Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

રાહુલ ગાંધીનો ત્રીજુ ચરણ હવે દિવાળી પછી આવશે

ચોથા ચરણમાં ઉત્તર ગુજરાતનો ચૂંટણી પ્રવાસ કરશે : કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોનના પ્રવાસની સફળતા બાદ દક્ષિણ-ઉત્તર ગુજરાતના પ્રવાસોને સફળ બનાવાશે

રાહુલ ગાંધીનો ત્રીજુ ચરણ હવે દિવાળી પછી આવશે

   અમદાવાદ,તા. ૧૨ : કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હવે દિવાળી બાદ ફરીથી ગુજરાતની મુલાકાતે આવશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ ત્રીજા તબક્કામાં તેઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોનો ચૂંટણી પ્રવાસ કરશે. સૌથી છેલ્લે રાહુલ ગાંધી ૪થા તબક્કામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફરી કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન પણ રાહુલ ગાંધી મહત્તમ દેવ દર્શન અને ગરીબ અને પછાત મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ યોજી જાહેરસભાઓ, રોડ-શો અને પ્રશ્નોત્તરી કાર્યક્રમો યોજશે. તો, બીજીબાજુ, રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ઝોનના ચૂંટણી પ્રવાસની જબરદસ્ત સફળતા અને સાંપડેલા અભૂતપૂર્વ લોકસમર્થન બાદ ગુજરાત કોંગ્રેસમાં જોરદાર ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો છે અને તેથી હવે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસને પણ સફળ બનાવવાની અસરકારક કવાયત હાથ ધરવામાં આવી છે. રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ઝોનના ચૂંટણી પ્રવાસ દરમ્યાન કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર પર નોટબંધી, જીએસટી ઉપરાંત, બેરોજગારી, ખેડૂતો, મહિલાઓ સહિતના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા તો સાથે સાથે કોંગ્રેસની સરકાર આવે તો રાજયમાં ખેડૂતોના તમામ દેવા માફ, બેરોજગાર યુવાનોને રોજગાર, મહિલાઓને સુરક્ષાના વચનો આપવાની સાથે કોંગ્રેસની સરકાર એ લોકોની સરકાર હશે તેવી ખાતરી આપી હતી. રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણી પ્રવાસને સફળતા બાદ તાજેતરના મધ્ય ઝોનના ચૂંટણી પ્રચારકાર્યને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો. ખાસ કરીને આદિવાસી અને પછાત વિસ્તારોમાં રાહુલ ગાંધીનું લોકોએ ફુલહારથી સ્વાગત કરી તેમનું અભિવાદન ઝીલવા ભારે પડાપડી કરી હતી. રાહુલ ગાંધીની જાહેરસભામાં ઉમટેલા લોકો અને તેમના ઉત્સાહને લઇને જ આ વાત સ્પષ્ટ થઇ જતી હતી. રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસની સફળતા અને લોકસમર્થનને જોઇને ગુજરાત કોંગ્રેસમાં પણ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મ્હાત આપવા નવા પ્રાણ જાણે ફુંકાયા છે.

   કોંગ્રેસના સામાન્ય કાર્યકરથી લઇ ટોચના નેતાઓ અને સ્થાનિક આગેવાનોમાં નવા ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો છે. જેથી દિવાળી બાદ હવે રાહુલ ગાંધીના ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ છેલ્લા ૪થા તબક્કામાં ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રવાસને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરાઇ છે. દિવાળી પછી તા.૨૪ ઓકટોબરની આસપાસ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની શકયતાઓ સેવાઇ રહી છે, તેથી ગુજરાત કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક નેતાઓએ દક્ષિણ ગુજરાતના રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસને સફળ બનાવવાની તૈયારીઓ આરંભી છે. પોતાના ત્રીજા અને ૪થા તબક્કાના ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ દેવ દર્શન અને આમ આદમી સાથે સીધો સંવાદ કરી કોંગ્રેસ તરફી જનમત ઉભો કરશે.

 (10:14 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS