Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

કાશ્મીરી યુવાનો હાથમાં પથ્થર નથી ઇચ્છતા : પૂનમ મહાજન

ગોરખપુરમાં ૬૩ બાળકોના મૃત્યુની ઘટના દુઃખદ : ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ પૂનમ મહાજને ભારત જોડો અભિયાનનો અમદાવાદમાં પ્રારંભ કરાવ્યો

કાશ્મીરી યુવાનો હાથમાં પથ્થર નથી ઇચ્છતા :  પૂનમ મહાજન

   અમદાવાદ,તા. ૧૨,     ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચના અધ્યક્ષ પૂનમ મહાજન આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમણે અમદાવાદથી ભારત જોડો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર પૂનમ મહાજને કાશ્મીરની સળગતી સમસ્યા અંગે મહત્વપૂર્ણ નિવેદન કરતાં જણાવ્યું કે, કાશ્મીરના તમામ યુવાનો હાથમાં પથ્થર ઇચ્છતા નથી, ઘણા યુવાનો એવા પણ છે કે જેઓ, હાથમાં પેન અને પુસ્તક ઇચ્છે છે. જેઓ પથ્થર ફેંકી રહ્યા છે તેઓને અલગતાવાદી તત્વો ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે યુવાનોને સ્કીલ ઇન્ડિયાના મીશનમાં જોતરાવા અને તેના થકી તેમના જીવનના ઉત્થાન અને વિકાસ માટે સંદેશો આપ્યો હતો. તેમણે ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે ઓકિસજનના અભાવે ૬૩ બાળકોના મૃત્યુની ઘટના અંગે પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભારે ખેદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ગોરખપુરની આ ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. હું પણ એક માતા છું અને હું સમજી શકું છું ઘટનાની ગંભીરતાને. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી પોતાને યુવા નેતા કહેવડાવતા હોય ત્યારે તેમણે યુવાનો માટે શું કર્યું એ પ્રશ્ન છે. બનાસકાંઠામાં પૂરગ્રસ્ત લોકોની સેવા કરવાને બદલે પથ્થરની રાજનીતિ તેમણે કરી હતી.

      લોકસભાના સાંસદ એવા પૂનમ મહાજને ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે યોજાયેલા ભારત જોડો અભિયાન અંતર્ગત રાજયના ૪૧ જિલ્લાના પ્રમુખોને રાષ્ટ્રનો ત્રિરંગો આપી તેનો પ્રારંભ કરાવ્યો હતો. તેઓ આ અભિયાન અંતર્ગત અમદાવાદ ઉપરાંત, આણંદ અને વડોદરાની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે, મોદીના મન કી બાત કાર્યક્રમમાંથી પ્રેરણા લઇને ભારત જોડો અભિયાનનો સંકલ્પ કરાયો હતો. આ પ્રસંગે ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ, રાજયકક્ષાના મંત્રી નિર્મલાબહેન વાધવાણી, ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમિત ઠાકર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

 (09:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS