Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

કાલથી લોકમેળોઃ પાંચ દિ'માં ૧૩ લાખ લોકો ઉમટશે

જીલ્લા વહીવટી તંત્ર-પોલીસ તંત્ર સાબદાઃ કુલ ૩પ૦ સ્ટોલઃ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ્દઃ ૪પ યાંત્રિક આઇટમોથી મેળો ઝુમશેઃ કુલ ૪ ગેઇટ ઉપરથી એન્ટ્રીઃ સવારે ૧૦ વાગ્યે પુરવઠા મંત્રીના હસ્તે ઉદ્દઘાટનઃ કલેકટરના માર્ગદર્શન હેઠળ ડે.કલેકટર પ્રજ્ઞેશ જાની દ્વારા તમામ વ્યવસ્થાઃ વડાપ્રધાન-મુખ્યમંત્રી સાથે સેલ્ફી લેવા માટે સ્પેશીયલ ઝોન રખાયો

      રાજકોટ તા.૧ર : અત્રેના રેસકોર્ષ મેદાન ઉપર કાલથી પાંચ દિ'ના રંગારંગ વાયબ્રન્ટ લોકમેળાનો પ્રારંભ થશે. રાજયના પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે જગવિખ્યાત લોકમેળો સવારે ૧૦ વાગ્યે ખુલ્લો મુકાશે અને આ સાથે પાંચ દિ'માં જબરી માનવમેદની ઉમટી પડશે. પાંચ દિવસમાં ૧૩ લાખ લોકોથી વધુ લોકો ઉમટી પડે તેવી ધારણા તંત્ર વ્યકત કરી રહ્યુ છે.

      પાંચ દિ' દરમિયાનના સાંસ્કૃતિક કાર્યક્રમો રદ્દ કરાયા છે. સવારે ૧૦ વાગ્યે ઉદ્દઘાટન સમારોહમાં કાર્યક્રમો થશે. મેળામાં ર૬ જેટલી સંસ્થા ઉપરાંત માહિતી ખાતાના ખાસ સ્ટોલ ઉભા કરાયા છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે લોકો સેલ્ફી પાડી શકે તે માટે સ્પે. ઝોન રખાયો છે. આ થ્રીડી ઝોન એરપોર્ટ દરવાજા પાસે રહેશે.

      રાજકોટ કલેકટર ડો.વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ સીટી પ્રાંત-૧-ર અને ડે.કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની અને તેમની ટીમના શ્રી નથવાણીભાઇ, પરમાર, જીતુભાઇ અને અન્યો દ્વારા કાર્યવાહી થઇ રહી છે.

      ડે.કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાનીએ ઉમેર્યુ હતુ કે, કુલ ૩પ૦ સ્ટોલ રહેશે. આ વખતે ભરપુર વરસાદ છવાયો છે. ચારેબાજુ લીલોતરી છે અને પ્રજા ઉમટી પડશે, કુલ ૪ ગેઇટ ઉપરથી એન્ટ્રી રહેશે. મેળામાં સઘન સુરક્ષા બંદોબસ્ત રખાયો છે. આ ઉપરાંત ખાનગી સિકયુરીટીની પણ સેવા લેવાઇ છે.

      તેમણે ઉમેર્યુ હતુ કે, લોકમેળામાં મતદાર જાગૃતિને લગતા ઉપરાંત સ્વાઇનફલુ સામે જાગૃતિને લગતો ખાસ સ્ટોલ રહેશે. મેળામાં કલેકટર તંત્ર, પોલીસ તંત્ર, કોર્પોરેશન અને વીજ તંત્રના ખાસ કંટ્રોલરૂમ છે. લાઇટો ગુલ થાય તો સેકન્ડોમાં પુનઃ વીજ પુરવઠો સ્ટાર્ટ થઇ જાય તેવી જોગવાઇ છે, દબાણો ન થાય તે માટે ત્રણ મામલતદારોને ફરજ સોંપાઇ છે, જીએસટી અંગે વેચાણવેરા -તંત્રની ટીમો કામે લગાડાઇ છે, કુલ રપ૦ના સ્ટાફના ઓર્ડરો કરાયા છે.

      વરસાદ આવે તો તે સંદર્ભે પણ કપચી-મોરમ અંગે પણ પીડબલ્યુડીને કરી દેવાયુ છે. કુલ ૪પ યાંત્રિક રાઇડો-મોતના કુવા-જાદુનો ખેલ, અવનવી આઇટમો-રમકડા-ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ-સ્પે. ખમણ ઢોકળા-ખીચુ સહિતની બાબતોના સ્ટોલ આકર્ષણરૂપ રહેશે.

      મેળો તમાકુમુકત જાહેર કરાયો છે એટલે પાન-બીડી-સીગારેટના ધંધાર્થીઓ તથા ખાવા ઉપર પણ કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે.

      લોકમેળાના ઉદ્દઘાટન સમારોહમાં મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, અગ્રણીઓ અને ધારાસભ્યો સર્વ શ્રી ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, ડો.વલ્લભભાઇ કથીરીયા, દિનેશભાઇ ઇટોળીયા, મોહનભાઇ કુંડારીયા, નિલેશભાઇ વિરાણી, ગોવિંદભાઇ પટેલ, વિઠ્ઠલભાઇ રાદડીયા, ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ, ભાનુબેન બાબરીયા, કલેકટર ડો.વિક્રાંત પાંડે, પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોત, ડીડીઓશ્રી જી.ટી.પંડયા, ડીઆઇજીશ્રી ડી.એમ.પટેલ,  સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ડી.એસ.ભટ્ટ, મ્યુ.કમિશ્નર શ્રી બંછાનીધિ પાની, ડીએસપી શ્રી અંતરીપ સુદ, માર્ગ-મકાનના સુપ્રિ. એન્જીનીયર શ્રી વાય.એમ.ચાવડા તથા અન્યો ખાસ ઉપસ્થિત રહેશે.

      મેળા અંગે ડે.કલેકટરશ્રી પ્રજ્ઞેશ જાની તથા અન્યો દ્વારા આજે સઘન ચેકીંગ કરાયુ હતુ.(૩-૮)

       

 (12:01 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS