Samachar Rajkot

News of Thursday, 12th October, 2017

દારૂ ઢીંચ્યા બાદ ચંદૂએ પત્નિને જીવતી સળગાવી

મુળીના વડધરા ગામનો બનાવઃ ગંભીર રીતે દાઝી ગયેલી રેખા (ઉ.૩૨)ને રાજકોટ ખસેડાઇઃ તે કહે છે-પહેલા પતિ ખાલી પીતો, હવે વેંચવાનું પણ ચાલુ કર્યુઃ ના પાડતાં કેરોસીન છાંટી સળગાવીને ભાગી ગયો

      રાજકોટ તા. ૧૨: દારૂનો દૈત્ય અનેક ઘર બરબાદ કરી ચુકયો છે. વધુ એક કિસ્સામાં મુળીના વડધરા ગામમાં રહેતી કોળી મહિલાએ પોતાના પતિને દારૂ પીવાની અને વેંચવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઇ જઇ કેરોસીન છાંટી જીવતી સળગાવી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

      વડધરા ગામે રહેતી રેખાબેન ચંદુ દુધરેજીયા (ઉ.૩૨) નામની કોળી મહિલા રાત્રે અગિયારેક વાગ્યે ગંભીર રીતે દાઝી જતાં સ્થાનિક સારવાર અપાવી વહેલી સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેણીએ પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાને પતિ ચંદૂએ જીવતી સળગાવ્યાનું કહેતાં એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ તાકીદે ડીડી લેવડાવવા માટે મામતલદારને જાણ કરવા તજવીજ કરી હતી અને મુળી પોલીસને જાણ કરી હતી.

      રેખાબેને જણાવ્યું હતું કે તેના લગ્ન તેર વર્ષ પહેલા થયા છે અને માવતર ચોટીલાના નિવાસા ગામે રહે છે. પિતાનું નામ જીવાભાઇ દેથરીયા છે. સંતાનમાં એક પુત્ર તથા ત્રણ પુત્રી છે. પતિ ચંદૂ દેવુભાઇ છૂટક ખેત મજૂરી કરે છે. તે પહેલા દેશી દારૂ પીતો હતો હવે તે કયાંકથી કોથળીઓ લાવી વેંચવા પણ માંડ્યો છે. મેં તેને આવુ કરવાની ના પાડતાં ઝઘડો થયો હતો. રાત્રે તે બહારથી કોથળી લઇને આવ્યો હતો અને કુહાડી સાથે રાખી જમવા બેઠો હતો. બાદમાં તેણે દારૂની કોથળી પીધી હતી અને ઝઘડો કરી કેરોસીનનુ ડબલુ મારી માથે રેડી દઇ દિવાસળી ચાંપી સળગાવીને ભાગી ગયો હતો. દેકારો થતાં સાસુ-સસરા દોડી આવ્યા હતાં અને મને દવાખાને લાવ્યા હતાં.

      અગાઉ પણ પોતાને ત્રાસ હોઇ રિસામણે જઇ ચોટીલા પોલીસમાં ફરિયાદ કર્યાનું વધુમાં રેખાબેને જણાવ્યું હતું. પોલીસે આ મામલે હત્યાની કોશિષનો ગુનો નોંધવા તજવીજ કરી છે.

 (11:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS