Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

બાગી કોંગ્રેસી ધારાસભ્યોને હવે ભાજપ શું આપશે ?

અમુકને ટીકીટનો 'વાયદો' છે તો અમુક સાથે કાંઈ જુદુ જ 'કમીટમેન્ટ': વચન પાળશે ભાજપ ?

   ગાંધીનગર, તા. ૧૨ :. કોંગ્રેસની કમ્મર તોડી નાખવા ભાજપ અને બાપુ જુથે મારેલ ઘા હાલ તો ફેઈલ ગયો છે પરંતુ અત્યંત વિશ્વસનીયતાથી એ ૧૪ ધારાસભ્યોને અલગ અલગ વચન ભાજપે આપ્યા છે, કોઈને ફરીથી ટીકીટ કોઈને દૂધનો ધંધો તો કોઈકને જુદા કમીટમેન્ટ આપ્યા છે ત્યારે હવે ભાજપ વચન પ્રમાણે ઉભો રહેશે કે કેમ ? તે અંગે ચર્ચા જાગી છે.

   રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોના ક્રોસ વોટિંગ પછી પણ ભાજપ પોતાના ત્રીજા આયાતી ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને જીતાડવામાં સફળ થયો નથી ત્યારે વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજયસભાની એક બેઠકના બદલામાં કોંગ્રેસમાંથી આવેલાં ૧૪ ધારાસભ્યોને ટિકિટ આપવાનું વચન પાળશે/ એવી ચર્ચા શરૂ થઈ છે. ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોએ ગુરુવારે ધારાસભ્યપદેથી રાજીનામા ધરી દીધા બાદ ભાજપમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે આ ધારાસભ્યોએ પણ સ્પષ્ટ રીતે જવાબ આપવાનું ટાળ્યું હતું. ભાજપ અને ધારાસભ્યોના ભેદી મૌનથી રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલને હરાવવા માટે મેદાને પડેલાં આ ધારાસભ્યો પણ શ્નરિવોર્ડલૃમળશે કે કેમ તે અંગેની શંકા સેવી રહ્યા છે.

   ગુજરાતમાં ત્રણ બેઠકો માટે યોજાયેલી રાજયસભાની ચૂંટણીમાં અગાઉ જોવા ન મળેલાં રાજકીય દાવપેચ અને ઉત્ત્ેજનાનો માહોલ સર્જાયો હતો. ભારે રસાકસીને અંતે કોંગ્રેસનો વિજય થયો અને કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર એહમદભાઈ પટેલને રાજયસભામાં ન જવા દેવાની ભાજપની ઈચ્છા પર પાણી ફરી વળ્યું છે. રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ૧૪થી વધુ ધારાસભ્યોને તોડીને કોંગ્રેસને ફટકો મારવાનો માસ્ટરસ્ટ્રોક મારનારા ભાજપ માટે ચૂંટણી પરિણામ પછીની સ્થિતિ ગળાના હાડકાં સમાન પુરવાર થઈ રહી છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને ભારે થનગનાટ સાથે આવકારનારા ભાજપને હવે આ જ ધારાસભ્યો પડકાર લાગવા માંડ્યા છે. કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ આપવા અને કેટલાક સિનિયર ધારાસભ્યોને પ્રધાનપદુ આપવાની ઓફર આપીને ક્રોસવોટિંગ માટે મનાવવામાં આવ્યા હોવાનું મનાય છે ત્યારે ભાજપને કોંગ્રેસના આ ધારાસભ્યો જયાંથી ચૂંટાયા છે તે મતવિસ્તારના સ્થાનિક દાવેદારો, કાર્યકરોના સંભવિત વિરોધના પડકારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. રાજયસભાના ચૂંટણી પરિણામ બાદ ભાજપ જેવી જ સ્થિતિ કોંગ્રેસ છોડનારા ધારાસભ્યોની છે. કોંગ્રેસના ધારાસભ્યોને ટિકિટ મળવાની ખાતરી છે પરંતુ ટિકિટ મેળવ્યા પછી જીત કેવી રીતે મળશે તેની ચિંતા સતાવી રહી છે. જાણકારો કહે છે કે, ધારાસભ્યો અને ભાજપ બંનેની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ છે. ભાજપ ટિકિટનું વચન પાળે તો તેણે કાર્યકરો-આગેવાનોને નારાજ કરવા પડશે, બીજીતરફ ટિકિટ મેળવ્યા પછી પણ ધારાસભ્યને જીતનો વિશ્વાસ નથી. સરવાળે ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવશે. જો કે, વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી અને સાણંદના ધારાસભ્ય કરમશી કોળી પટેલ સહિતના કેટલાક ધારાસભ્યોએ સામે ચાલીને ચૂંટણી લડવા ઈનકાર કર્યો હોવાના વહેતા થયેલાં સમાચાર ભાજપ માટે આશ્વાસનરૂપ સાબિત થઈ શકે છે પરંતુ રાજયસભાની એક બેઠકના બદલામાં ૧૪ બેઠકોનું આ ગણિત ભાજપ માટે આ સોદો ખોટનો કે ફાયદાનો પુરવાર થશે એ તો આવનારો સમય જ કહેશે.

 (10:03 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો