Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

ચોટીકાંડની ખોટી ફરિયાદ કરનાર સામે પગલા લેવાશે

ચોટીકાંડને ડામવા ડીજીપી કચેરીના આદેશોઃ સોશિયલ મીડિયામાં અફવા કે ખોટી માહિતીઓ વહેતી કરનારની સામે પગલા લેવાશે : સાયબર સેલ પણ એલર્ટ

   અમદાવાદ,તા. ૧૨,     અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચોટીકાંડને પગલે મચેલા હાહાકાર સંદર્ભે ગુજરાત સરકારે સીઆઇડી ક્રાઇમને તમામ મામલાઓની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાના આદેશો જારી કરી દીધા છે. જેને પગલે સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી પી.પી.પીરોજીયાની અધ્યક્ષતામાં તપાસ ટીમની રચના કરી દેવાઇ છે, જેમાં જાણીતા મનોચિકિત્સક ડો.મહેશ ત્રિપાઠીનો પણ સમાવેશ કરાયો છે. બીજીબાજુ, સરકારના આદેશોને પગલે ડીજીપી કચેરી પણ હરકતમાં આવી છે અને મોડી સાંજે ડીજીપી કચેરીએ રાજયના તમામ જિલ્લા પોલીસ વડાઓને ચોટીકાંડ મામલે મહત્વના આદેશો જારી કર્યા છે. જેમાં સૌથી મહત્વનો આદેશ એ કરાયો છે કે, ચોટીકાંડની ખોટી પોલીસ ફરિયાદ કરનાર સામે કાયદાકીય રાહે પગલાં લેવાશે અને કાર્યવાહી થશે. ડીજીપી કચેરી દ્વારા જારી કરાયેલા મહત્વના આદેશોમાં રાજયના સાયબર સેલને પણ એલર્ટ કરી દેવાયું છે. સાયબર સેલને સોશ્યલ મીડિયા પર નજર રાખવા અને ચોટીકાંડ મામલે ફેલાવાતી અફવાઓ અથવા તો પ્રજાને ગેરમાર્ગે દોરતી અને ડરાવતી વિગતો વહેતી કરનાર સામે પણ પગલા લેવાની સાફ તાકીદ કરાઇ છે. ડીજીપી કચેરી તરફથી રાજયના તમામ જિલ્લા પોલીસ વડાઓને ચોટીકાંડ મામલે જરૂરી તપાસ અને કાર્યવાહી કરવા માટે પણ કડક તાકીદ કરાઇ છે. બીજીબાજુ, રાજય સરકારના નિર્દેશાનુસાર, રાજયના ચોટીકાંડ મામલે સીઆઇડી ક્રાઇમે તપાસનો દોર હાથમાં લઇ લીધો છે અને મોડી સાંજે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી પી.પી.પીરોજીયા, પીઆઇ રાજવીર, પીઆઇ દિવ્યા સહિતના અધિકારીઓને સમાવવામાં આવ્યા હતા. તો, આ ટીમમાં જાણીતા મનોચિકિત્સક ડો.મહેશ ત્રિપાઠીને પણ સાથે રાખવામાં આવ્યા છે કે જેથી ચોટીકાંડ મામલામાં વૈજ્ઞાનિક ઢબની તપાસની સાથે સાથે ભોગ બનનાર લોકો અને સમગ્ર માહોલની મનોચિકિત્સક સ્થિતિ સહિતની જાણકારી મેળવી શકાય. સીઆઇડી ક્રાઇમ દ્વારા અમદાવાદ, મહેસાણા, જૂનાગઢ, ભરૂચના અંકલેશ્વર, દમણ સહિતના જે જે સ્થળોએ ચોટીકાંડના મામલા સામે આવ્યા છે તે સમગ્ર ઘટનાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે અને તેનો વિગતવાર અહેવાલ તૈયાર કરી સરકારમાં સુપ્રત કરવામાં આવશે.

 (09:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS