Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

હિમાચલમાં ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું : ૯મી નવેમ્બરે મતદાન

ચૂંટણી પંચે એક તબક્કામાં ચૂંટણી યોજવાની અંતે જાહેરાત કરી : ૧૮ ડિસેમ્બરના દિવસે મતગણતરી : તમામ પોલિંગ સ્ટેશનો પર વીવીપેટનો ઉપયોગ કરવાની પણ જાહેરાત : આચારસંહિતા તાત્કાલિક અમલી બનાવાઈ

હિમાચલમાં ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું : ૯મી નવેમ્બરે મતદાન

      નવી દિલ્હી,તા. ૧૨ : ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની આજે જાહેરાત કરી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં નવમી નવેમ્બરના દિવસે મતદાન થશે અને ૧૮મી ડિસેમ્બરના દિવસે મતોની ગણતરી થશે. આ વખતે રાજ્યમાં પણ આમા મતદાન મથકો ઉપર વીવીપેટનો ઉપયોગ કરવામાં આવનાર છે. દેશમાં હિમાચલ પ્રદેશ એવું પ્રથમ રાજ્ય બનશે જ્યાં તમામ મતદાન મથકો પર વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રાયલનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાતની સાથે હિમાચલ પ્રદેશમાં આચારસંહિંતા અમલી બની ગઈ છે. ચૂંટણી પંચે  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે તારીખોની જાહેરાત કરી ન હતી જેની ચર્ચા રહી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર અચલકુમાર જ્યોતિએ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતુંકે, રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા માટે મોટી તૈયારી કરવામાં આવી છે. રાજ્યમાં મોટાપાયે અર્ધલશ્કરી દળોની તૈનાતી કરવામાં આવનાર છે. હિમાચલમાં ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયા બાદ હવે રાજકીય પક્ષોમાં ગરમી જામી ગઇ છે. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ માટે રાજ્યના તમામ ૭૫૨૧ મતદાન મથકો ઉપર ગ્રાઉન્ડ ફ્લોર પર જ મતદાનની પ્રક્રિયા રાખવાનો નિર્ણય કર્યો છે. તમામ પોલિંગ સ્ટેશન પર દિવ્યાંગો માટે ખાસ સુવિધા ગોઠવવામાં આવી છે. મતદાન, ઉમેદવારી દાખલ કરવાની પ્રક્રિયા, ચૂંટણી સભાને લઇને વિડિયોગ્રાફી કરવામાં આવશે. કાઉન્ટિંગ હોલમાં પણ વિડિયોગ્રાફી કરવામાં આવશે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે ખર્ચની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. દરેક ઉમેદવાર ચૂંટણી દરમિયાન ૨૮ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. ચૂંટણી પરિણામની જાહેરાતના ૩૦ દિવસની અંદર ઉમેદવારોને ખર્ચ સાથે સંબંધિત વિગતો આપવી પડશે. ચૂંટણી પંચની આ વખતે સોશિયલ મિડિયા ઉપર પણ ચાંપતી નજર રહેશે. પેઇડ ન્યુઝ માટે ચૂંટણી પંચે જિલ્લા, રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણીપંચ સ્તર સુધી ત્રિસ્તરીય કમિટિની રચના કરી છે. હાલમાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. વર્તમાન મુખ્યમંત્રી વીરભદ્રસિંહ છ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે પણ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે. હિમાચલ માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ આચારસંહિતા અમલી થઇ ગઇ છે જેથી હવે કોઇ નીતિવિષયક નિર્ણય લઇ શકાશે નહીં. ૧૮મી ડિસેમ્બરના દિવસે હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હિમાચલ પ્રદેશમા ંચૂંટણીને લઇને પહેલાથી જ ચૂંટણી પંચ દ્વારા આક્રમક તૈયારી કરવામાં આવી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે, ૨૦૦૭ અને ૨૦૧૨માં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત જુદી જુદી રીતે કરવામાં આવી હતી. ચૂંટણી પંચનું કહેવું છે કે, ભેલ અને ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ૪૦ લાખ ઇવીએમ અને વીવીપેટ મળી જશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જુદી જુદી રીતે યોજવામાં આ બંનેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પેઇડ ન્યુઝના સંદર્ભમાં દૂષણને રોકવા માટે ચૂંટણી પંચે કહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય અને જિલ્લા સ્તરે અલગ કમિટિઓ બનાવવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં સીસીટીવી કવરેજ અને બ્રોડકાસ્ટ સુવિધા સાથે વિડિયોગ્રાફ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી કેમરાઓ, પ્રતિક અને ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા કરશે. હવામાનની કોઇપણ તકલીફ ન નડે તે માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતી વેળા બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં મતદાન અને મતોની ગણતરી વચ્ચે વધારે અંતર રાખવામાં આવ્યું નથી.

      હિમાચલ ચૂંટણી કાર્યક્રમ

      ૧૬મીથી ઉમેદવારી દાખલ કરાશે

              નવીદિલ્હી, તા. ૧૨ : હિમાચલ પ્રદેશમાં ચૂંટણી માટેના કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ આચારસંહિતા તરત અમલી બની છે.  હિમાચલમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષોમાં હવે તેજી આવી ગઈ છે. રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા ચૂંટણી પંચ દ્વારા જુદા જુદા નવા પગલા લેવામાં આવ્યા છે. રાજકીય પક્ષો માટે કેટલીક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. તમામ સ્થળો ઉપર વિડિયોગ્રાફી કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ચૂંટણી કાર્યક્રમને લઇને ચર્ચા ચાલી રહી હતી અને આજે આખરે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઇ હતી. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી કાર્યક્રમ નીચે મુજબ રહેશે.

      *   ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ ૧૬મી ઓક્ટોબર

      *   ઉમેદવારીપત્ર દાખલ અંતિમ તારીખ ૨૩મી ઓક્ટોબર રહેશે

      *   ઉમેદવારી ચકાસણીની છેલ્લી તારીખ ૨૪મી ઓક્ટોબર રહેશે

      *   ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૬મી ઓક્ટોબર

      *   મતદાન માટેની તારીખ ૯મી નવેમ્બર રહેશે

      *   મતગણતરી માટેની તારીખ ૧૮મી ડિસેમ્બર રહેશે

      *   ચૂંટણી પ્રક્રિયા ૨૦મી ડિસેમ્બરે પરિપૂર્ણ થશે

       

 (04:41 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો