Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

સ્ક્રીનીંગ કમીટી બેઠકને લઇ કોંગ્રેસના નેતા હાલ દિલ્હીમાં

ફરી એકવાર ઉમેદવારોની પસંદગી મુદ્દે ચર્ચાઃ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા સહિત ઘણા નેતા દિલ્હી પહોંચી ગયા

સ્ક્રીનીંગ કમીટી બેઠકને લઇ કોંગ્રેસના નેતા હાલ દિલ્હીમાં

   અમદાવાદ,તા. ૧૨,  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આજથી ફરી દિલ્હીમાં ધામા નાંખ્યા છે. આજે દિલ્હીમાં સ્ક્રીનીંગ કમીટીની મહત્વની બેઠક મળી હતી, જેમાં રાજયસભાના સાંસદ એહમદ પટેલ, ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ચૂંટણીલક્ષી મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઇ ફરી એકવાર બેઠકોનો દોર ચાલ્યો હતો. રાજયસભાની ચૂંટણી વખતે વફાદારી રાખનાર કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોને રિપીટ કરવાનો નિર્ણય યથાવત રાખી બાકીના કિસ્સામાં ઉમેદવારોના નામો પર મુખ્ય ચર્ચા હાથ ધરાઇ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભરતસિંહ સોલંકી, મોહનસિંહ રાઠવા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે અને સ્ક્રીનીંગ કમીટીના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટના વડપણ હેઠળ મળેલી બેઠકમાં ઉમેદવારોના નામોને લઇ મહત્વની ચર્ચા થઇ હતી. જેમાં અડધી વિધાનસભા બેઠકો પરના નામો લગભગ નક્કી કરી દેવાયા છે. જો કે, તેના નામો અધિકૃત રીતે જાહેર નહી કરાય અને ઉમેદવારોને ખાનગીમાં કહી દેવાશે કે જેથી તેઓ તેમના વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દે. ભાજપ સામે પડેલા પાટીદારોનું ફેકટર ગુજરાતની આ વખતની ચૂંટણીઓમાં બહુ મહત્વનું મનાઇ રહ્યું છે અને કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે અને તેથી જ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પાટીદારોના ઘણા ઉમેદવારોને ટિકિટની લ્હાણી કરાય તેવી શકયતા છે. કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટ ફાળવવાનું પણ આયોજન છે કે જેથી મહિલા મતદારોને આકર્ષી શકાય.  બેઠકમાં કોંગ્રેસપક્ષને થયેલાનુકસાનના ડેમેજ કંટ્રોલ માટે પણ ચોક્કસ જવાબદારી સ્થાનિક નેતાઓને સોંપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓની ભૂમિકા પણ મદદગાર સાબિત થશે. તો ચૂંટણીને હવે ગણતરીના દિવસો  બાકી રહ્યા છે ત્યારે પક્ષ વિરોધી કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ આચરનારને કોઇપણ સંજોગોમાં માફી નહી બક્ષાય તે પણ કોંગ્રેસ મોવડીમંડળે સાફ કરી દીધું છે અને તેથી બેઠકમાં તે મુદ્દે પણ સ્પષ્ટ તાકીદ કરી દેવાઇ હતી. તો, રાજયસભાની ચૂંટણી વખતે વફાદારી રાખનાર કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોને રિપીટ કરવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો હતો.

    

 (09:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS