Samachar Business

News of Friday, 11th August, 2017

દક્ષિણ કોરિયાથી ડ્યુટી ફ્રી સોનાની આયાતમાં જબરો વધારો!

ત્રીજા દેશમાંથી સોનુ મંગાવી કોરિયા મારફત ભારતમાં ઘુસાડવાની પ્રવૃતિ : ૧૦ ટકા સેઇફ ગાર્ડ ડ્યુટી લગાડવા કવાયત?

દક્ષિણ કોરિયાથી ડ્યુટી ફ્રી સોનાની આયાતમાં જબરો વધારો!

   રાજકોટ, તા.૧૧ : સોનાની સસ્તી આયાત માટેના અનેકવિધ રસ્તાઓ આયાતકારો ખોળી રહ્યાં છે. તેમાં કેટલાક દેશો સાથેની ડ્યુુટી ફ્રી સંધિનો લાભ લેવામાં આવતો હોવાની વાતો વચ્ચે વધુ એક નવો રસ્તો અપનાવાયાનું બહાર આવ્યું છે. જીએસટી બાદ દક્ષિણ કોરિયાથી સોનાની આયાતમાં જબરો વધારો થયાનું બહાર આવ્યું છે.

   જાણકારોના માનવા મુજબ આસિયાન દેશોમાંથી ડ્યુટી ફ્રી સંધિનો લાભ લઈને સોનાની જવેલરીરૂપે આયાત કરીને બાર બનાવી તેને વેચવાની પ્રવૃત્તિ પણ ખુલી હતી. તેવાંમાં ભારત અને સાઉથ કોરિયા વચ્ચે વર્ષ ૨૦૦૯માં કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમી પાર્ટનરશીપ એગ્રીમેન્ટ થયેલ. તે અંતગર્ત દક્ષિણ કોરિયાથી થતી આયાત પર કસ્ટમ ડ્યુટી લાગતી નથી.

   જીએસટીના અમલ બાદ કોરિયાથી આયાત થતા સોનામાં ૧૦ ટકા  ડ્યુટી આપોઆપ રદ થઇ જાય છે. તેનો લાભ ઉઠાવી આયાતકારોએ જુલાઈમાં અંદાજે ૮૪૦૦ કિલો સોનાની આયાત કર્યાનું મનાય છે. જાણકારોના માનવા મુજબ હજુ ગયા વર્ષે દક્ષિણ કોરિયાથી આયાત ઝીરો હતી. તેવામાં જીએસટીના અમલ બાદ અચાનક દક્ષિણ કોરિયાથી આયાત શરૂ થઇ હતી.

   દક્ષિણ કોરિયામાં સોનાનું ઉત્પાદન થતું નથી. પરંતુ કોઈ ત્રીજા દેશમાંથી મંગાવીને દક્ષિણ કોરિયા મારફત સોનુ ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારની હરકતથી સરકાર ચોંકી છે અને ફાયનાન્સ મિનિસ્ટ્રી સતર્ક બની છે.

   દરમિયાન દક્ષિણ કોરિયાથી સોનાની આયાતમાં જબરા વધારાને કારણે સરકાર દ્વારા હવે દક્ષિણ કોરિયાથી આયાત થતા સોના પર ૧૦ ટકા સેઇફ ડ્યુટી લગાડવામાં આવે તેવી શકયતા હોવાનું મનાય છે.

 (09:11 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS