Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

મુખ્યમંત્રી સામે નલીનભાઈ માંકડ ઝંપલાવશે

વિકાસ ખિસ્સા ભરનારાઓનો થયો છે...સામાન્ય માણસ માટે લડીશ : પ્રયોગવીર નલીનભાઈએ તપેલીમાંથી અનોખુ હેલ્મેટ બનાવ્યું...વિવિધ ઉપયોગ થઈ શકે, ચોમેર ભ્રષ્ટાચાર, સામાન્ય માણસ માટે પ્રાથમિક સુવિધાનો પણ અભાવઃ હું કામ કરી દેખાડીશઃ નલીનભાઈ

મુખ્યમંત્રી સામે નલીનભાઈ માંકડ ઝંપલાવશે

   પોતે બનાવેલા વિશિષ્ટ હેલ્મેટ સાથે નલીનભાઈ માંકડ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

   રાજકોટ, તા. ૧૨ :. ગુજરાતમાં ધારાસભાની ચૂંટણીનો માહોલ ગરમ થયો છે. રાજકારણીઓના કાવા-દાવા, મેલી વૃતિથી કંટાળેલા લોકો હવે ખુદ મેદાનમાં આવી રહ્યા છે. ૬૮ વર્ષના નલીનભાઈ માંકડ રાજકોટમાં બેઠક-૬૯માં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવશે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લડે તેવી સંભાવના છે.

   નલીનભાઈ કહે છે કે, પ્રચારમાં વિકાસનો મુદ્દો ખૂબ ચર્ચાય છે. વાસ્તવિકતા એ છે કે, સૌથી વધારે વિકાસ ખિસ્સા ભરનારાઓનો થયો છે. જો કે નલીનભાઈ કહે છે કે હું કોઈપણ પક્ષના વિરોધની વાત નહિ કરૃં, વાદ-વિવાદનો કોઈ અર્થ નથી, હું કામ કરવા રાજકીય મેદાનમાં આવ્યો છું.

   નલીનભાઈ ટેકનિકલ માઈન્ડ ધરાવે છે. તેઓએ મેક ઈન ઈન્ડીયા વિચાર અન્વયે સ્ટીલની મજબુત તપેલીમાંથી હેલ્મેટ બનાવ્યંુ છે. આ હેલ્મેટ લાઈટવાળુ છે અને તેનો બહુવિધ ઉપયોગ થઈ શકે છે. તેઓ કહે છે કે, લોકો પાસે ક્રિએટીવિટીની અછત નથી, પરંતુ પ્રોત્સાહનના અભાવના કારણે તે કુંઠિત થઈ જાય છે. હું ચૂંટાઈને લોકોની સૂજને પ્રોત્સાહન આપીશ.

   નલીનભાઈ ભ્રષ્ટાચાર સામે જંગ છેડવા એલાન કરે છે. ઉપરાંત અનાથ, વિકલાંગ, મંદબુદ્ધિ બાળકો, વડીલોની સેવા કરવા રાજકીય મેદાનમાં આવ્યા છે. તેઓ કહે છે કે, વર્તમાન લોકશાહીમાં સામાન્ય માણસને પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. એસ.ટી. બસમાં કાચ નથી હોતા, સ્પેર વ્હીલ નથી હોતા, ડ્રાઈવરો સીટ બેલ્ટ બાંધતા નથી અને મુસાફરો માટે બેલ્ટ હોતા નથી. જીઈબી, આર.ટી.ઓ., એસ.ટી.થી માંડીને તમામ ક્ષેત્રે ભ્રષ્ટાચાર ધમધમે છે. ચૂંટણી વખતે તાવા, માવા અને પીવાની પાર્ટીઓની બોલબાલા રહે છે.

   આ સ્થિતિમાં પરિવર્તન અનિવાર્ય છે. મને આશા છે કે, મારા પ્રયાસોને લોકોનું સમર્થન મળશે, તેમ નલીનભાઈએ (મો. ૯૪૨૮૨ ૭૪૫૬૩) અંતમાં જણાવ્યુ હતું.

 (04:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS