Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

ગાંધીનગરની ડીપીએસ સ્કૂલમાં ફી સંદર્ભે વાલીઓનો હોબાળો

સ્કૂલ સંચાલકોની ધમકીને પગલે વાલીઓમાં આક્રોશઃ સ્કૂલ સંચાલકોએ જો વાલીઓ ફી નહીં ભરે તો વિદ્યાર્થીની ટ્રાન્સપોર્ટ સુવિધા બંધ કરવાની ચીમકી ઉચ્ચારતા વિવાદ

   અમદાવાદ,તા. ૧૨, ગાધીનગરની ડીપીએસ સ્કૂલ ખાતે ફી ના મામલે રોષે ભરાયેલા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલ સંચાલકોએ વાલીઓને ફી માટે દબાણ કર્યું હતું અને જો ફી નહી ભરાય તો તેમના બાળકોની ટ્રાન્સપોર્ટની સુવિધા બંધ કરી દેવાની ધમકી આપી હતી, જેને પગલે વાલીઓ રોષે ભરાયા હતા અને એકસંપ થઇ રજૂઆત કરવા સ્કૂલ પર પહોંચ્યા હતા. સ્કૂલ સંચાલકોની આવી ધમકીથી વાલીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. ઉશ્કેરાયેલા વાલીઓએ સ્કૂલ પ્રાંગણમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

      વાલીઓએ સકૂલના પ્રિન્સીપાલને મળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ  મળ્યા ન હતા., જેથી વાલીઓએ સ્કૂલના એડમીન સમક્ષ રજૂઆત કરી હતી કે, તેઓ ફી ભરવા સમંત છે પરંતુ ફીનું માળખું અમને લેખિતમાં આપો. જો કે, સ્કૂલ તરફથી લેખિતમાં ફી માળખુ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. શુક્રવારે સ્કૂલના વાલીઓ પર એક મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં વાલીઓને તા.૧૪મી ઓગસ્ટ સુધીમાં ફી ભરી દેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જો વાલીઓ આ સમયમર્યાદામાં ફી નહી ભરે તો તેમના બાળકોને મળતી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ કરી દેવાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેને પગલે વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી અને તેઓ આજે સ્કૂલના સત્તાધીશોને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા.

      વાલીઓએ માંગણી કરી હતી કે, ફી ના મામલે સ્કૂલના પ્રિન્સીપાલ તેમની સાથે બેઠક યોજે અને ફી અંગેનું માળખુ તેઓને લેખિતમાં આપે. વાલીઓએ જણાવ્યું હતું કે, તેઓ આ સમગ્ર મામલે ડીઇઓ સમક્ષ પણ રજૂઆત કરશે અને સ્કૂલ વિરૂધ્ધ પગલા લેવા પણ માંગણી કરશે.

 (09:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS