Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

મોચી પરિવારના એકના એક ૨૦ વર્ષના પુત્રના રહસ્યમય મોતમાં ગુનો નોંધાયો

એચ.એન. શુકલા કોલેજનો છાત્ર ૬ મહિના પહેલા બાઇક લઇને કોલેજ જવા નીકળ્યાના અડધા કલાકમાં જ ભારે ઇજાઓ સાથે ઘરે આવ્યો'તોઃ તેણે વાહન અકસ્માતનું કહેલું: પણ તબિબે ઇજા અકસ્માતથી અને મારથી પણ થઇ શકે તેવી હોવાનું કહ્યું હતું

      રાજકોટ તા.૧૨: શહેરના પોશ વિસ્તાર રામકૃષ્ણનગર-૬માં બજરંગ ભુવન ખાતે રહેતાં કારખાનેદાર મોચી પરિવારના એકના એક ૨૦ વર્ષના પુત્ર હર્ષિતનું ફેબ્રુઆરી મહિનામાં વાહન અકસ્માતમાં મોત નિપજ્યું હતું. જે તે વખતે આ યુવાનને માર મારવાને કારણે ઇજા થયાની ભારે ચર્ચાઓ વહેથી થઇ હતી. જો કે તેનું એક માસની સારવાર બાદ કોમાની હાલતમાં જ મોત નિપજ્યું હતું. ખરેખર અકસ્માત નડ્યો કે તેને માર મારવામાં આવ્યો હતો? તે અંગે રહસ્ય હતું. અંતે આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે વાહન અકસ્માતમાં મોત થયાનો ગુનો નોંધ્યો છે.

      મૃતક હર્ષિતના માતા વર્ષાબેન શશિકાંતભાઇ પરમારની ફરિયાદ પરથી અજાણ્યા ફોર વ્હીલરના ચાલક સામે આઇપીસી ૨૭૯, ૩૩૭, ૩૦૪ (અ) તથા એમવીએકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. વર્ષાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિનેભકિતનગર સ્ટેશન પ્લોટમાં કારખાનુ છે. સંતાનમાં એક પુત્રી હેતાંશી (ઉ.૨૨) તથા પુત્ર હર્ષિત (ઉ.૨૦) છે. હર્ષિત વૈશાલીનગરમાં આવેલી એચ.એન. શુકલા કોલેજમાં બીબીએનો અભ્યાસ કરતો હતો. તા. ૧/૨/૧૭ના રોજ હર્ષિત ઘરેથી યામાહા આરવન-ફાઇવ બાઇક નં. જીજે૩ડીએલ-૨૬૦૫ લઇને કોલેજે ગયો હતો. અડધા કલાકમાં જ તે પાછો ઘરે આવ્યો હતો અને એક કારવાળો ભટકાડીને ભાગી ગયો છે તેમ જણાવ્યું હતું. તે લંગડાતો હતો અને ટી-શર્ટ પેન્ટ ધુળવાળા હતાં. વાંસા-પગમાં મુંઢ ઇજાઓ હતી. છોલાયેલો હતો અને બાઇકની બ્રેક, ગીયર પાડવાની દાંડલી વળી ગયા હતાં. આગળના ભાગે લીસોટા હતાં. હર્ષિતને દુઃખાવો થતો હોઇ હું વિદ્યાનગર રોડ પર ધોળકીયા સાહેબના દવાખાને લઇ ગઇ હતી. જ્યાં તે બેભાન થઇ ગયો હતો. ત્યારે ડોકટરે તેને મગજ પર અસર થયાનું કહેતાં અમે પ્રકાશ મોઢાને ત્યાં લઇ ગયા હતાં. જ્યાં હર્ષિતને વેન્ટીલેટર પર રખાયો હતો. ડોકટરે બીજા દિવસે કહેલ કે હર્ષિતને વાંસા, પગમાં મુંઢ ઇજા અને માથામાં વધારે ઇજા છે. અકસ્માત અને મારથી પણ આવી ઇજા થઇ શકે છે. સારુ થતાં બે-ત્રણ મહિના થશે તેવી વાત કરી હતી.

      બાદમાં ૩/૩ના હર્ષિતને રજા આપી હતી અને અમે ઘરે લઇ ગયેલ. ત્યારે દિકરો કોમામાં હતો. ૪/૩/૧૭ના દિકરાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોઇ અમે ફરીથી ગોકુલ હોસ્પિટલમાં લઇ ગયેલ. જ્યાંહર્ષિતને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આમ મારો દિકરો અકસ્માત બાદ કોમામાં જતો રહ્યો હતો. તે કોઇને ઓળખી શકતો નહોતો કે બોલી શકતો નહોતો. તેને કોઇ સાથે કોઇ વાંધો તકરાર નહોતાં. કોલેજમાં પણ માથાકુટ નહોતી. તે ઘરે આવ્યો ત્યારે ફોરવ્હીલર સાથે અકસ્માત થયો છે એટલુ જ બોલી શકયો હતો.

      આ ફરિયાદ પરથી હાલ પી.એસ.આઇ. કે. જે. ચોૈહાણે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 (12:01 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS