Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

ચૂંટણી પૂર્વેની છેલ્લી કમિટી હોવાનુ માની દરખાસ્તો પાસ

કોર્પોરેટરની સંસ્થાને પણ કોન્ટ્રાકટની લહાણીઃ એક સાથે ૩૮ દરખાસ્ત રજૂ કરી પાસ કરી દેવામાં આવી

   અમદાવાદ, તા.૧૨, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક એ રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલાની છેલ્લી કમિટી હશે એમ માનીને શાસકપક્ષ દ્વારા કમિટીની બેઠકમાં કરોડો રૂપિયાની દરખાસ્તો તાકીદના એજન્ડામા લાવી પસાર કરી દીધી હતી જેમાં શાસકપક્ષના કોર્પોરેટરની મનાતી સંસ્થાને કોમ્યુનિટી હોલ સહિતના સ્થળોની સફાઈ માટે રૂપિયા ૪૦ લાખના કોન્ટ્રાકટની દરખાસ્તનો પણ સમાવેશ થાય છે.આ અંગે મળતી માહિતી અનુસાર,આજે બપોરે ચાર કલાકે ચૂંટણી કમિશનર વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ નકકી કરી શકે છે એવા વહેતા થયેલા સમાચારોની વચ્ચે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકનો પણ સમય બદલીને બપોરે ત્રણનો કરી નાંખવામા આવ્યો હતો. દરમિયાન કમિટીમાં રુટીન એજન્ડા ઉપરાંત તાકીદના એજન્ડામાં ૩૮ જેટલી  દરખાસ્તો એકસાથે રજુ કરી પસાર પણ કરી દેવામા આવી જેમા ભાજપના કોર્પોરેટરની મનાતી  સંસ્થાને એક વર્ષ માટે અમદાવાદ શહેરમાં આવેલા તમામ કોમ્યુનિટી હોલ,પાર્ટી પ્લોટ વગેરેની સફાઈ માટે રૂપિયા ૪૦ લાખનો કોન્ટ્રાકટ આપી દેવામા આવ્યો છે.આ સાથે જ વોટર અને ડ્રેનેજ વિભાગને લગતી કરોડો રૂપિયાની દરખાસ્તો માનીતા કોન્ટ્રાકટરોને પધરાવી દેવામા આવી હોવાનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.નરોડાથી ઓઢવ રીંગરોડને સમાંતર પાઈપ લાઈન નાંખવા રૂપિયા ૮ કરોડ ઉપરાંતના કામને મંજુરી આપવામા આવી છે.શાહવાડી ખાતેના એસટીપીમાંથી ઉતપન્ન થતી સ્લજના હાઈઝીનેશન માટે રૂપિયા ૭ કરોડની દરખાસ્તને મંજુરી આપી દેવામા આવી છે.નવા પશ્ચિમઝોનમાં ચોકઅપ થતી ડ્રેનેજ લાઈનને ડીસિલ્ટીંગ માટે રૂપિયા ૬ કરોડ ઉપરાંતની દરખાસ્તને મંજુરી આપી દેવામા આવી છે.ગોતા વોર્ડ માટે એક કરોડની દરખાસ્ત પસાર કરવામા આવી છે.પૂર્વઝોનમાં  આવેલી ખાનગી સોસાયટીઓમા કામગીરી કરવા અલગ અલગ કોન્ટ્રાકટરોને કરોડો રૂપિયાની લહાણી કરાવતી દરખાસ્તો પસાર કરવામા આવી છે.આ ઉપરાંત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળના પણ કામો આજની કમિટીની બેઠકમા પસાર કરી દેવામા આવ્યા છે.સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ માટે પણ વિવિધ ખરીદીઓના ઓઠા હેઠળ કરોડો રૂપિયાની દરખાસ્તોને  કમિટી દ્વારા મંજુરી આપી દેવામા આવી છે.

 (09:59 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS