Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

ગુજરાતમાં આવતા મહાનુભાવોને SPGની તાલીમ પામેલા અફસરોનું સુરક્ષાચક્ર

વિધાનસભાની ચુંટણી સંદર્ભે ગુજરાતમાં પ્રચારાર્થે ઉતરી પડનારા વીવીઆઇપીઓની સુરક્ષા માટે રાજય સરકારે સ્પેશ્યલ પ્રોટેકશન ગૃપ સાથે એમઓયુ (કરાર) કર્યા : વડાપ્રધાન-માજી વડાપ્રધાન અને અન્ય દેશોના વડાઓના સુરક્ષાનું સુકાન સંભાળતા એસપીજી પાસે ગુજરાતના દોઢ ડઝનથી વધુ નાના મોટા અફસરોને વિશેષ તાલીમ, તાલીમ પામેલાઓ દ્વારા રાજકોટ શહેર અને રાજકોટ જીલ્લા સહિત રાજયભરના વિવિધ શહેરો- જીલ્લાઓના પોલીસ અધિકારીઓને કરાઇ પોલીસ અકાદમીમાં સ્પેશ્યલ કમાન્ડો ટ્રેનીંગનું કાર્ય રાત-દિવસથી ધમધમે છે. ચુંટણી બાદ પણ બાકી રહેલા તમામ પસંદગીના અધિકારીઓ તથા સ્ટાફની તાલીમ આપવાનું યથાવત રહેશે. એડીશ્નલ ડીજીપી કક્ષાના રક્ષાશકિત યુનિવર્સિટીના વડા વિકાસ સહાય સાથે 'અકિલા'ની વિશેષ વાતચીત.

ગુજરાતમાં આવતા મહાનુભાવોને SPGની તાલીમ પામેલા અફસરોનું સુરક્ષાચક્ર

   રાજકોટ, તા., ૧રઃ વડાપ્રધાનના હોમ સ્ટેટ એવા ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપે જેનો વ્યાપક આવિષ્કાર કરેલ તેવી સોશ્યલ મીડીયા વોરમાં કોંગ્રેસ-ભાજપથી આગળ નિકળી જતા અને જે રીતે વિકાસ શબ્દ મજાકનો વિષય બની જવા સાથે પેટ્રોલના મૂળ ભાવ જેટલો જ રાજય સરકારનો વેટ વગેરે મુદ્દા ચમકવા સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીને ગુજરાતમાં જે રીતે ધારણા બહાર આવકાર સાંપડયો અને રાહુલ ગાંધી નવેમ્બરમાં ફરી દક્ષિણ ગુજરાતના પ્રવાસનું આયોજન કરાઇ રહયું છે તે બધી બાબતો જાણી ભાજપ ચોંકી ઉઠયું છે.

   કોંગ્રેસનો અને ખાસ કરીને સોશ્યલ મીડીયામાં ચાલતી વોરનો અને તેના મુદ્દાઓનો અસરકારક જવાબ આપવા માટે દેશભરમાંથી ફાયર બ્રાન્ડ સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં સતત ઉતારવાના હોવાથી પોલીસ તંત્ર માટે આ મહાનુભાવોની સલામતીનો પ્રશ્ન ચિંતારૂપ ન બને તે માટે આઇબી રીપોર્ટ આધારે ગુજરાત પોલીસે પણ ચુપકીદીથી પોતાનું પ્લાનીંગ લાંબા સમય થયા શરૂ કરી દીધું છે. ઉકત યોજનાના ભાગરૂપે વડાપ્રધાન અને માજી વડાપ્રધાન તથા અન્ય દેશના વડાઓના આગમન સમયે મહત્વની જવાબદારી સંભાળતા એસપીજીની કાર્યક્ષમતા ધ્યાને લઇ ગુજરાત પોલીસના પસંદગીના દોઢ ડઝનથી વધુ નાના-મોટા પોલીસ અફસરોને ખાસ એસપીજી તાલીમ અપાવી આવા તાલીમ પામેલા તાલીમીઓ પાસે રાજયના વિવિધ શહેરો અને જીલ્લાઓના પોલીસ સ્ટાફ તથા પોલીસમેન અને ડ્રાઇવરોને પણ તાલીમ આપવાનું અભિયાન રાજયભરમાં શરૂ થયું છે. આ માટે એસપીજી સાથે રાજય સરકારે ખાસ એમઓયુ પણ કર્યા છે.

   સમગ્ર અભિયાનનંુ જેને સુકાન સંભાળ્યું છે તેવા રક્ષા શકિત યુનિવર્સિટીના હેડ અને રાજય પોલીસ તંત્રના એડીશ્નલ ડીજીપી કક્ષાના સિનીયર આઇપીએસ વિકાસ સહાયે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવેલ કે, વિધાનસભાની ચુંટણી ધ્યાને લઇ ગુજરાતભરમાં આવનાર વિવિધ પક્ષોના મહાનુભાવોની સલામતી જળવાઇ રહે અને તેમાં કોઇ ચુક થયે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે માટે વિશેષ વિચારણા બાદ સ્પેશ્યલ પ્રોટેકશન ગૃપ (એસપીજી-દિલ્હી) પાસે રાજય પોલીસ તંત્રના ૧પ થી વધુ પોલીસ અફસરોને પસંદ કરી તેઓને કમાન્ડો તાલીમ આપવામાં આવી હતી. આવી તાલીમ પામેલાઓને રાજયના વિવિધ શહેર-જીલ્લાઓમાં મોકલી જે તે શહેર-જીલ્લાના નાના મોટા પોલીસ અધિકારીઓને કરાઇ ખાતે તાલીમ આપવાનું શરૂ થઇ ગયું છે. આમ તો આ સમગ્ર અભિયાન રક્ષા શકિત યુનિવર્સિટી દ્વારા ચાલે છે પરંતુ યુનિવર્સિટીમાં જગ્યા વિશાળ ન હોય આ માટે કરાઇ(ગાંધીનગર) ખાતે આવેલ પોલીસ અકાદમીની પસંદગી કરવામાં આવી છે. તેઓએ જણાવેલ કે, મોટા ભાગના જીલ્લાઓમાં અને શહેરોમાં આવી તાલીમો અપાઇ ગઇ છે. રાજકોટ શહેર અને જીલ્લામાં તથા સુરત શહેર જીલ્લો અને વડોદરા શહેર જીલ્લામાં આવી તાલીમ આપવામાં આવનાર છે તેમ વિકાસ સહાયે અકિલા સાથેની વાતચીતના અંતે જણાવ્યું હતું.

 (04:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS