vividh-vibhag

News of Saturday, 12th August, 2017

ભરૂચમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ગુંજશે મેઘાણી ગીતો

અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નિલેશ પંડયા રમઝટ બોલાવશેઃ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને અંકલેશ્વર 'સ્માર્ટ' પોલીસ-સ્ટેશન ખાતે 'મેઘાણી-સાહિત્ય' કોર્નરનું લોકાર્પણઃ આપણા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત અને પ્રેરિત થાય તે માટે સુરક્ષા સેતુ સોસાયટી - ભરૂચ જિલ્લા પોલીસ અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું પ્રેરક આયોજન

ભરૂચમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ગુંજશે મેઘાણી ગીતો

          

         શ્રીલંકાના પ્રવાસે ગયેલ ભારતીય ટીમના ખેલાડીઓ સામી, સાહા, કુલદીપ યાદવ, ઈશાંત, ઉમેશ તથા રાહુલે રાવણ દ્વારા સીતા માતાને કેદ કરાયેલ તે અશોક વાટીકાની મુલાકાત લીધેલ.

         રાજકોટ તા. ૧૨ : ગુજરાતના ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા રમઝટ બોલાવશે.  કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી ઝવેરચંદ મેઘાણીની લોકપ્રિય રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે,  કાન તારી મોરલી, મને કેર કાંટો વાગ્યો, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં લોકગીતો પણ તેમના સંગ્રહ 'રઢિયાળી રાત 'માંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તે તેમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.

         ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહ (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. પોલીસ-પરિવાર પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સહુ રસિકજનોને આ કાર્યક્ર્મને માણવા ભાવભર્યું જાહેર નિમંત્રણ છે. પ્રવેશ વિના-મૂલ્યે અને 'વહેલા તે પહેલા'ના ધોરણે છે.  

         ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને અંકલેશ્વર 'સ્માર્ટ'પોલીસ-સ્ટેશન ખાતે 'મેઘાણી-સાહિત્ય'કોર્નર સુરક્ષા સેતુ સોસાયટી ભરૂચ જિલ્લા પોલીસ અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે. ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ઝવેરચંદ મેઘાણીએ ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંથી ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તક અહિ મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક 'કુરબાનીની કથાઓ'થી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા 'કાળચક્ર' ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો 'યુગવંદના', 'સિંધુડો', 'વેવિશાળ', 'સોરઠ તારાં વહેતાં પાણી', 'માણસાઈના દીવા', 'સૌરાષ્ટ્રની રસધાર', 'સોરઠી બહારવટિયા', 'સોરઠી સંતો', 'રઢિયાળી રાત', 'સોરઠી સંતવાણી' અહિ ખાસ ઉપલબ્ધ કરાયા છે. પોલીસ સ્ટેશને આવતા નાગરિકો મેઘાણી-સાહિત્ય વાંચીને પ્રેરણા મેળવી શકશે તેવી આશા છે.

         ભરૂચ જિલ્લા સાથે ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે. જાન્યુઆરી ૧૯૪૭માં લોકમાતા નર્મદાના તીરે તીરે પરિભ્રમણ કરીને ઝવેરચંદ મેઘાણી અભિભૂત થયેલા. ભરૂચના ભરૂચા હોલમાં વિશાળ જનમેદની સમક્ષ તેમણે દેશભકિતનાં ગીતો રજૂ કર્યાં હતા. શુકલતીર્થથી નાવમાં બેસીને કબીરવડ પણ ગયા હતા. નર્મદામાં નાવ ચલાવતા નિજામા કોમના નાવિકોની વાતોમાં તેમને રસ પડ્યો હતો. ૯ માર્ચ ૧૯૪૭ના રોજ નિધન થતાં દક્ષિણ ગુજરાતનાં લોકસાહિત્ય-લોકગીતો પર સંશોધન કરવાની તેમની ઈચ્છા અપૂર્ણ રહી.

         ૧૨૧મી મેઘાણી-જયંતી આગામી ૨૮ ઓગસ્ટે છે ત્યારે ચોટીલાની પોલીસ-લાઈનમાં જન્મેલા 'લાઈન-બોય' ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત થતા આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ છે. આપણાં સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત અને પ્રેરિત થાય તે માટે ભરૂચ જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક સંદીપ સિંહ (આઈપીએસ) અને ભરૂચ જિલ્લા પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ પાસે આવેલ સરવા ગામના મૂળ વતની અને ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ પણ લાગણીથી જહેમત ઉઠાવી રહ્યાં છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

         સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

         ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

         www.jhaverchandmeghani.com

         મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯, અમદાવાદ

         ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

 (02:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS