Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસ માટે ૨૧૨ નિરીક્ષક નિમાયા

રાહુલ ગાંધી સાથેની બેઠકમાં અતિ મહત્વનો નિર્ણય : દરેક નિરીક્ષકોને વિધાનસભા દીઠ જવાબદારી સોંપવામાં આવશે : રાજસ્થાનના પૂર્વ એમપી, એમએલએનો સામેલ

   અમદાવાદ,તા. ૧૨ :    ગુજરાત કોંગ્રેસના નેતાઓની કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આજે નવી દિલ્હી ખાતે યોજાયેલી અગત્યની બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસ માટે ૨૧૨ નીરીક્ષકોની નિમણૂંક કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નીરીક્ષકોમાં રાજસ્થાન, મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્યો અને સંસદસભ્યોનો પણ સમાવેશ કરાયો છે. દરેક નીરીક્ષકોને ગુજરાતમાં વિધાનસભા બેઠક દીઠ જવાબદારી સોંપવામાં આવશે.

      કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠકને લઇ દિલ્હી પહોંચેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓની એક અગત્યની બેઠક પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ યોજાઇ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિનિયર નેતા શકિતસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા તો, બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ અને કોંગ્રેસના ગુજરાતના પ્રભારી એહમદ પટેલે ખાસ હાજરી આપી હતી. બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક વિધાનસભા મતક્ષેત્ર દીઠ નીરીક્ષકોની નિમણૂંકનો મુદ્દો હાથ પર લેવાયો હતો અને પુખ્ત વિચારણાના અંતે ગુજરાત કોંગ્રેસ માટે ૨૧૨ નીરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી હતી. આ તમામ નીરીક્ષકોને ગુજરાત રાજયની ૧૮૨ વિધાનસભા બેઠકો  પર બેઠક દીઠ જવાબદારી સોંપવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા નિયુકત કરાયેલ આ નીરીક્ષકોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજયના પૂર્વ ધારાસભ્યો અને સંસદસભ્યોનો ખાસ સમાવેશ કરાયો છે. જેઓ ગુજરાત કોંગ્રેસ માટે ચૂંટણીલક્ષી મહત્વની નીરીક્ષણની જવાબદારી સંભાળશે.

           ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ ગુજરાત કોંગ્રેસમાં પ્રચાર પ્રસારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, તો બીજીબાજુ, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન, લોકોમાં તેનું પાસુ વધુ મજબુત કરવા અને પક્ષ તરફી વિશાળ જનમત ઉભો કરવાના હેતુથી કોંગ્રેસ દ્વારા મહત્વના નિર્ણયો પણ તાત્કાલિક અસરથી લેવાઇ રહ્યા છે. તેના ભાગરૂપે આજે કોંગ્રેસ દ્વારા ૨૧૨ નીરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી હતી.

 (08:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS