Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

વિદેશના એકસપોર્ટ- ઇમ્પોર્ટના ધંધાર્થી સાથે રાજકોટના પટેલ દંપતિ સહિતની રૂ.૧.૧૦ કરોડની છેતરપીંડી

યુક્રેન રહેતાં ઓલેહ હકીમોવે ફેબ્રુઆરીમાં રાજકોટ આવી ઓલ્લો ઇમ્પોર્ટ એકસપોર્ટ કંપનીના સંચાલકોને ૨૪૦ મેટ્રીક ટન કાબુલી ચણાનો ઓર્ડર આપી ડોલર ચુકવી દીધા હતાં: પણ આજ સુધી માલ મોકલ્યો જ નહિઃ ખોડાભાઇ રામાણી (પટેલ), તેના પત્નિ નીતાબેન રામાણી, લાઠીના મિલન બોચાણીયા અને કંપનીના કર્મચારી ધર્મેશ કોટડીયા સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

   રાજકોટ તા. ૧૨: રશિયાના યુક્રેનના રહેવાસી અને ઇમ્પોર્ટ એકસપોર્ટના ધંધાર્થી ઓલેહ હકીમોવ (ઉ.૫૧) સાથે રાજકોટની ઓલ્લો એકસપોર્ટ ઇમ્પોર્ટ કંપનીના સંચાલક પટેલ દંપતિ સહિત ચારે કાબુલી ચણાનો ઓર્ડર લઇ ડોલર લઇ લીધા બાદ માલ ન મોકલી કુલ રૂ. ૧ કરોડ ૧૦ લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ થઇ છે.

   આ બારામાં તાલુકા પોલીસે યુક્રેનના ઓલેહ હકીમોવની ફરિયાદ પરથી રાજકોટ આકાશવાણી ચોક પેરેમાઉન્ટ સોસાયટી-૬માં રહેતાં અને ઓલ્લો એકસપર્ટ ઇમ્પોર્ટ લિ. નામે બિઝનેસ કરતાં ખોડાભાઇ નાગજીભાઇ રામાણી, તેના પત્નિ નીતાબેન ખોડાભાઇ રામાણી, કંપની સાથે સકંળાયેલા લાઠીના મિલન કાંતીભાઇ બોચાણીયા, તથા કર્મચારી ધર્મેશ પ્રવિણભાઇ કોટડીયા (રહે. ૪૩-આલાપ સેન્યુરી પુષ્કરધામ) સામે આઇપીસી ૪૦૯, ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૧૨-બી ઇન્મફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૮ની કલમ ૬૬ ડી મુજબ ગુનો નોંધ્યો છે.

   ઓલેહ હકિમોવે ફરિયાદમાં જણાવ્યું છે કે હું યુક્રેનમાં ટ્રેડિંગનો ધંધો કરુ છું અઅને રાજકોટની ઓલ્લો ઇમ્પોર્ટ એકસપોર્ટ કંપનીના ખોડાભાઇ રામાણી, મિલન પટેલ,  નિતાબેન રામાણી, તથા ધર્મેશ કોટડીયાને  ૧૦/૨/૧૭ના રોજ રાજકોટ મારી દિકરી અનાસ્ટાસીયા સાથે આવી ખોડાભાઇની ઓફિસે બેસી તેની પાસેથી ૨૪૦ મેટ્રીક ટન ચણાનો ઓર્ડર આપ્યો હતો. આ માટે તેને ૨,૫૩,૯૨૦ યુ.એસ. ડોલર ચુકવ્યા હતાં. એગ્રીમેન્ટ મુજબ ખોડાભાઇએ કહ્યું હતું કે હું એગ્રીમેન્ટ મુજબનો માલ સમયસર ન મોકલી શકું તો મારી મિલ્કત વેંચીને એડવાન્સ રકમ પરત ચુકવી દઇશ. આથી તેના પર વિશ્વાસ મુકી તેને ૧,૭૦,૬૩૨ ડોલર આપ્યા હતાં. (જેની ભારતીય ચલણ મુજબની કિંમત ૧,૧૦,૯૧,૦૮૦ થાય છે).  રકમ લઇ લીધા બાદ ઓલ્લો કંપનીના માલિકો-કર્મચારીઓએ આજ સુધી ચણાનો માલ મોકલ્યો નથી તેમજ એડવાન્સ આપેલી રકમ પણ અમને પરત આપી નથી. આમ આ તમામે પૂર્વયોજીત કાવત્રુ રચી અમારી સાથે છેતરપીંડી કરી છે અને પૈસા ઓળવી ગયા છે. અમને ગુજરાતી ભાષામાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી પોલીસે ફરિયાદ સમજાવી છે. તેમ ફરિયાદીએ જણાવ્યું છે. પી.આઇ. વી.એસ. વણઝારા, જયંતિભાઇ, પ્રદિપસિંહ સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

 (03:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS