Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

બે મત રદ કરવાનો નિર્ણય કાયદેસર અને યોગ્ય : પંચ

બળવંતસિંહની રિટમાં ચૂંટણી પંચનો જવાબઃ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ જવાબ રજૂ કર્યો : બળવંતસિંહે વધારે જવાબ માટે સમય માંગ્યો

બે મત રદ કરવાનો નિર્ણય કાયદેસર અને યોગ્ય :  પંચ

   અમદાવાદ,તા. ૧૨,      રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા એહમદ પટેલની જીતને પડકારતી અને કોંગ્રસના બે બળવાખોર ધારાસભ્યોના મતોને રદબાતલ ઠરાવતાં કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી બળવંતસિંહ રાજપૂતની પિટિશનમાં આજે કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી મહત્વપૂર્ણ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના જે બે મતો રદબાતલ ઠરાવવામાં આવ્યા છે, તે બિલકુલ યોગ્ય અને કાયદેસર નિર્ણય છે કારણ કે, ચૂંટણી પંચે આ નિર્ણય કાયદાકીય જોગવાઇ, ચૂંટણીના નિયમો અને સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓના નિર્દેશોને ધ્યાનમાં લઇ કાયદાનુસાર નિર્ણય કર્યો છે. તેથી બળવંતસિંહ રાજપૂતની પિટિશનમાં ચૂંટણી પંચના નિર્ણયને રદ કરવાનો જે મુદ્દો ઉઠાવાયો છે તે અસ્થાને છે અને ટકી શકે તેમ નથી.  કેન્દ્રીય ચૂંટણી પંચે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે બે મતો રદ કરવાનો લીધેલો નિર્ણય તટસ્થ રીતે અને ક્ષતિરહિત રીતે લીધો છે, તેથી તેની સામે કોઇનો વાંધો હોવો જોઇએ નહી. ચૂંટણી પંચે હાઇકોર્ટને બળવંતસિંહ રાજપૂતની પિટિશન ફગાવી દેવા પણ અનુરોધ કર્યો હતો. દરમ્યાન આ કેસમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ પોતાના જવાબ રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં તેમની સામે સીધા કોઇ આરોપ નથી. જો કે, હાઇકોર્ટ દ્વારા એહમદ પટેલની ચૂંટણી રદ કરવામાં આવે તો તેમને કોઇ વાંધો નથી. તેમણે બળવંતસિંહ રાજપૂતની પિટિશનને સમર્થન કર્યું હતું. આ કેસમાં અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલ તરફથી મહત્વપૂર્ણ જવાબ રજૂ કરી કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણયને કાયદેસર અને યોગ્ય હોઇ બળવંતસિંહ રાજપૂતની પિટિશન ફગાવી દેવા ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી હતી. બળવંતસિંહ રાજપૂત તરફથી એહમદ પટેલના જવાબ સામે આજે વધારાનો જવાબ રજૂ કરવા સમયની માંગણી કરવામાં આવતાં હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૧૦મી નવેમ્બર પર મુકરર કરવામાં આવી છે.

 (09:57 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS