Samachar Saurashtra

News of Saturday, 12th August, 2017

મંગળવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમીની ઉજવણીઃ દ્વારકામાં ભવિકો ઉમટશે

નાગ પાંચમની ઉજવણીઃ કાલે રાંધણ છઠ્ઠઃ સોમવારે શિતળા સાતમ ઉજવાશે...: સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર્વનો ધમધમાટઃ લોકમેળા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો

મંગળવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમીની ઉજવણીઃ દ્વારકામાં ભવિકો ઉમટશે

      રાજકોટ તા.૧ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વ અને સ્વાતંત્ર્ય પર્વનો ભારે ઉત્સાહ છવાયો છે અને લોકમેળાઓની રંગત જામી રહી છે. ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે. જેના માટે તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

      આજે નાગ પાંચમની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી થઇ રહી છે અને નાગદાદાનું પુજન, અર્ચન કરીને નાગપાંચમની ઉજવણી કરવામાં આવી રહી છે.

      જયારે કાલે રવિવારે રાંધણ છઠ્ઠની ઉજવણી થશે અને સોમવારે શીતળા માતાજીના પુજન-અર્ચન સાથે શિતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે. જયારે તા.૧પને મંગળવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ તથા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે.

      દ્વારકા

      દ્વારકા : દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે. જગત મંદિર ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. દ્વારકાધીશ ભગવાન મંદિરે રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. દ્વારકા ખાતે શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવમાં જોડાવવા માટે દેશ-વિદેશથી ભાવિકોની ભારે ભીડ જામશે.

      જુનાગઢ

      જુનાગઢ : શહેરમાં પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વમાં શોભાયાત્રા અને ફલોટ નિર્માણનું આયોજન કરાયું છે. જેમાં ગંધ્રપવાડામાં આવેલ પૌરાણીક હાટકેશ્વર મંદિર પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નીમીતે ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરતા વિશાળ સમીયાણામાં ફલોટનું નિર્માણ કરવા માટે હાટકેશ યુવક મંડળના યુવાનો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાટકેશ્વર યુવક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવતા ફલોટનું શહેરમાં દર વર્ષે પ્રથમ નંબર મેળવવાની સફળતા મળે છે.

      આ વર્ષે પણ હાટકેશ્વર યુવક મંડળના યુવાનો ઇનામની પરંપરા જાળવવા માટે ફલોટ નીર્માણના કાર્યની પુરજોશથી તૈયારીઓ કરી રહ્યા છે.

      ભાવનગર

      ભાવનગર : કચ્છનાં અંજારમાં આવેલ લબ્ધ પ્રતિષ્ઠીત સચ્ચિદાનંદ મંદિર આયોજીત પ્રતિ વર્ષની માફક તા. ૧૬-૮-ર૦૧૩ બુધવારના રોજ નંદ મહોત્સવની રંગેચંગે ઉજવણી થશે.

      મંદિરના મહંત અને પ્રભાવક  વકતા પૂ. શ્રી ત્રીકમદાસજી મહારાજના જણાવ્યા અનુસાર  સચ્ચિદાનંદ સંપ્રદાયની મુખ્ય ગુરૂ ગાદી તેમજ આહીરસમાજના શ્રધ્ધા કેન્દ્ર ખાતે  આ દિને ભવ્યાતીત શોભાયાત્રા નીકળશે. જે પૂર્ણ થયા બાદ ભાતીગળ પરીવેશમાં દાંડીયા રાસ રાખવામાં આવેલ છે. આ પ્રસંગે સંતો, મહંતો, વિદ્વતજનોના શ્રીમુખે પ્રવચનો ધુન -ભજન, સંકિર્તન સહિત અનેકા નેક કાર્યક્રમોનું આયોજન થયેલ છે.

      પૂ. મહંત ત્રિકમદાસ મહારાજએ જણાવ્યું કે સતાપર (કચ્છ) ગામે ત્રીસ એકરમાં અલૌકિક દર્શનીય ગોવર્ધન પર્વતનું નિર્માણ થયલ છે. ત્યા ચાર હજાર વૃક્ષો ગત વર્ષથી બે એકરમાં યમુનાજીનો ચુંદડી મનોરથ પણ ઉજવાય છે. વૃંદાવનની માફક ચોંપાસા, કામવન કોકિલા, મધુવન, વ્રજ રમણરેતી આદિનું નિર્માણ કરાશે.

      તળેટીમાં ગોવર્ધનની પ્રતિકૃતિ સમાન ૧પ કુંડ પ્રદશ્રીણા  માર્ગમાં ગુરૂ મહારાજની દેરીઓ, ચબુતરો તથા યમુના મહારાણી સરોવર સંતકુટીર, સપ્ત પ્રષી ઝુંપડી દર્શનીય છે કોઇ ધર્મપ્રેમી વ્રજની યાત્રાએ ન જઇ શકેએમ હોય, તો સતાપર (કચ્છ અંજાર) માં વ્રજ દર્શન થઇ શકે છે.

      નંદ મહોત્સવમાં રતનાલ, ખેડોંઇ, પાંચોટીયા,  ઝરપરા તેમજ મુંબઇ, બેંગ્લોર, દૂબઇ, મસ્કત, અબુધાબીથી ભકતજનો ઉપસ્થિત રહેશે. મહોત્સવમાં સર્વો માટે મહાપ્રસાદ તેમજ રહેવાની વ્યવસ્થા છે. બહોળા પ્રમાણમાં લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.

       

 (09:36 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS