Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

યુવકની માથામાં હથિયારના ઘા મારીને હત્યા થઇ : રિપોર્ટ

ગોધાવી ગામના તળાવથી યુવકની લાશ મળી હતી : મરનાર યુવક ઘાટલોડિયાના જમીન દલાલનો પુત્ર હતો, હત્યારાઓએ તેની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી

   અમદાવાદ,તા.૧૨ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક રબારી યુવકની લાશ થોડા દિવસ પહેલાં સાણંદ પાસેના ગોધાવી ગામના તળાવમાંથી મળી આવી હતી, જે ચકચારભર્યા પ્રકરણમાં યુવકના લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવકની માથામાં તીક્ષ્ણ હથિયારના કારણે હત્યા કરાઇ હોવાનું જણાયું હતું. પોલીસ તપાસમાં સમગ્ર વિગતો સામે આવી હતી કે, મરનાર યુવક વિપુલ દેસાઇ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા જમીનદલાલ ઇશ્વરભાઇ દેસાઇનો પુત્ર હતો અને તે બનાવ વખતે તેના સસરાને ત્યાં જવાનું કહીને નીકળ્યો હતો અને તે ઘેર પરત ફર્યો ન હતો. આખરે તેની લાશ સાણંદ પાસેના ગોધાવી ગામના તળાવમાંથી મળી આવી હતી. અંગત અદાવતમાં યુવકની હત્યા થઇ હોવાનું પોલીસ માની રહી છે. જો કે, હવે પીએમ રિપોર્ટમાં બધી બાબતો સ્પષ્ટ થઇ ગયા બાદ પોલીસે આરોપી હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે, ગત તા.૩-૧૦-૨૦૧૭ના રોજ અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે ગોધાવી ગામના તળાવમાંથી એક યુવકની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. સ્થાનિકો દ્વારા બોપલ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો સ્ટાફ અને કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી પંચનામું કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક ૨૫ વર્ષના આશરાનો અને તે શહેરના ઘાટલોડિયા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે યુવકની લાશને પીએમ અર્થે મોકલી આપી હતી અને તેના રિપોર્ટના આધારે હકીકતો સ્પષ્ટ થશે તેમ જણાવ્યું હતું. દરમ્યાન યુવકનો પીએમ રિપોર્ટ આવતાં તેના માથામાં તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી હત્યા કરાઇ હોવાની વાતનો ખુલાસો થતાં પોલીસે હવે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસતપાસમાં એ હકીકત પણ સામે આવી હતી કે, મરનાર યુવક વિપુલ દેસાઇ ઘાટલોડિયાની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ઇશ્વરભાઇ દેસાઇનો પુત્ર હતો. ઇશ્વરભાઇ દેસાઇ જમીનદલાલીનું કામ કરે છે. તેમનો મોટો પુત્ર વિપુલ દેસાઇ અને નાનો પુત્ર વિશાલ દેસાઇ ગુરૂકુળ વિસ્તારમાં અમૂલ પાર્લર ચલાવે છે. વિપુલના લગ્ન થોડા સમય પહેલાં થલતેજ વિસ્તારમાં રહેતા રણછોડભાઇની પુત્રી દિપીકા સાથે થયા હતા. તેની પત્ની છેલ્લા એક વર્ષથી રિસાઇને પિયર જતી રહી હતી. ગત તા.૨જી ઓકટોબરના રોજ વિપુલ એકટીવા લઇ તેના સસરાના ઘેર જવાનું કહીને ઘેરથી નીકળ્યો હતો. રાત્રે વિપુલના મિત્રનો ઇશ્વરભાઇ પર ફોન આવ્યો હતો કે, વિપુલ રિસાયો છે અને મારી ગાડી લઇ ગયો છે. તે ઘેર આવવાની ના પાડે છે. તેમણે કારણ પૂછતાં સંજયે ફોન મૂકી દીધો હતો. બાદમાં વિપુલનો મોબાઇલ બંધ આવતો હતો. જેથી ઇશ્વરભાઇએ સંજયને ફોન કરી જણાવ્યું કે, વિપુલ રિસાયો હોય તો તેને સમજાવીને ઘેર લઇ આવ અને તેનો ફોન બંધ આવે છે તો તેની બેઠક હોય ત્યાં તપાસ કરવા જણાવ્યું હતું. વિપુલના મિત્ર અને તેના ભાઇએ તેની ગોતા, વૈષ્ણોદેવી, ખોરજ કેનાલ સહિતના સ્થળોએ તપાસ કરી હતી પરંતુ તેની ભાળ મળી ન હતી. બીજા દિવસે તેની લાશ ગોધાવી ગામના તળાવમાંથી મળી આવી હતી. પોલીસ અંગત અદાવતમાં વિપુલની હત્યા કરાઇ હોવાનું માની રહી છે, જો કે, તપાસ હજુ ચાલુ છે.

 (07:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS