News Flash

 

Tantri Sthanethi

News of Saturday, 12th August, 2017

લોકપ્રશ્ને
લોકોને મૂરખ
બનાવવાના ખેલ

રાજકોટ મહાપાલિકામાં ધમાલ-ગોમાલઃ નેતાઓ- અધિકારીઓને જલ્સા, લોકોના નસીબમાં રખડતા ઢોર, ગંદકી અને રોગચાળો....

   બે દિવસ પહેલા રાજકોટના લોકપ્રશ્ને શહેર કોંગ્રેસે શિવજીને આવેદનપત્ર આપ્યું હતું... આ પરાક્રમની રાહુલ ગાંધીને ખબર પડે તો શું થાય ? એ તુરત જ રાજકોટ કોંગ્રેસને કહે- 'આપણે  '' લોકો જેવા સાંપ્રદાયિક નથી, શિવજીને આપેલા આવેદનની એક નકલ મસ્જિદમાં અને એક નકલ ચર્ચમાં પણ પહોંચાડીને બિનસાંંપ્રદાયિકતાનું ઉદાહરણ પૂરૃં પાડો- નહિ તો આકરા પગલા ભરીશું '

   રાજકારણીઓની દૃષ્ટિ રાજનીતિ તરફ જ રહે છે-લોકપ્રશ્ને પણ લોકોને મૂરખ બનાવવાના ખેલ કરીને રાજકીય લાભ ખાટવા મથે છે. અધિકારીઓ લોકપ્રશ્નોને લટકતા રાખવામાં માહેર થઇ ગયા છે. શાસક-વિપક્ષ અને તંત્રની આવી વૃત્તિ સૌથી મોટો લોકપ્રશ્ન બની ગયો છે.

   ગઇકાલે રાજકોટ મહાપાલિકામાં ધમાલ થઇ. લોકપ્રશ્ને ચર્ચા કરવા વિપક્ષ કોંગ્રેસે બધડાટી બોલાવવી પડી. ધમાલ જોઇને ભાજપીઓએ સંમત થવું પડયું. અંતે લોકપ્રશ્ને બે કલાક ચર્ચા થઇ.... લોકોની સમસ્યા મામલે બંને પક્ષોએ અધિકારીઓની ઝાટકણી કાઢી...

   ચર્ચા કરવાથી પ્રશ્નો ઉકલતા નથી, તેવો અનુભવ ૭૦ વર્ષની લોકશાહીમાં થઇ ગયો છે. લોકપ્રશ્ને ચર્ચા કરીને મીર માર્યો હોય તેવી અદાથી વિપક્ષ-શાસક મીડિયા સામે પ્રગટ થયા. પ્રશ્નો યથાવત જ છે, ભાજપ શાસક તરીકે નિષ્ફળ છે અને કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ છે. એ બંનેએ સાથે મળીને અધિકારીઓને વીલન ચીતરીને પોતે છટકી ગયા...

   લોકપ્રશ્ને લોકોને મૂરખ બનાવવાનો આ શ્રેષ્ઠ ખેલ ગણાય. અહીં અધિકારીઓની તરફેણ કરવાનો ઇરાદો નથી. અધિકારી જમાત લોકપ્રશ્ને સાવ બેજવાબદાર છે જ... સવાલ એ છે કે- અધિકારીઓ દબાણ દૂર કરવા નીકળે ત્યારે રાજકારણીઓ જ દંગલ કરીને અટકાવે છે. રખડતા ઢોર પકડાય ત્યારે રાજકારણીઓ જ ડબ્બામાંથી છોડાવી જાય છે આવું કરીને નેતા-નેતીઓ પરાક્રમ કર્યું હોય એ રીતે મીડિયા સામે પ્રગટ થાય છે અને મીડિયા પણ આવા લબાડોને મોટાભા બનાવી દે છે....

   કોંગ્રેસ તો ઠીક, ગઇકાલે ભાજપે પણ અધિકારીઓની ઝાટકણી કાઢી... આ દૃશ્યો હાસ્યાસ્પદ જ ગણાય. રાજકોટ, રાજય અને દેશમાં સર્વત્ર ભાજપ જ સત્તા ઉપર છે. સત્તાધીશ અધિકારી પાસેથી લોકપ્રશ્નોના કામ કરાવી ન શકે તો એ નિષ્ફળ ગયા કહેવાય. રાજકોટ ભાજપ પોતાની નિષ્ફળતા છતી કરી રહ્યો હતો, પણ મીડિયામાં હેડીંગ આવ્યા કે- ભાજપે પણ અધિકારીઓને બરાબરના ઝાટકયા !

   રાજકોટમાં સ્વાઇનફલુથી દરરોજ લોકો મરી રહ્યા છે... ચોમેર ગંદકીના ગંજ છે.. ઝેરી મચ્છરોએ શહેર પર કબજો લઇ લીધો છે. માર્ગો તૂટ્યા છે. સતત અકસ્માતો થાય છે. સ્થિતિ ભયાનક છે. લોકોના મોતને પણ ગંભીરતાથી લેવામાં નથી આવતું. આ સમય ચર્ચાનો નથી, રાજકારણીઓ મતદારોનું ઋણ ચૂકવવા સેવામાં લાગી જાય, અધિકારીઓ પગારનું ઋણ ચૂકવવા સેવામાં લાગી જાય. મીડિયા પણ લોકપ્રશ્નો ઉકેલ તરફનો દૃષ્ટિકોણ કેળવે એ જરૂરી છે. સૌથી સચોટ ઉકેલ એ છે કે, લોકપ્રશ્ને લોકો જ જાગૃત થઇ જાય તો શાસક-વિપક્ષે ઉંઘ હરામ કરવી ફરજિયાત બને, નહિતર મેયરની દાઢી જેવા કઢંગા શહેરમાં જીવવાની ટેવ પાડવી પડશે.

 (05:30 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS