Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

રાજ બબ્બર, સૂરજેવાલા આજે કોંગ્રેસના પ્રચાર અર્થે પહોંચશે

મુંબઇના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ આવશેઃ મોદી સરકાર અને ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને જૂઠ્ઠાણાંઓની પોલ ખોલશે : ઘણા રાષ્ટ્રીય નેતાઓ મેદાનમાં

રાજ બબ્બર, સૂરજેવાલા આજે કોંગ્રેસના પ્રચાર અર્થે પહોંચશે

   અમદાવાદ, તા.૧૨,      ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતના ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં પ્રચાર પ્રસારની કામગીરી વેગવંતી અને અસરકારક બનતી જાય છે. કોંગ્રેસે તેમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસ થકી રાજયમાં કોંગ્રેસ તરફી લહેર ઉભી કર્યા બાદ હવે કોંગ્રેસ માટે વિશાળ જનમત ઉભો કરવા કોંગ્રેસના રાષ્ટ્રીય અને દિગ્ગજ નેતાઓ મેદાનમાં આવ્યા છે. આવતીકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ રાજ બબ્બર, રણજીત સૂરજેવાલા, પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસના આ કદાવર નેતાઓ ગુજરાતમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને મોદી સરકારના જૂઠ્ઠાણાંઓની પોલ ખોલશે. કોંગ્રેસના આ રાષ્ટ્રીય નેતાઓ કોંગ્રેસની ગરીબલક્ષી, ખેડૂતલક્ષી નીતિની સાથે સાથે યુવાનોના રોજગાર, મહિલાઓની સુરક્ષા અને નાના તેમ જ મધ્યમવર્ગના વેપારીઓ માટેની પ્રોત્સાહક નીતિઓના મુદ્દે પણ ગુજરાતને જનતાને આશ્વસ્થ કરશે. સાથે સાથે કોંગ્રેસે તેના શાસન દરમ્યાન ગરીબો, ખેડૂતો અને મહિલાઓ-યુવાનો માટે કરેલા હકારાત્મક કાર્યો અને અમલી બનાવેલી અસરકારક નીતિઓની સફળતા અને પરિણામોની વાત પણ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ તેમના પ્રવચન અને જનસભા દરમ્યાન ભાજપના કૌભાંડ અને તેની પ્રજાવિરોધી નીતિ અને નિર્ણયો ખાસ કરીને નોટબંધી, જીએસટીને લઇ મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરે તેવી પણ પૂરી શકયતા છે. રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસની સફળતા બાદ ગુજરાત કોંગ્રેસ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કોઇપણ રીતે હરાવવા નવા ઉત્સાહ અને જોશ સાથે ઝઝુમી રહ્યુ છે અને તેના માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાઓ પણ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસના પંજાની લહેર લગાવવામાં કંઇ કસર રાખવા માંગતા નથી અને તેના ભાગરૂપે જ કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓ રાજ બબ્બર, રણજીત સૂરજેવાલા અને પૃથ્વીરાજ ચૌહાણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર-પ્રસારની જવાબદારી કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાને સોંપવામાં આવી છે.

 (09:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS