Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

આજથી કોમન GDCR : રાજયના કર્મચારીઓ-પેન્‍શનરોના ડીએમાં વધારોઃ વર્ગ-૪ના કર્મચારીઓને બોનસઃ સફાઇ કામદારો માટે કલ્‍યાણીકારી જાહેરાતોઃ પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા એલાન

ચૂંટણી આવી રાહતો લાવીઃ રાજય સરકારે વિધાનસભાની ચૂંટણીની તારીખોના એલાન પહેલા કરી અનેક રાહતલક્ષી જાહેરાતો : અમદાવાદ (ઔડા)ના રીંગ રોડ ઉપર ટોલ ટેકસ નહી લેવાયઃ વર્ગ-૪ના ૩પ૦૦૦ કર્મચારીઓને ૩પ૦૦ની મર્યાદામાં બોનસઃ સફાઇ કામદારો માટે રહેમરાહે નોકરીની જાહેરાતઃ રોજમદારોને કાયમી કરાશેઃ ૮ લાખથી વધુ કર્મચારીઓને ૧-૭-ર૦૧૭થી ડીએમાં વધારો રોકડમાં ચુકવાશે

આજથી કોમન GDCR : રાજયના કર્મચારીઓ-પેન્‍શનરોના ડીએમાં વધારોઃ વર્ગ-૪ના કર્મચારીઓને બોનસઃ સફાઇ કામદારો માટે કલ્‍યાણીકારી જાહેરાતોઃ પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા એલાન

   અમદાવાદ તા.૧ર : આજે બપોરબાદ ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી રહી છે તે પુર્વે ગુજરાત સરકારે અનેક મહત્‍વની જાહેરાતો કરી છે. રાજય સરકારે તાજેતરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યા બાદ આજે કર્મચારી વર્ગ માટે બોનસ, ડીએમાં વધારાની જાહેરાત કરી છે તો રાજયમાં આજથી એક સમાન જીડીસીઆર લાગુ કરવાનુ એલાન કર્યુ છે. વાલ્‍મીકી સમાજની માંગણીઓને ધ્‍યાનમાં રાખીને સફાઇ કામદારોના કલ્‍યાણ માટે અનેકવિધ જાહેરાતો કરી છે જેમાં રહેમરાહે નોકરીનો સમાવેશ પણ થાય છે એટલુ જ નહી સરકારે આજે પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાનુ પણ એલાન કર્યુ છે. રાજય સરકારે આજે ઔડાના રીંગ રોડ ઉપર ટોલ ટેકસ નાબુદીની પણ જાહેરાત કરી છે.

   આજે બપોરે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરીષદને સંબોધન કરતા નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જાહેરાત કરી હતી કે, ઔડાના રીંગ રોડ ઉપરનો ટોલટેકસ નાબુદ કરવામાં આવે છે આનાથી રાજય સરકાર ઉપર ૮ કરોડનો બોજો પડશે. જો કે આનાથી હજારો વાહન ચાલકોને ફાયદો થશે. રોજ ૧૧૦૦૦થી વધુ વાહનો પસાર થાય છે. તેઓને ફાયદો થશે. જો કે મોટા વાહનોએ જ ટોલ ટેકસ ભરવો પડશે. કાર અને રીક્ષાને મુકિત મળશે.

   નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યુ હતુ કે ૩પ૦૦૦ જેટલા વર્ગ-૪ના કર્મચારીઓને ૩પ૦૦ની મર્યાદામાં બોનસ ચુકવવા રાજય સરકારે નિર્ણય લીધો છે. પંચાયત, બોર્ડ નિગમને પણ લાભ થશે. તેમણે જાહેરાત કરી હતી કે સફાઇ કામદારોનું નોકરી દરમિયાન આકસ્‍મીક મોત થાય તો તેઓને ઉંચક રકમ નહી પરંતુ રહેમરાહે નોકરી મળશે. તેમણે કહ્યુ હતુ કે, ૧૬ર નગરપાલિકાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં સફાઇ કામદારો મોટી સંખ્‍યામાં રોજમદાર છે તેઓને કાયમી કરવા માટે હવેથી રાજય સરકારની પરવાનગી લેવી નહી પડે. મહેકમ ૪૮ ટકાની મર્યાદામાં કાયમી કરી શકાશે.

   તેમણે વધુમાં જણાવ્‍યુ હતુ કે, રાજયના આઠ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્‍શનરોને કેન્‍દ્રના ધોરણે એક ટકા મોંઘવારી ભથ્‍થામાં વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. ૮.ર૦ લાખ જેટલા કર્મચારીઓ અને પેન્‍શનરોને ૧-૭-ર૦૧૭થી રોકડમાં મોંઘવારી ભથ્‍થુ ચુકવવામાં આવશે. સરકારે કર્મચારી વર્ગની દિવાળી સુધારી દીધી છે.

   રાજય સરકારે આજથી અમલમાં આવે એ રીતે રાજયમાં કોમન જીડીસીઆર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત મકાન ખરીદી પર બિલ્‍ડર અને ખરીદનારને લાભ મળે તે માટેની પ્રક્રિયા સરકારે પુર્ણ કરી કોમન જીડીસીઆરનો અમલ કરવાનુ રાજય સરકારે નક્કી કર્યુ છે. સરકારે જો કે ૪૦ ટકા કપાત કરવાની પધ્‍ધતિ ચાલુ રાખવાનુ નક્કી કર્યુ છે. ગ્રાઉન્‍ડ ફલોર ખુલ્લો રાખી શકાશે. તમામ મહાનગરોનો એક સરખો વિકાસ થાય અને બાંધકામમાં એક સુત્રતા આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

   આજે રાજય સરકારે પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાનુ નક્કી કર્યુ છે. ગઇકાલ સુધીમાં ૧૦૯ કેસ પાછા ખેંચવામાં આવ્‍યા હતા હવે ગૃહ અને કાયદા વિભાગ સાથે ચર્ચા વિચારણા કરી બીજા ૧૩૬ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આમ કુલ ર૩પ કેસ પાછા ખેંચવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે, આ ૧૩૬ કેસ પાછા ખેંચાશે તેમાં એક કેસમાં ૧૦ આરોપી પણ હોય અને રપ આરોપી પણ હોય. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, રેલ્‍વે સ્‍પર્શતા કેસ પાછા ખેંચવા રેલ્‍વે મંત્રીને અપીલ કરવામાં આવી છે.

 (03:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો