Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

બાંધકામના વધારાના ખર્ચ મુદ્દે હોબાળોઃ પદાધિકારીઓ-ડી.ડી.ઓ. સામસામે

સામાન્ય સભા પૂર્વેના 'હોમવર્ક'નો અભાવઃ કલાકથી વધુ ચર્ચા છતા ચુકવણાનો મુદ્દો લટકતો : શાસકોએ કોન્ટ્રાકટરને ૫૭ લાખ ચુકવવા ઠરાવ કર્યો પણ ડી.ડી.ઓ.એ તેની સાથે અસહમતી દર્શાવી ઠરાવ સરકારમાં મોકલવાનું વલણ લીધુ

બાંધકામના વધારાના ખર્ચ મુદ્દે હોબાળોઃ પદાધિકારીઓ-ડી.ડી.ઓ. સામસામે

   (અ)સામાન્ય સભાઃ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંચ પર પ્રમુખ નિલેશ વિરાણી, ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયા, કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, ડી.ડી.ઓ. જી.ટી. પંડયા, ડે. ડી.ડી.ઓ. એચ.એલ. જોશી, આર.બી. ખરાડી વગેરે ઉપસ્થિત રહેલ. બીજી તસ્વીર ઉપસ્થિત સભ્યોની છે. કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી હિતેશ વોરા પ્રથમ વખત સામાન્ય સભામાં ઉપસ્થિત થતા પ્રમુખ સહિતના પદાધિકારીઓ દ્વારા તેનુ ગુલદસ્તાથી સ્વાગત (ઈન્સેટ તસ્વીર) કરાયુ હતું. શ્રેષ્ઠ કામગીરીના વિજેતા શિક્ષકોનું પણ સન્માન કરાયુ હતું.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

   રાજકોટ, તા. ૧૨ :. જિલ્લા પંચાયતની આજે બપોરે મળેલ સામાન્ય સભામાં પંચાયત કચેરીના રીનોવેશન વખતે થયેલ એકસેસ અને એકસ્ટ્રા ખર્ચ બાબતે એક કલાકથી વધુ સમય સુધી હોબાળા સાથે ચર્ચા થયેલ. કોન્ટ્રાકટરે પદાધિકારીઓની મૌખિક સૂચના મુજબ વધારાનું કામ કરી દીધુ છે પરંતુ તેનુ રૂ. ૫૬ લાખ જેટલુ ચુકવણી વહીવટી આંટીઘુંટીના કારણે અટકી પડયુ છે. તે મુદ્દે ગરમાગરમ ચર્ચા થયેલ. પ્રમુખે સ્વભંડોળમાથી કોન્ટ્રાકટને ચુકવવા પાત્ર રકમ ચુકવી દેવા સર્વાનુમતે ઠરાવ કરાવેલ પરંતુ જિલ્લા વિકાસ અધિકારી જી.ટી. પંડયાએ યોગ્ય વહીવટી પ્રક્રિયા વિના વધારાનું કામ થવા બાબતે જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી ન થાય ત્યાં સુધી ઠરાવનો અમલ કરવા સામે અસહમતી દર્શાવેલ. તેમણે પોતે આ ઠરાવ સરકારમા મોકલશે તેવુ જાહેર કર્યુ હતું. ચર્ચા વખતે વારંવાર ડીડીઓ અને પદાધિકારીઓ વચ્ચેના મતભેદ ઉભરી આવતા હતા.

   ચંદુભાઈ શિંગાળાએ સામાન્ય સભામાં લેખીત પ્રશ્ન પૂછેલ કે, રીનોવેશન કામગીરીમાં વગર મંજુરીએ કરવામાં આવેલ મોટી રકમના ખર્ચની જવાબદારી કોની ? આ અંગેનો અહેવાલ શા માટે રોકવામાં આવ્યો છે? જવાબમાં વહીવટી તંત્રએ જણાવેલ કે, ટેન્ડરમાં સમાવિષ્ટ આઈટમો સિવાય અન્ય આઈટમો સ્થળ સ્થિતિ મુજબ જરૂરી હતી તે સક્ષમ કક્ષાની મંજુરી વગર જે તે સમયે કરવામાં આવેલ. તે માટે નાયબ કાર્યપાલક ઈજનેર એન.બી. વસાવા અને મદદનીશ ઈજનેર એન.એસ. પટેલને શો-કોઝ નોટીસ અપાયેલ. મોટી રકમનો ખર્ચ મુખ્યત્વે પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓની ચેમ્બર તેમજ અન્ય કોમન સુવિધા માટે થયેલ છે. બાંધકામ સમિતિ દ્વારા વધારાના ખર્ચને મંજુરી આપવામાં આવેલ છે. અધિકારીઓએ શો-કોઝ નોટીસનો જવાબ આપ્યો છે. તેની સમીક્ષા કરી નિયમાનુસાર કામગીરી કરવામાં આવશે. વધારાનો ખર્ચ રૂ. ૫૬,૪૮,૪૨૫ની એકસ્ટ્રા આઈટમમાં થયો છે. આ જવાબથી સંતોષ ન થતા ચંદુભાઈ શીંગાળાએ આજ સુધી જવાબદાર અધિકારીની જવાબદારી કેમ નક્કી થઈ નથી? કન્સલ્ટન્ટને રૂપિયા આપ્યા પછી પણ યોગ્ય એસ્ટીમેન્ટ કેમ ન થયું ? વગેરે સવાલો ઉઠાવેલ. પ્રમુખ નિલેશ વિરાણી અને કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરીયાએ અધિકારીનો વાંક હોય તેના કારણે કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટકે તે વ્યાજબી ન હોવાનું જણાવેલ. તેમણે આ નાણા ચુકવવા આગ્રહ રાખતા ડી.ડી.ઓ.એ તે બાબતે અસહમતી દર્શાવેલ. અન્ય સભ્યોએ પણ માનવતાના ધોરણે કામને નજર સમક્ષ રાખી કોન્ટ્રાકટરને ન્યાય આપવાનો સૂર વ્યકત કરેલ. ચર્ચા વખતે વારંવાર હોબાળો થતો હતો. ભાગ-૨ ની રીનોવેશન કામગીરીના ટેન્ડરમાં વિલંબ બાબતે પણ તડાપીટ બોલી હતી.

   એક કલાકથી વધુ સમયની ચર્ચાને અંતે પ્રમુખે સ્વભંડોળમાંથી નાણા ચૂકવવા સર્વાનુમતે ઠરાવ કરાવેલ પરંતુ ડી.ડી.ઓ.એ પોતે તે ઠરાવનો નિષેધ કરી રહ્યાનું જણાવી સરકારમાં મોકલશે તેમ જાહેર કર્યુ હતુ. આમ લાંબી ચર્ચા અને હોબાળાના અંતે પણ ચુકવણાનો પ્રશ્ન તો લટકતો જ રહ્યો હતો.

   એક તબક્કે કોઈ સભ્યએ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરતા બાંધકામ વિભાગના અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા. પ્રમુખ નિલેશ વિરાણીએ અન્ય પ્રશ્નોની ચર્ચા માટે વધારાનો એક કલાકનો સમય ફાળવેલ. આજની સામાન્ય સભામાં ચંદુભાઈ શીંગાળા, રાણીબેન સોરાણી, કિશોર પાદરીયા, વજીબેન સાકરીયા, મગનભાઈ મેટાડીયા, નાનજીભાઈ ડોડીયા, મનોજભાઈ બાલધા વગેરેએ પ્રશ્નો પૂછયા હતા.

   સામાન્ય સભા અભૂતપૂર્વઃ ૨II કલાક ચાલી

   રાજકોટઃ. જિલ્લા પંચાયતની સામાન્ય સભા સવારે ૧૧.૩૦ વાગ્યાથી સતત અઢી કલાક ચાલેલ. પ્રથમ એક કલાકથી વધુ સમય બાંધકામના ખર્ચના મુદ્દાની ચર્ચા થયેલ. ત્યાર પછી દોઢેક કલાક અન્ય પ્રશ્નોની ચર્ચા થયેલ છતા બધા પ્રશ્નો પુરા થઈ શકયા નહોતા. પંચાયતમાં સામાન્ય સભા અઢી કલાક ચાલી હોય તેવુ દાયકાઓ પછી બન્યુ છે.

   કોન્ટ્રાકટર અજુગતા પગલા તરફ પ્રેરાશે ? ખાટરિયાને ચિંતા

   રાજકોટ, તા. ૧૨ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાએ જણાવેલ કે, કોન્ટ્રાકટરે કામ કર્યુ છે તે સૌની નજર સામે છે. વહીવટી આટીઘુટીમાંથી ઉકેલ કાઢી માનવતાના ધોરણે તેને કરવા પાત્ર ચૂકવણુ કરી દેવું જોઈએ. જાણવા મળેલ છે કે કોન્ટ્રાકટર ઘણાને કહેતા ફરે છે કે, મને હક્કના પૈસા નહિ મળે તો મારી સ્થિતિ ખરાબ થઈ જશે મારે આત્મહત્યા તરફ પ્રેરાવુ પડશે.

   સભ્ય ચંદુભાઈ શીંગાળાએ શ્રી ખાટરિયાની વાતમાં સૂર પૂરાવી પંચાયતને કાળી ટીલી ન લાગે તે માટે સજાગ રહેવાની જરૂરીયાત દર્શાવી હતી.

   વિકાસ ગાંડો થયો છે,સભામાં હાસ્યનું મોજ

   રાજકોટ :. સામાન્ય સભામાં વિપક્ષ ભાજપના સભ્ય શ્રીમતી સોનલબેન શીંગાળાએ કોંગ્રેસ પર કટાક્ષ કરી જણાવેલ કે પંચાયતમાં કોંગ્રેસનો વિકાસ ગાંડો થયો છે. અર્જુન ખાટરિયાએ પ્રત્યુત્તરમાં જણાવેલ કે ભાજપે જ વિકાસ ગાંડો કર્યા છે. ગાંડા વિકાસના ઉલ્લેખ વખતે હાસ્યનું મોજુ ફરી વળતા પ્રમુખ નિલેશ વિરાણીએ ગૃહની ગરીમા જળવાઈ તે રીતે ચર્ચા કરવા ટકોર કરી હતી.

 (04:37 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS