને ડીસીપી ઓડેદરાએ આપી વિગતો

શહેર પોલીસને મોટી સફળતા મળીઃ હેડ પોસ્‍ટ ઓફિસમાં હત્‍યા અને લૂંટના પ્રયાસના ૪ આરોપીને દબોચ્‍યાઃ ચહેરા નહોતા દેખાતા, હાલવા-ચાલવાની રીત અને પગના ચપ્‍પલ સીસીટીવી ફૂટેજમાં દેખાતાં તેના આધારે ગુનેગારોને શોધી કાઢયા

   હત્‍યા-લૂંટની કોશિષની ઘટનાના ડિટેક્‍શનની વિગતો જણાવતાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જોઇન્‍ટ પોલીસ કમિશ્નર ડી.એસ. ભટ્ટ, ડીસીપી સુબોધ ઓડેદરા તથા બાજુમાં પી.આઇ. વી.એન. યાદવ જોઇ શકાય છે. નીચેની તસ્‍વીરોમાં ચારેય આરોપીઓ અને સીસીટીવી ફૂટેજ જોઇ શકાય છે. આ ફૂટેજમાં દેખાતા ચપ્‍પલ અને હાલવા-ચાલવાની રીતને કારણે બે મુખ્‍ય આરોપીને ઓળખવામાં પ્ર.નગર પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પી.એસ.આઇ. એચ. એમ. રાણા, પી.એસ.આઇ. જે. બી. ખાંભલા અને ટીમને સફળતા મળી હતી. બાદમાં બીજા બે આરોપી પણ પકડાઇ ગયા હતાં.

   રાજકોટઃ ગયા બુધવારે મોડી રાત્રે શહેરની હેડ પોસ્‍ટ ઓફિસમાં લૂંટારૂઓએ ત્રાટકી વોચમેન ભરતસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.૫૩-રહે. નંદનવન સોસાયટી જામનગર રોડ)ને સિક્‍યુરીટી ગાર્ડની રૂમમાં જ ગળુ કાપી ક્રુર હત્‍યા કરી પોસ્‍ટ ઓફિસમાં પહેલા માળે પહોંચી ગેસ કટરથી તિજોરી કાપી લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ ગુનાનો ભેદ શહે રપોલીસે ઉકેલી નાંખી ચાર શખ્‍સો  મુંબઇના મલાડ વેસ્‍ટ , ગરીબ નવાઝ ચાલના રહેવાસી અને હાલ સદર ખાટકીવાસમાં ઇદગાહ મસ્‍જીદ પાસે રહેતાં રફિક જમાલભાઇ કટારીયા, સદામ સમશેર કાથરોટીયા, ભીલવાસ સામે રહેતાં દિપ યુસુફ ખીરાણી અને મહમદ ઉર્ફ જોન રજાકભાઇ તાલબ (રહે. ભીલવાસ-૪)ને દબોચી લીધા છે. આ ચારેય છ મહિનાથી લૂંટનો પ્‍લાન ઘડી રહ્યા હતાં. દિપ અગાઉ પોસ્‍ટ ઓફિસની બાજુમાં જ ચાના થડે કામ કરતો હોઇ તે તિજોરી ક્‍યાં છે, રૂપિયા ક્‍યાં હોય છે તેનાથી વાકેફ હતો. પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્‍યા હતાં તેમાં ચહેરા દેખાતા નહોતા. હલન-ચલનની સ્‍ટાઇલ અને પગના સ્‍લીપરને આધારે અનેક ફૂટેજ ચેક કરાયા હતાં. જેના આધારે ગત સાંજે ભીલવાસમાંથી બે શકમંદ ઝપટે ચડી ગયા બાદ બાકીના બેને પકડી લઇ ભેદ ઉકેલી નાંખ્‍યો છે.

   પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી સુબોધ ઓડેદરા, એસીપી હર્ષદ પટેલ, એસીપી હર્ષદ મહેતા, એસીપી બી.ડી. જોષી, ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી, પ્ર.નગર પી.આઇ. પી.એન. વાઘેલા, એ-ડિવીઝન પી.આઇ. વી. એન. યાદવ સહિતે ટીમો બનાવી પી.એસ.આઇ . એચ. એમ. રાણા, જે. બી. ખાંલભા, એલ.એલ. ચાવડા , કે. જે. ધડુક સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આજે પ્રેસ કોન્‍ફરન્‍સમાં સમગ્ર ડિટેક્‍શનની વિગતો પોલીસ કમિશ્નર શ્રીએ આપી હતી.

   શ્રી ગેહલોતે જણાવ્‍યું હતું કે ગુનાનો ભેદ ઉકેલવા પોસ્‍ટ ઓફિસ કમ્‍પાઉન્‍ડના સીસીટીવીના ફુટેજ તથા આસપાસની દૂકાનો, શો રૂમના કેમેરાના ફુટેજો મેળવ્‍યા હતાં. બાદમાં પોલીસની ટીમોએ સીસીટીવીમાં દેખાતી બ્‍લુ રંગની સીટવાળી ઓટો રિક્ષા શોધવા તપાસ કરી હતી. દરમિયાન એક રિક્ષા રેઢી મળી આવી હતી. તેમાં નિર્ભય સવારીનું ટ્રાફિક પોલીસનું બેનર હોઇ તેના આધારે માલિકને શોધી કાઢી તપાસ કરતાં રિક્ષા હત્‍યા-લૂંટના બનાવની આગલી રાતે જ ચોરી થયાની ખબર પડી હતી.

   બાદમાં ગેસના બાટલાના લેબરલ પરથી સપ્‍લાયરને શોધી તેના આધારે ગેસ વેલ્‍ડરની કેબીનના માલિકને શોધી કાઢેલ. આ બાટલા મગન વરૂની ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટની કેબીનમાંથી ૬/૮ના ચોરાયાનું ખુલ્‍યું હતું.  રિક્ષા તથા બાટલાની ચોરી અંગે પ્ર.નગર  અને એ-ડિવીઝનમાં અલગ ગુના નોંધાયા હતાં. દરમિયાન પ્ર.નગર પોલીસે રિક્ષા બહુમાળી પાસેથી રેઢી શોધી લીધી હતી.

   ત્‍યાર પછી સીસીટીવી ફૂટેજમાં દેખાતાં શખ્‍સોની હાલ-ચાલ અને તેણે પગમાં પહેરેલા ચપ્‍પલ-સ્‍લીપરને આધારે તપાસ શરૂ થઇ હતી. જુદા-જુદા સીસીટીવી ફૂટેજમાં દેખાતાં આ શખ્‍સો પૈકીના બે શખ્‍સો દિપ યુસુફ ઉર્ફ બટુકભાઇ ખિરાણી (ઉ.૧૯-રહે. સ્‍પેક્‍ટ્રમ કોમ્‍પલેક્ષ, ઇગલ પંપ સામે) તથા સદામ ઉર્ફ ગડો સમશેરભાઇ ઉર્ફ મચ્‍છર કાથરોટીયા (ખાટકી) (ઉ.૧૯-રહે. ઇદગાહ મસ્‍જીદ પાસે ઇગલ પંપ સામે) ભીલવાસમાં મળી આવતાં તેને સકંજામાં લઇ આકરી પુછતાછ થતાં બંનેએ પોતાની સાથે રફિક ખાટકી (રહે. ઇદગાહ મસ્‍જીદ પાસે) તથા મહમદ ઉર્ફ જોન રજાકભાઇ ઉર્ફ લીલી તાલબ (ઉ.૩૦-રહે. ભીલવાસ-૪) લૂંટ હત્‍યામાં સામેલ હોવાનું કબુલતાં ચારેયની ધરપકડ કરાઇ હતી.

   દિપ ખિરાણી મુખ્‍ય સુત્રધાર

   શ્રી અનુપમસિંહ ગેહલોતે જણાવ્‍યું હતું કે દિપ ખિરાણી અગાઉ પોસ્‍ટ ઓફિસ પાસે જ ચાની કેબીનમાં નોકરી કરતો હતો અને તે પોસ્‍ટ ઓફિસમાં લગભગ તમામ વિભાગમાં ચા આપવા જતો હોઇ તિજોરી ક્‍યાં છે તેનાથી સંપુર્ણ વાકેફ હતો. તેણે છ મહિના પહેલા જ પોસ્‍ટ ઓફિસમાં લૂંટ કરવાનો પ્‍લાન ઘડયો હતો અને આ માટે મુળ રાજકોટના પણ પાંચેક મહિના પહેલા મુંબઇ જતાં રહેલા રફિકને બોલાવી બાકીના બે મિત્રો સાથે મળી પ્‍લાન ઘડયો હતો. સોૈ પહેલા તો આ બધાએ મળી ૬/૭ના રોજ ગેસ કટર અને બાટલા ચોરી દિપના પિતાની વેલ્‍ડીંગ કામની દૂકાન કે જે ઇગલ પંપ સામે જ છે ત્‍યાં રાખી દીધા હતાં.

   બાદમાં ૮મીએ રિક્ષાની ચોરી કરી હતી. ત્‍યારબાદ પ્‍લાન ઘડી રાતના ૩ વાગ્‍યે  રિક્ષામાં ગેસના બાટલા, કટર લઇ દિપ અને સદામ પોસ્‍ટ ઓફિસ પહોંચ્‍યા હતાં. જ્‍યાં  આ બંને ગેઇટ ઠેંકીને કોયતા, છરી સાથે અંદર ઘુસ્‍યા હતાં. આ વખતે વોચમેન ભરતસિંહ જાગી જતાં અને પ્રતિકાર કરતાં જ સદામે ગળાના ભાગે કોયતાનો ઘા ઝીંકી દીધો હતો. તે પડી જતાં અને ફરી ઉભા થતાં સદામન કહેવાથી દિપે પણ હથીયારના ઘા ઝીંકી દીધા હતાં.

   આ વખતે રફિક બહાર વોચમાં ઉભો હતો. ત્‍યારબાદ દિપ અને સદામ ગેસના બાટલા સાથે તિજોરી રૂમ સુધી પહોંચેલ ૧૬ તાળા તોડીને પહોંચ્‍યા હતાં અને ગેસ કટરથી તિજોરી કાપવાનું શરૂ કર્યુ હતું. ત્‍યારબાદ દિપે સદામને નીચે મોકલી દીધેલ તે બહાર ઉભેલા રફીકના સંપર્કમાં હતો. કોઇ જોખમ ઉભુ થાય તો ઇશારાથી રફિક જાણ કરે એટલે સદામ ઉપર જઇ દિપને જાણ કરવાનો હતો. પકડાઇ ન જાય તે માટે રફિકના કહેવાથી તમામે મોબાઇલના સિમ કાર્ડ કાઢી નાંખ્‍યા હતાં.

   પરંતુ મુખ્‍ય તિજોરી કે જેમાં કરોડો રૂપિયા હતાં તેનું એક પડ કપાઇ ગયા બાદ અંદર બીજુ જાડુ પડ હોઇ તે કાપવાની શરૂઆત કરે એ પહેલા જ ગેસ ખુટી જતાં બધા ખાલી હાથે બહાર નીકળી ગયા હતાં.

   બાદમાં દિપ અને સદામ ત્રીજા શખ્‍સ રફિકને રિક્ષામાં બેસાડી ફુલછાબ ચોકમાં ઉતારી દીધા બાદ લોકેશન કે સીસીટીવીમાં પકડાઇ ન જાય તે માટે શહેરના જુદા-જુદા વિસ્‍તારમાં એકાદ કલાક ફર્યા બાદ રિક્ષા બહુમાળીની દિવાલ પાછળ રેઢી મુકી ભાગી ગયા હતાં. એ પછી મહમદ ઉર્ફ જોનને હત્‍યામાં વપરાયેલા હથીયારો સગેવગે કરવાનું કામ સોંપ્‍યું હતું. એ હથીયારો અને લોહીવાળા કપડા તેણે સગેવગે કરવામાં મહત્‍વનો ભાગ ભજવ્‍યો હતો.

   આ ચારેયના ૧૪ દિવસના રિમાન્‍ડ મેળવવા તજવીજ થઇ રહી છે. ચોરીના બે, અને હત્‍યા- લૂંટની કોશીષનો મળી કુલ ત્રણ ગુના આ શખ્‍સો સામે નોંધાયેલા છે.

   રોકડ મળી જાય તો સીધા અજમેર ભાગવાના હતાં: કપડાના થેલા પણ સાથે લાવ્‍યા'તા

   ઞ્જ લૂંટમાં સફળતા મળે તો દિપ, સદામ અને રફિક તથા જોન સીધા અજમેર ભાગી જવાના હતાં. આ માટે તેઓ કપડાના થેલા પણ સાથે જ લાવ્‍યા હતાં. લૂંટ કરતાં પહેલા રફિકે સીસીટીવીમાં કોઇ આવી ન જાય અને મોબાઇલના લોકેશન ન મળે તે માટે ખાસ સુચના આપી હતી. બધાએ મોઢા પર બુકાની બાંધી હતી તો બેંકચોર' નામની ફિલ્‍મમાં જે રીતે બેંક લૂંટવા ઘુસેલા શખ્‍સો ઘોડા-હાથીના માસ્‍ક પહેરે છે તેવું માસ્‍ક પહેરવા પણ રફિકે સુચના આપી હતી.

   પોસ્‍ટ ઓફિસે પહોંચતા પહેલા રફિકે બધાના મોબાઇલમાંથી સિમ કાર્ડ કઢાવી નાંખ્‍યા હતાં. છતાં સંપર્કમાં રહેવા માટે રફિક ગેઇટ પર, સદામ નીચે કમ્‍પાઉન્‍ડમાં અને દિપ ઉપર તિજોરી રૂમમાં હતો. જો જોખમ જણાય તો રફિક સદામને અને સદામ ઉપર દિપને જાણ કરી શકે. કોઇપણ સંજોગોમાં મોબાઇલ ચાલુ નહિ કરવા રફિકે સુચના આપી હતી. કરોડોની લુંટ કરી અજમેર જઇ નવા મોબાઇલ અને નવા સિમ કાર્ડ ખરીદવાની પણ તૈયારી કરી હતી.

   ભરતસિંહે એક ઘા ગળા પર થયો છતાં પ્રતિકાર કર્યો પણ હરામખોરો ફરીથી તૂટી પડયાઃ સદામ મટન કાપવાનો માસ્‍ટર છે,તેણે જ પહેલો ઘા કર્યો'તો

   * દિપ અને સદામ પહેલા વોચમેનની ઓરડીમાં ઘુસ્‍યા હતાં. તે સાથે જ વોચમેન ભરતસિંહ જાડેજા સફાળા જાગી ગયા હતાં. પણ સદામ કે જે મટન માર્કેટમાં વર્ષોથી મટન કાપવાનું કામ કરે છે તેણે કોયતાનો ઘા ગળા પર ઝીંકી દેતાં ભરતસિંહ પડી ગયા હતાં. છતાં તે હિમ્‍મતપૂર્વક પાછા ઉભા થયા હતાં. આ વખતે સદામે દિપને હુમલો કરવા કહેતાં દિપે પણ હથીયારના ઘા ઝીંકી દીધા હતાં અને ભરતસિંહને રહેંસી નાંખ્‍યા હતાં. બાદમાં વોચમેનની રૂમમાંથી ઉપર જવાના ગેઇટના બે મુખ્‍ય તાળાની ચાવી મેળવી બે તાળા ખોલી બાકીના ૧૬ તાળા તોડીને ઉપર પહોંચ્‍યા હતાં.

    ગેસ સિલીન્‍ડર ચાલુ કરવાનું પક્કડ ભુલી જતાં રિક્ષા લઇ પાછા ગયા

   * હત્‍યા બાદ ગેસ સિલીન્‍ડર અને કટર લઇ તિજોરી રૂમ સુધી તો દિપ અને સદામ પહોંચી ગયા હતાં. પણ સિલીન્‍ડર ખોલવા માટેનું પક્કડ લાવતા ભુલી ગયા હોઇ ફરીથી રિક્ષામાં બેસી બહાર નીકળી સદામના ગેરેજથી પક્કડ લાવ્‍યા હતાં. જો કે મોટા ભાગનો ગેસ નાની તિજોરી કાપવામાં જ વપરાઇ ગયો હતો. બાદમાં મુખ્‍ય તિજોરીનું એક પડ કાપી શક્‍યા હતાં. અંદરનું બીજુ લોખંડનું ઝાડુ પડ કાપે એ પહેલા ગેસ ખુટી જતાં કરોડો રૂપિયા બચી ગયા હતાં.

    

 (02:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો